Saturday, February 13, 2010

સિંહની હત્યાના અનેક બનાવો વણઉકેલ.

Bhaskar News, Rajkot
Sunday, July 06, 2008 00:43 [IST]

વનતંત્રે ફરિયાદ નોંધાવવાની કે તપાસ કરવાની તસ્દી પણ નથી લીધી

ગીરના જંગલમાં મોટેપાયે સાવજોના શિકાર થયાની ગયા વર્ષે બહાર આવેલી વિગતો બાદ સરકારે સાવજોના રક્ષણ માટે કરોડોની યોજનાઓ જાહેર કરી હતી અને એ દિશામાં થોડું ઘણું નક્કર કામ પણ થયું છે.

પણ આઘાત આપનારી વાત એ છે કે, ભૂતકાળમાં સિંહ સહિતના અનેક વન્યપ્રાણીઓના શંકાસ્પદ મોતના કિસ્સામાં તંત્રે તપાસ કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ગીર નેચર કલબના પ્રમુખ અમિત જેઠવાએ તંત્ર પાસે માહિતી માંગ્યા પછી સામે આવેલા તથ્યો ચોંકાવનારા સાબિત થઈ શકે તેમ છે.

ગીર નેચર યુથ કલબને મળેલી માહિતી મુજબ ગત તા.૨૨-૦૫-૦૭ના રોજ અંદાજે ૧ થી ૨ વર્ષની ઉંમરના નર સિંહનો મૃતદેહ તુલસીશ્યામ રેન્જના ભાણિયા રાઉન્ડમાં ઉંદરડી નેસના પાણીના પોઈન્ટ પાસેથી મળી આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન આ સિંહને જમીન ઉપર ઘસડવામાં આવ્યો હોય અને સિંહનું ઝેરી અસરથી મોત થયું હોય એવા નિર્દેશો મળતાં હોવા છતાં એ કિસ્સામાં કાંઈ તપાસ કરવામાં નહોતી આવી મહત્ત્વની વાત એ છે કે, બનાવના ચાર દિવસ પહેલાં જ આ સિંહ ગીદરડી બીટમાં સાત સાવજોના ગ્રુપમાં જોયા હતા.

ફેરણું કરનાર બીટગાર્ડે આ સિંહ એ સમયે તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. આ સિંહનું મૃત્યુ દેખીતી રીતે જ શંકાસ્પદ હોવા છતાં તંત્રે તપાસ કરવાની તસ્દી નહોતી લીધી.

આ જ વિસ્તારમાં તા.૨૪-૧૨-૦૭ના રોજ પાડાવાળા નહેરા નજીકથી એક પુખ્ત સિંહણનું શબ મળી આવ્યું હતું. આ સિંહણનું મોત ઝેરી અસરના કારણે થયાનું સરકારી દફતરે પણ બોલે છે પણ તેમ છતાં એ ઘટનાના આરોપીઓની આજ સુધી ઓળખ નથી મળી.

આ યાદી લાંબી છે. ગત તા.૨૩-૦૨-૦૭ના રોજ ધારી તાલુકાના ગઢિયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીના કૂવામાંથી બે સિંહ બાળના શબ મળ્યા હતા. સિંહ દર્શનની ધેલછામાં કોઈ ફોર વ્હીલ વાહનના ચાલકે વાહન દોડાવતાં આ સિંહબાળ કૂવામાં પડી ગયાનું તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું. આમ છતાં આ કિસ્સામાં તપાસ આગળ નહોતી વધારાઈ.

અન્ય એક બનાવમાં ખાંભા તાલુકાના નવા માલકેશ ગામેથી પકડાયેલા એક સિંહને માઈક્રો ચિપ્સ બેસાડીને તા.૨૮-૦૭-૦૭ના રોજ કોઠારિયા રાઉન્ડના લીમડાવાળા જંગલમાં છોડવામાં આવેલો. આ સિંહનું ઝેરી અસરથી મૃત્યુ થયું હતું. તા.૯-૧૨-૦૭ના રોજ ઊના તાલુકાના કોદિયા રેવન્યુ ડેમના અંદરના ભાગેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કિસ્સામાં પણ ગુનો નથી નોંધાયો.

આ ઉપરાંત ખાંભા તાલુકાના કતારધામ વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક દીપડાને તથા પીપરિયા ગામ નજીક દીપડીના બરચાંને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ બધી ઘટનાઓ વન્યપ્રાણીઓની હત્યાને લગતી છે. ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમિત જેઠવા દ્વારા આ તમામ વિગતો સાથે ઉરચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે એમ યાદીમાં જણાવાયું છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/07/06/0807060045_many_murders_mistry.html

No comments: