Friday, February 25, 2011

મહાશિવરાત્રિના મેળા માટે ભવનાથમાં તૈયારીઓનો ધમધમાટ.

જૂનાગઢ, તા.૨૩:
જીવ માટે શિવની આરાધનાના મહાપર્વ સમાન જૂનાગઢના શિવરાત્રિના મેળાની આગામી શનિવારના રોજથી શરૃઆત થઈ રહી છે. મેળામાં ભાગ લેતા મૂખ્ય ત્રણ અખાડાના દિગમ્બર સાધુઓનું આગમન શરૃ થઈ ગયું છે. તો મેળાની આગવી ઓળખ સમાન અન્નક્ષેત્રો માટે અનાજનો પૂરવઠો લાવવાની શરૃઆત થઈ ચૂકી છે. જ્ઞાતિ સમાજ અને આશ્રમોના ઉતારામાં સેવકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ તંત્રએ પણ મેળા માટે કમ્મર કસી છે. ગઈ કાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેળા સાથે સંકળાયેલા તમામ તંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી. ભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિનો મેળો તા.ર૬ ના રોજ સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શરૃ થઈ જશે. પાંચ દિવસ ચાલતા આ મેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લાખ્ખો ભાવિકો ભાગ લેશે. મહાશિવરાત્રિના મેળામાં જૂના, આવાહન અને અગ્નિ એમ ત્રણ અખાડાના દિગમ્બર  સાધુઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૃ થયું છે.
મેળાની બીજી ઓળખ અન્નક્ષેત્રો છે. પાંચ દિવસમાં લાખ્ખો ભાવિકો ગિરિતળેટીમાં શિવ આરાધનાની સાથે પ્રસાદરૃપી ભોજન કરે છે. મેળામાં સવા સો થી વધુ અન્નક્ષેત્રો વિવિધ આશ્રમો, ર્ધાિમક સંસ્થાઓ તથા જ્ઞાતિ સમાજના ઉતારા દ્વારા શરૃ કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રો માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ઉતારામાં ભાવિકો માટે રહેવાની જગ્યાની ગોઠવણ કરાઈ રહી છે.
મેળાની એકંદર વ્યવસ્થા જાળવતું તંત્ર સજ્જ થઈ રહ્યું છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર આશિર્વાદ પરમારના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, અંબાજી મહંત તનસુખગીરીબાપુ, ઈન્દ્રભારતીબાપુ વગેરે સંતો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ડિમોલીશન બાદ હવે મેળામાં આવતા ભાવિકો માટે લાઈટ, પાણી અને રહેવાની સુવિધા જળવાઈ રહે તે માટેની માગણીઓ કરાઈ હતી. અને બે દિવસમાં શક્ય તમામ સુવિધા ઉભી કરી દેવા તંત્રએ ખાતરી આપી છે. મેળામાં આવતા ભાવિકો ગિરનાર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે.
સમગ્ર ભવનાથ વિસ્તારમાં મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરી શરૃ રાખવાથી માંડીને ભાવિકો માટેની તમામ સુવિધા મહાનગર પાલિકા દ્વારા ઉભી કરવામાં આવશે. તેવી ખાતરી મેયર સતિષભાઈ વિરડા અને ડે.મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા આ બેઠકમાં આપવામાં આવી હતી.
દરમિયાન મહાશિવરાત્રિના મેળા સંદર્ભેની મળેલી બેઠકમાં  સાધુ-સંતોની ગરિમા જળવાય અને ભાવિકોને કોઈ મૂશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધા આપવા માટે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. સાધુ-સંતો વતી મહંત ઈન્દ્રભારતીબાપુએ તંત્રને જરૃર પડે ત્યા સંતો પણ મદદ માટે આવશે તેવી ખાતરી આપી હતી.
મહાશિવરાત્રિના મેળામાં આવતા લાખ્ખો ભાવિકો ગિરનાર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે. માટે ગિરનારની સીડી પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેળા દરમિયાન સીડી પણ એક માર્ગીય જાહેર કરવામાં આવી છે. ગિરનાર પર જવા માટે મૂખ્ય સીડી અને ઉતરવા માટે ભરતવન-શેષાવન વાળી જૂની સીડી નિયત કરવામાં આવી છે.
મેળામાં વાહનો માટેની ર્પાિંકગ વ્યવસ્થા
જૂનાગઢ : મહાશિવરાત્રિના મેળામાં  ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ માટે રૃપાયતનના પાટીયા પાસે, જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે, એગ્રિકેમ્પસની વાડીના પૂર્વ ભાગ તરફ તથા એસ.ટી.બસ માટે એગ્રી કેમ્પસની વાડીમાં ર્પાિંકગ વ્યવસ્થા રહેશે. જ્યારે ઓટોરિક્ષાઓ માટે એગ્રી કેમ્પની વાડીની પશ્ચિમ દિશા તરફ, મોટરસાઈકલો માટે દૂધેશ્વરથી પશ્ચિમ દિશામાં ર્પાિંકગ સ્ટેન્ડ નક્કિ કરાયા છે. ફોરવ્હિલ વાહનો માટે પ્રકૃતિધામ પટેલ સમાજની વાડીમાં ર્પાિંકગ રાખવામાં આવ્યું છે. અને ભારે વાહનો માટે સાયન્સ મ્યુઝીયમની સામે મહાપાલિકાની જગ્યા તથા નિચલા દાતાર પાસેના મેદાન સહિતના સ્થળો પર ર્પાિંકગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પશુગાડીઓ તળેટીમાં લઈ જવા પર પ્રતિબંધ
જૂનાગઢ : મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં જતા રસ્તાઓ પર ટ્રાફિક ન અવરોધાય તે માટે તા.રપ થી ૩ સુધી ઉંટગાડી, બળદગાડી કે ઘોડાગાડી જેવા વાહનો ગિરનાર દરવાજાથી મેળા તરફ આગળ ઉપર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શિવરાત્રિના મેળા માટે સાધુ-સંતો દ્વારા કરાયેલી રજૂઆત
  • મેળા દરમિયાન ખૂણે ખૂણે નિયમીત સફાઈ થવી જરૃરી
  • ઉતારા માટે દરજ્જા પ્રમાણે જગ્યા ફાળવવી
  • ઉતારાની જગ્યા ફાળવણીમાં વ્હાલા-દવલાની નિતિ ન રખાય
  • ભવનાથમાં પૂરતા પ્રમાણમાં બાથરૃમ-શૌચાલયોની વ્યવસ્થા કરવી
  • સાધુ-સંતોને ધુણા માટે પુરતા પ્રમાણમાં સુકા લાકડા પુરા પાડવા
  • રવેડી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી
  • ગિરનાર પર વિનામુલ્યે પીવાના પાણીની વ્યવસ્થા કરવી
  • ગિરનારી જર્જરીત સીડી સત્વરે રિપેર કરવી
  • ગિરનાર પર નિયમીત લાઈટની વ્યવસ્થા કરવી

No comments: