Saturday, February 13, 2010

મારણમાં ખલેલ પહોંચાડતા સાવજે બે વર્ષના સિંહને પતાવી દીધો.

Bhaskar News, Amreli
Sunday, April 12, 2009 01:16 [IST]

સાવરકુંડલા પાસેના મેંકડા ગામની સીમમાં સાવજને મારણ સમયે ખલેલ પહોંચાડતા બે વર્ષના સિંહ પર હુમલો કરી સાવજે મારી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવ કેવી રીતે બન્યો તે અંગેની વિગતો બહાર લાવવા તપાસ શરૂ કરી છે. મેંકડા ગામની સીમમાં રવજીભાઇ કણસાગરાની વાડીમાંથી આશરે પોણા બે વર્ષની ઉમરના સિંહ (પાઠડો)નો મૃતદેહ મળી આવ્યો હતો. બચ્ચું પણ ન કહી શકાય અને પુખ્ત પણ ન કહી શકાય તેવી ઉમરના આ પાઠડા સિંહનું જડબું અને ખોપરીના ચૂરેચૂરા થઇ ગયા હતા.

પાઠડા સિંહના મૃતદેહથી થોડે દૂર એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું હોવાના પુરાવા પણ મળ્યા હતા. આથી જંગલખાતાના અધિકારીઓએ એવું તારણ કાઢયું હતું કે પુખ્ત નર સિંહ મારણ કરતો હશે ત્યારે પાઠડો નર સિંહ ત્યાં આવી ચડયો હશે અને તેણે પુખ્ત સિંહની સાથે મારણ કરવાની કોશિશ કરી હશે. આથી પુખ્ત સિંહે ગુસ્સામાં આવી જઇને પાઠડાને પતાવી દીધો હોવો જોઇએ.આવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહેતી હોય છે. પરંતુ સિંહ મોટેભાગે બચ્ચાંઓને મારીને ખાઇ જતા હોય છે.

એકબીજાની ટેરેટરીમાં જયારે સિંહ જઇ ચડતા હોય છે ત્યારે પણ એકબીજા પર હુમલો કરતા હોય છે. જો કે શનિવારે સાવરકુંડલા પાસે જે ઘટના બની તેમાં મારણમાં ખલેલ પહોંચાડતા પાઠડા સિંહને પુખ્ત વયના સિંહે મોતને ઘાટ ઉતાર્યોહોય તેવું પ્રથમ વખત બન્યાનું પણ વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ વિસ્મયકારી ઘટના બાદ જયાંથી બે વર્ષની વયના સિંહ (પાઠડા)નો મૃતદેહ મળ્યો હતો ત્યાં જ સ્થળ પર તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/04/12/0904120117_lions_kills_two_year_old_lion_in_gir.html

સિંહની હત્યાના અનેક બનાવો વણઉકેલ.

Bhaskar News, Rajkot
Sunday, July 06, 2008 00:43 [IST]

વનતંત્રે ફરિયાદ નોંધાવવાની કે તપાસ કરવાની તસ્દી પણ નથી લીધી

ગીરના જંગલમાં મોટેપાયે સાવજોના શિકાર થયાની ગયા વર્ષે બહાર આવેલી વિગતો બાદ સરકારે સાવજોના રક્ષણ માટે કરોડોની યોજનાઓ જાહેર કરી હતી અને એ દિશામાં થોડું ઘણું નક્કર કામ પણ થયું છે.

પણ આઘાત આપનારી વાત એ છે કે, ભૂતકાળમાં સિંહ સહિતના અનેક વન્યપ્રાણીઓના શંકાસ્પદ મોતના કિસ્સામાં તંત્રે તપાસ કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ગીર નેચર કલબના પ્રમુખ અમિત જેઠવાએ તંત્ર પાસે માહિતી માંગ્યા પછી સામે આવેલા તથ્યો ચોંકાવનારા સાબિત થઈ શકે તેમ છે.

ગીર નેચર યુથ કલબને મળેલી માહિતી મુજબ ગત તા.૨૨-૦૫-૦૭ના રોજ અંદાજે ૧ થી ૨ વર્ષની ઉંમરના નર સિંહનો મૃતદેહ તુલસીશ્યામ રેન્જના ભાણિયા રાઉન્ડમાં ઉંદરડી નેસના પાણીના પોઈન્ટ પાસેથી મળી આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન આ સિંહને જમીન ઉપર ઘસડવામાં આવ્યો હોય અને સિંહનું ઝેરી અસરથી મોત થયું હોય એવા નિર્દેશો મળતાં હોવા છતાં એ કિસ્સામાં કાંઈ તપાસ કરવામાં નહોતી આવી મહત્ત્વની વાત એ છે કે, બનાવના ચાર દિવસ પહેલાં જ આ સિંહ ગીદરડી બીટમાં સાત સાવજોના ગ્રુપમાં જોયા હતા.

ફેરણું કરનાર બીટગાર્ડે આ સિંહ એ સમયે તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. આ સિંહનું મૃત્યુ દેખીતી રીતે જ શંકાસ્પદ હોવા છતાં તંત્રે તપાસ કરવાની તસ્દી નહોતી લીધી.

આ જ વિસ્તારમાં તા.૨૪-૧૨-૦૭ના રોજ પાડાવાળા નહેરા નજીકથી એક પુખ્ત સિંહણનું શબ મળી આવ્યું હતું. આ સિંહણનું મોત ઝેરી અસરના કારણે થયાનું સરકારી દફતરે પણ બોલે છે પણ તેમ છતાં એ ઘટનાના આરોપીઓની આજ સુધી ઓળખ નથી મળી.

આ યાદી લાંબી છે. ગત તા.૨૩-૦૨-૦૭ના રોજ ધારી તાલુકાના ગઢિયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીના કૂવામાંથી બે સિંહ બાળના શબ મળ્યા હતા. સિંહ દર્શનની ધેલછામાં કોઈ ફોર વ્હીલ વાહનના ચાલકે વાહન દોડાવતાં આ સિંહબાળ કૂવામાં પડી ગયાનું તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું. આમ છતાં આ કિસ્સામાં તપાસ આગળ નહોતી વધારાઈ.

અન્ય એક બનાવમાં ખાંભા તાલુકાના નવા માલકેશ ગામેથી પકડાયેલા એક સિંહને માઈક્રો ચિપ્સ બેસાડીને તા.૨૮-૦૭-૦૭ના રોજ કોઠારિયા રાઉન્ડના લીમડાવાળા જંગલમાં છોડવામાં આવેલો. આ સિંહનું ઝેરી અસરથી મૃત્યુ થયું હતું. તા.૯-૧૨-૦૭ના રોજ ઊના તાલુકાના કોદિયા રેવન્યુ ડેમના અંદરના ભાગેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કિસ્સામાં પણ ગુનો નથી નોંધાયો.

આ ઉપરાંત ખાંભા તાલુકાના કતારધામ વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક દીપડાને તથા પીપરિયા ગામ નજીક દીપડીના બરચાંને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ બધી ઘટનાઓ વન્યપ્રાણીઓની હત્યાને લગતી છે. ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમિત જેઠવા દ્વારા આ તમામ વિગતો સાથે ઉરચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે એમ યાદીમાં જણાવાયું છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/07/06/0807060045_many_murders_mistry.html

ગીર-ગિરનાર: શેર-સવા શેર.

Ustav Magazine
Thursday, April 16, 2009 18:27 [IST]

કુદરતના ખોળે ઊછરતા એશિયાના સાવજનો અસલી મિજાજ, શરીરના રોમ રોમ ખડા કરી દેતી ડણક અને તેની રૂઆબદાર છટાને માણવી હોય તો ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યની મુલાકાત લેવી જ રહી. સાસણગીર ઉપરાંત આસપાસનાં અનેક પ્રવાસધામ વારંવાર જવાની ઇરછા થાય તેવાં છે...

Junagadhવયપ્રેમીઓ માટે ગીર કરતાં સારો કોઇ વિકલ્પ ગુજરાતમાં નથી. સિંહ જોવા હોય કે હરણ, દરિયાકાંઠે જવું હોય કે ધોધ નીચે સ્નાન કરવું હોય, ગીરમાં અને તેની આસપાસ બધું મળી રહે છે. સાસણ ખાતે સરકારી ઉતારા અને ‘સિંહ સદન’ છે, જયાંથી સિંહ જોવા જવાની બધી વ્યવસ્થા થઇ શકે છે. સાસણથી ૧૦ કિલોમીટર દૂર દેવળિયા સફારી પાર્કમાં દસ-બાર સિંહ છે. પ્રવાસીઓને ત્યાં સરકારી ગાડીમાં લઇ જઇ સિંહ દર્શન કરાવાય છે.

આ ઉપરાંત વન ખાતાની પરવાનગી લઇને જંગલમાં પણ જઇ શકાય છે. સિંહ ઉપરાંત ત્યાં કાળિયાર, દીપડા, નીલગાય, ચિંકારા, ઝરખ વગેરે પ્રાણીઓ અને જાતજાતનાં પક્ષીઓ પણ જોવા મળે છે. વિશ્વમાં કુદરતી અવસ્થામાં બે જ જગ્યાએ સિંહ જોવા મળે છે, ભારત અને આફ્રિકા. છેલ્લી ગણતરી પ્રમાણે ગીરમાં લગભગ ૩૫૯ સિંહ વસે છે.

પ્રવાસની ટોચ: ગિરનાર

Girnarગુજરાતનું સૌથી ઊંચું સ્થળ એટલે ગિરનાર. પર્વત, પ્રકòતિ, પ્રાણી, ધર્મસ્થાનો બધું એકસાથે જોવું હોય તો ગિરનાર પહોંચી જવું. જુનાગઢને છાંયડો પૂરો પાડતા ગિરનાર જવા માટે પહેલા જુનાગઢ જવું પડે. ગિરનારના મુખ્ય શિખરની બાજુમાં દાતાર નામનું હિંદુ-મુસ્લિમ બંને કોમ માટેનું ધર્મસ્થાન છે. આ બધા ઉપરાંત ગિરનારમાં ઢગલાબંધ ફરવાલાયક સ્થળો છે.

કેવી રીતે જવું?

રાજ્યના બધા જિલ્લામથકો સાથે જુનાગઢ જોડાયેલું છે. શહેરથી ગિરનારની તળેટી સાતેક કિલોમીટર દૂર છે. જુનાગઢ રેલવે સ્ટેશન પણ છે. નજીકનું એરપોર્ટ કેશોદ ૪૦ કિલોમીટર દૂર છે.

કેવી રીતે જવું?

Girnarગીરની નજીકનું એરપોર્ટ ૧૭૫ કિલોમીટર દૂર રાજકોટનું છે. અમદાવાદથી સાસણ લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે. ત્યાં સુધી જવા માટે ટ્રાન્સપોટર્ેશનની ઉત્તમ સરકારી સુવિધા ઉપલબ્ધ છે. નજીકનું રેલવે સ્ટેશન અને મોટું શહેર જુનાગઢ ૬૫ કિલોમીટર દૂર છે. ત્યાં સુધી રેલવેલાઇન ઉપલબ્ધ છે.

ત્યાંની સુવિધાઓ

તાલુકામથક સાસણગીરનું પ્રવેશદ્વાર કહી શકાય. ત્યાં રહેવા-જમવાની ઉત્તમ સુવિધા છે.નવેમ્બરથી જૂન વરચેનો સમય ગીરની મુલાકાત લેવા માટે અતિ ઉત્તમ સમય છે. ચોમાસા દરમિયાન સિંહદર્શન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/spotlight/summer_vacation/200904160904161852_gir_girnar.html

ઝૂના અફસર પ્યારના દુશ્મન ...!

Ketan Dave, Ahmedabad
Saturday, August 29, 2009 04:04 [IST]
Bookmark and Share

કાંકરિયા ઝૂના સિંહ-સિંહણ ગણેશ-ઓખાની ફરિયાદ

એક હિન્દી ફિલ્મનાં ગીતની કડી છે કે ‘અપના જીવન તો રેલકી પટરી, સારા જીવન સામને રહે પર મિલ નહિ પાયે’ જેવા જ હાલ હાલમાં કાંકરિયાસ્થિત કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના વનરાજ ગણેશ તથા સિંહણ ઓખાની છે, કેમકે આ સિંહ-સિંહણનાં પાંજરા એકમેકથી માત્ર વીસથી પચીસ ફૂટ જ દૂર છે. તેઓ એકબીજાથી આટલાં નજીક હોવા છતાં છેલ્લા સત્તર વર્ષમાં ક્યારેય તેમનું મિલન થયું નથી.

એક પાંજરામાં પુરાયેલી સિંહણ ઓખા છેલ્લા ત્રણેક દિવસથી હિટ(સંવનન માટે આતુર)પર આવતાં પોતાના પ્રિયપાત્ર સાથે મિલન ઝંખી રહી છે. ઉદાસ વદને ખાધાપીધા વગર આળોટતી રહેતી ઓખાની આ હાલત જોઇ કોઇ પણને તેની દયા આવી જાય તે સ્વાભાવિક છે, તો બીજી તરફ સિંહ ગણેશના પણ આવા જ હાલ છે, જોકે તેમનું દર્દ જોઇ કાંકરિયા ઝૂના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ દુ:ખી છે પરંતુ તેઓ પણ તેમનું મિલન કરાવી શકતા નથી, કેમકે તેમને કાયદો રોકે છે, જોકે આ તો વાત થઇ કાંકરિયાનાં સિંહ-સિંહણની, પરંતુ આ ઉપરાંત રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ઘણા સિંહ-સિંહણ, દીપડો-દીપડી, વાઘ-વાઘણ મિલન માટે તરસી રહ્યાં છે.

જંગલના રાજા સિંહને પણ પ્રિય પાત્ર સાથેના મિલનમાં વિલન બનતા આ નિયમ અંગે કાંકરિયા ઝૂના ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે ‘ ગણેશ તથા ઓખા ક્રોસ બ્રિડથી પેદા થયેલાં પ્રાણીઓ છે એટલે કે તેમની માતા આફ્રિકન સિંહણ અને પિતા એશિયન સિંહ હતો અને નેશનલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ હવેથી આવા પ્રાણીઓની વસ્તી વધારવી નહિ એટલે કે જે આવા ક્રોસ બ્રિડવાળા જેટલાં પ્રાણીઓ હયાત છે તેમને સાચવવાં, પરંતુ તેમનાં બચ્ચાં પેદા કરાવવાં નહીં. એટલે આ પ્રાણીઓના અંત બાદ ક્રોસ બ્રિડવાળા સિંહ-સિંહણ નાબૂદ થઇ જાય અને માત્ર ઓરિજિનલ નસલવાળા જ સિંહ-સિંહણ હયાત રહે.’

આ ગાઇડલાઇનનો કડકાઇથી અમલ કરવાનો આદેશ હોઇ ગણેશ તથા ઓખાને એકબીજાની સાથે રાખી શકાતાં નથી. અન્ય એક કારણ જણાવતાં ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે આ ગણેશ તથા ઓખાની માતા એક જ હતી. માટે જો તેમને મેટિંગ કરાવવામાં આવે તો તેને ‘ઇનબ્રિડિંગ’ કહેવાય અને ઇનબ્રિડિંગથી પેદા થયેલાં બચ્ચાઓમાં જિનેટિકલ પ્રોબ્લેમ રહેવાની શક્યતા હોય છે.

આવાજ હાલ વડોદરા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયના બે વનરાજ કાલુ તથા રામુ અને સિંહણબાનુના છે. ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન આગળ પોતે લાચાર હોવાનું કમાટીબાગ ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સી. ટી. પટેલ જણાવી રહ્યા છે. સુરત ઝૂમાં પણ ક્રોસ બ્રિડવાળા સિંહ બહાદુર અને સિંહણ સીતાને આજીવન વેગળાં રાખવામાં આવ્યાં હતાં.

જૂનાગઢ સક્કરબાગને બાદ કરતાં રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ક્રોસ બ્રિડવાળા સિંહ અને સિંહણ છે અને તેમાંય વળી જ્યારે સિંહણ હીટ પર આવે ત્યારે તેની સ્થિતિ ખરેખર દયનીય હોવાનું અને આ પરિસ્થિતિ પ્રાણીઓની માનસકિ હાલત પર પણ અસર કરતી હોવાનું ઝૂના આધિકારીઓ જણાવી રહ્યા છે પરંતુ તેઓ પણ નિયમ આગળ લાચાર છે!
Source: http://www.divyabhaskar.co.in/2009/08/29/090829040446_officer_of_zoo.html

સિંહને સંભોગ વખતે છંછેડયો, તો ‘સમાધિ’ નક્કી.

Kalash
Wednesday, January 28, 2009 14:15 [IST]

સંભોગ ક્રિયા (મેટિંગ) વખતે સિંહ પાસે ફરકવાથી ગીરમાં એક યુવાને જીવ ખોવો પડયો. આ સમયે સિંહ કોઇની દખલઅંદાજી સાંખી લેતા નથી. આ વિશે સિંહના મેટિંગ સમયની એકથી વધુ વખત ફોટોગ્રાફી કરી ચૂકેલા ગુજરાતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પોતાના અનુભવો ‘કળશ’ સાથે શેર કરે છે...

‘આ તસવીર જોઈ રહ્યાં છે તે સાસણ ગીરના સેડકડીની છે. આ તસવીરો માટે હું આખો દિવસ આ મેટિંગ લાયન કપલને નિરખતો રહ્યો હતો.

આમ તો સિંહ માટે આખું વર્ષ પ્રજનન ઋતુ જ છે, તેમ છતાં સપ્ટેમ્બર-ઓકટોબર મેટિંગની સિઝન ગણી શકાય. મેટિંગ કાળમાં (સૌરાષ્ટ્રની બોલીમાં ‘ઘોરમાં છે’) સિંહ-સિંહણ સળંગ ચાર દિવસ સુધી સાથે રહેતા હોય છે. સળંગ ચાર દિવસ ખાધા-પીધા વગર માત્ર મેટિંગ માટે જ સમય ફાળવતા કપલ આજુ બાજુની દુનિયાને સંપૂર્ણપણે ભૂલી જતા હોય છે. આ સમયે તેઓ કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ પસંદ કરતા નથી.

જંગલી પ્રાણીઓ પણ સમજીને આવા કપલની પાસે જતાં નથી હોતા. પરંતુ આ સમયે કોઈ માણસ જાણીજોઈને ડિસ્ટર્બ કરે તો નર સિંહ આ ખલેલને બર્દાશ્ત નથી કરી શકતો. ત્યારે સિંહ કોઈ પણ સમયે હુમલો કરી શકે છે.

આ સમયે તો વ્યકિત ભાગી પણ શકતો નથી અને તેને સિંહ તેને ફાડી નાખે છે. ચાર દિવસના અંતે સિંહ સિંહણ બંને એટલા નર્વસ થઈ ગયા હોય છે કે રીતસર થાકેલા લાગે છે અને અંતે મેટિંગકાળ પૂરો થતા છૂટા પડે છે.

આ મેટિંગ સમયને ઘણા લોકો ગલગલિયાંની રીતે લેતા હોય છે અને કપલને ડિસ્ટર્બ કરતા હોય છે તેના લીધે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, જે યોગ્ય નથી. ફોટોગ્રાફીની દ્રષ્ટિએ આ સમયગાળો સરળ છે કેમ કે સિંહ કપલ ધીરે ધીરે જગ્યા બદલે છે. તેને લીધે ફોટોગ્રાફી કરવા યોગ્ય સેટિંગ કરવાનો સમય મળે છે. શિકાર કરતી વખતે ફોટો ખેંચવો સૌથી મુશ્કેલ વસ્તુ છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/01/28/0901281419_lion_matting.html

પ્રણયક્રીડામાં ખલેલ કરનાર દીપડા પર સિંહનો હુમલો..

Bhaskar News, Talala
Saturday, October 24, 2009 00:25 [IST]

માણસો વચ્ચે થાય એવો ઝઘડો આંકોલવાડી રેન્જના જંગલમાં પ્રાણીઓ વચ્ચે થયો

તાલાલા તાલુકાનાં આંકોલવાડી રેન્જ હેઠળના બામણાસા (ગીર)ગામ નજીકનાં પીએફનાં જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારે સિંહ-સિંહણનું જોડુ મેટીંગ પીરીયડમાં પ્રણયક્રીડામાં મગ્ન હતુ ત્યારે નજીકની આંબાવાડી માંથી આવી ચડેલા દિપડા બે સિંહ યુગલની મસ્તીમાં ખલેલ પહોંચાડતા છંછેડાયેલા સિંહે આક્રમકતા સાથે દિપડા ઉપર હુમલો કરતા સિંહ અને દિપડા વચ્ચે ઈનફાઈટ થયું હતું.

જેમાં દિપડાને કમરમાં અને સાથળના ભાગોમાં સિંહે ગંભીર ઈજા કરી લોહીલુહાણ કરી નાંખતા સિંહથી જીવ બચાવી દિપડો ભાગી આંબાવાડીમાં લપાઈલ ગયો હતો. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજા ગ્રસ્ત દિપડાને શોધી પાંજરે પૂરી સારવાર માટે સાસણ વેટરનરી હોસ્પિટલમાં ખસેડયો હતો.

બામણાસા (ગીર) નજીકના પીએફનાં જંગલ વિસ્તારમાં બે દિવસથી સિંહ-સિંહણનું જોડુ ફરતુ હતું. તે સિંહ યુગલ આજે વહેલી સવારે બામણાસા ગામ નજીકનાં બોકળાધારનાં જંગલ વિસ્તારમાં પ્રણયક્રીડામાં મગ્ન હતું. ત્યારે નજીકનાં આંબાવાડીમાં ઘણા દિવસોથી ફરતો દિપડો સિંહ યુગલ નજીક પહોંચી ગયો હતો અને સિંહ યુગલ સામે જોર થી ઘુરકીયા કરી ખલેલ પહોંચાડતા આક્રમક બનેલા સિંહે દિપડા ઉપર હુમલો કરતા સિંહ-દિપડા વચ્ચે ઈનફાઈટ જામી હતી.

ફાઈટમાં સિંહે દિપડા ઉપર હુમલો કરતા સિંહ-દિપડા વચ્ચે ઈનફાઈટ જામી હતી. ફાઈટમાં સિંહે દિપડાને કમર અને સાથળનાં ભાગે પંજા મારતા તિક્ષ્ણ નહોરથી દિપડો લોહી લુહાણ બની ગયો હતો અને સિંહથી જીવ બચાવી આંબાવાડી તરફ ભાગી લપાઈ ગયો હતો. વહેલી સવારે ખેતરો તરફ કામે જતા મજુરોએ ઘટના અંગે આંકોલવાડી રેન્જ ઓફીસને જાણ કરતા આરએફઓ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જયાં બનાવની વિગત જાણી ડી.એફ.ઓ. અમીતકુમાર અને એસીએફ કટારાને જાણ કરતા બન્નો અધિકારીઓના માર્ગદર્શન મુજબ સાસણથી લોકેશન પાર્ટી બોલાવી ઈજાગ્રસ્ત દીપડાનાં પંજા તથા લોહીનાં નીશાન ઉપરથી દિપડાને શોધી પાંજરામાં પુરી સારવાર માટે સાસણ વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપેલ. ઈનફાઈટ બાદ સિંહ-સિંહણનું જોડુ સેન્ચુરી તરફનાં ગાઢ જંગલ તરફ ચાલ્યું ગયુ હોય દિપડા સાથે ફાઈટમાં સિંહને ઈજા પહોંચી છે કે કેમ ? તે માટે ફોરેસ્ટ કર્મીઓ સિંહ યુગલની શોધખોળ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક માસ પહેલા ધાવા નજીક મેટીંગ પીરીયડ માટે ઉતેજીત થયેલા સિંહે સિંહણને ફાડી ખાધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2009/10/24/091024002538_lion_attack_leopard_in_gir.html

પુલ પરથી પછડાયેલા સિંહની મરણચીસ વિધાનસભામાં ગાજી.

Saturday, Dec 19th, 2009, 12:15 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

સાસણગીર નજીક હિરણનદીનાં પુલ પરથી રહસ્યમય સંજોગોમાં ખાબકેલા સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. દસેક દિવસ પહેલા બનેલી આ ઘટનાનો પડઘો આજે વિધાનસભામાં પડયો હતો. તાલાલાનાં ધારાસભ્યે પૂછેલા પ્રશ્નનાં જવાબમાં વનવિભાગે એવો પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે, વાહન દોડાવવાને પગલે સિંહ પુલ પરથી ઠેકડો નહોતો માર્યો આથી છંછેડાયેલા ધારાસભ્યે જો વાહન દોડાવવાની ઘટના ન બની હોય તો રાજીનામું આપવા પડકાર ફેંકયો હતો. અને બનાવ અંગે તપાસ કમિટી રચવા માંગણી કરી હતી.

સાસણ ગીર નજીક આવેલા હિરણનદીનાં પુલ પરથી ગત તા.૭ ડિસે.ની રાત્રે એક ડાલામથ્થાએ ઠેકડો મારતાં પછડાટને લીધે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં બીજે દિવસે સાસણનાં ગ્રામજનોએ બંધ પાળી સિંહને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારોભાર રોષ ઠાલવ્યો હતો.

આજથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં તાલાલાનાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ બારડે સિંહનાં પુલ પરથી છલાંગ મારવાનાં કારણો અંગે પ્રશ્ન પૂછયો હતો. જવાબમાં સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની જ ન હોવાનો વનવિભાગે પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

આજરોજ ભગવાનજીભાઈએ ગૃહમાં પડકાર ફેંકયો હતો કે, જો સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની ન હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. તેમણે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સિંહની પાછળ વાહન દોડાવવામાં આવ્યું હતું. અને ફુલ હેડલાઈટો ફેકંવામાં આવી હતી.

દરમ્યાન સિંહ પુલ પર આવી જતાં અને સામેથી પણ વાહનોની ફુલ લાઈટો દેખાતાં તેની પાસે પુલની દિવાલ ઠેકવા સિવાય કોઈ આરો રહ્યો ન હતો. જો કે, એ નિદોઁષ પ્રાણીને દિવાલ સામાન્ય નહી પરંતુ પુલની હોવાનો ખ્યાલ નહોતો.

પરિણામે એ છલાંગ તેના માટે મોતનું કારણ બની ગઈ. તેમણે બનાવ અંગે તપાસ કમિટીની રચના કરી સિંહ પાછળ વાહન દોડાવનારાઓ સામે કડક પગલા ભરવા માંગણી કરી હતી.

તેમણે ઉમેયું હતું કે, સિંહનાં દાંત છેક ઉપર ચઢી જવા સાથે પાંસળીઓ તૂટી જતાં પીડાદાયક મોતને ભેટયો હતો.ચર્ચા ઉગ્ર બનતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરમિયાન ગીરી કરી સભ્યની સિંહ પ્રત્યેની લાગણી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219001535_107004.html