Wednesday, July 21, 2010

જમીન માફિયાઓએ હત્યા કરાવી ?

Jul 21,2010
અમદાવાદ : માહિતી અધિકાર ધારાના માધ્યમે મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચાર અને અન્યાય ખુલ્લા પાડવા જંગે ચડેલા અમીત જેઠવાએ તાજેતરમાં જ ગેરકાયદે ખાણકામ અને જમીન માફિયાઓનો ગીર વિસ્તારમાં જે અડ્ડો જામેલો હતો તે મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આજે તેમની હત્યા બાદ પોલીસને જે કડીઓ પ્રાપ્ત થઈ છે તેમાં આવા જ કોઈક જમીન માફિયાએ સોપારી આપી અમીત જેઠવાની હત્યા કરાવી હોવાની શંકા પડી છે.
આ જાહેર હિતની અરજીમાં ભ્રષ્ટાચાર જે વિસ્તારમાં થઈ રહ્યો હોવા વિષે વિગતો હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તેમાંની કેટલીક જમીનો સાથે ભાજપના કુખ્યાત અગ્રણીનો પણ છેડો અડતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અમીત જેઠવા અને આ અગ્રણીના માણસો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગજગ્રાહ પણ ચાલતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
દરમિયાન પોલીસને તેમની પ્રાથમિક તપાસમાં જે કડીઓ હાથ લાગી છે તેમાં અમીત જેઠવાની હત્યા કોઈકના ઈશારે કરાવવામાં આવી હોવાનો તર્ક રજૂ કરવામાં આવ્યો છે. જે રીતે હુમલાખોરો હાઈકોર્ટની સામે એડ્વોકેટની ઓફિસની નીચે અમીત જેઠવાના આવવાની રાહ જોઈ રહ્યા હતા અને આવતાં વેંત તેમના પર માત્ર એક જ ગોળીબાર કરવામાં આવ્યો તે આ બાબતનો નિર્દેશ હતો. આ એક જ ગોળી તેમના માટે જીવલેણ નિવડી હતી. આશરે ૪૦ વર્ષની ઉંમરના અમીત બી. જેઠવા છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક ન્યાયની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. જો કે, ‘લગાનલ્લ ફિલ્મના ગુજરાતમાં થયેલા શૂટિંગ દરમિયાન નામશેષ થઈ રહેલા પ્રાણીઓમાં જેનો સમાવેશ થયો છે તે ચિંકારા પ્રાણીને મારવામાં આવ્યું હોવાના મુદ્દે આમીર ખાન સામે ક્રિમિનલ કેસ દાખલ કરતાં અમીત જેઠવાનું નામ પર્યાવરણ અને પ્રાણી સુરક્ષાનું હિત હૈયે ધરાવનારાઓમાં લોકપ્રિય બન્યું હતું.
આટલું જ નહીં, જ્યારથી માહિતી અધિકાર ધારો અમલી બન્યો ત્યારથી તેનો સૌથી અસરકારક ઉપયોગ પણ તેમણે કર્યો હતો. ગીર યુથ નેચર ક્લબની રચના કરી તેમણે વન અને પર્યાવરણ વિભાગમાં અને ખાસ કરીને સાસણ ગીર વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કમર કસી હતી.
અગાઉ તેમણે રાજ્યમાં લેન્ડ સેટલમેન્ટ હાથ ધરવા, ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો માટે લોકાયુક્તની નિમણૂંક કરવી, રાજ્યમાં માહિતી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સફળ પીઆઈએલ કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=205887

No comments: