Saturday, February 13, 2010

સિંહને સંભોગ વખતે છંછેડયો, તો ‘સમાધિ’ નક્કી.

Kalash
Wednesday, January 28, 2009 14:15 [IST]

સંભોગ ક્રિયા (મેટિંગ) વખતે સિંહ પાસે ફરકવાથી ગીરમાં એક યુવાને જીવ ખોવો પડયો. આ સમયે સિંહ કોઇની દખલઅંદાજી સાંખી લેતા નથી. આ વિશે સિંહના મેટિંગ સમયની એકથી વધુ વખત ફોટોગ્રાફી કરી ચૂકેલા ગુજરાતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પોતાના અનુભવો ‘કળશ’ સાથે શેર કરે છે...

‘આ તસવીર જોઈ રહ્યાં છે તે સાસણ ગીરના સેડકડીની છે. આ તસવીરો માટે હું આખો દિવસ આ મેટિંગ લાયન કપલને નિરખતો રહ્યો હતો.

આમ તો સિંહ માટે આખું વર્ષ પ્રજનન ઋતુ જ છે, તેમ છતાં સપ્ટેમ્બર-ઓકટોબર મેટિંગની સિઝન ગણી શકાય. મેટિંગ કાળમાં (સૌરાષ્ટ્રની બોલીમાં ‘ઘોરમાં છે’) સિંહ-સિંહણ સળંગ ચાર દિવસ સુધી સાથે રહેતા હોય છે. સળંગ ચાર દિવસ ખાધા-પીધા વગર માત્ર મેટિંગ માટે જ સમય ફાળવતા કપલ આજુ બાજુની દુનિયાને સંપૂર્ણપણે ભૂલી જતા હોય છે. આ સમયે તેઓ કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ પસંદ કરતા નથી.

જંગલી પ્રાણીઓ પણ સમજીને આવા કપલની પાસે જતાં નથી હોતા. પરંતુ આ સમયે કોઈ માણસ જાણીજોઈને ડિસ્ટર્બ કરે તો નર સિંહ આ ખલેલને બર્દાશ્ત નથી કરી શકતો. ત્યારે સિંહ કોઈ પણ સમયે હુમલો કરી શકે છે.

આ સમયે તો વ્યકિત ભાગી પણ શકતો નથી અને તેને સિંહ તેને ફાડી નાખે છે. ચાર દિવસના અંતે સિંહ સિંહણ બંને એટલા નર્વસ થઈ ગયા હોય છે કે રીતસર થાકેલા લાગે છે અને અંતે મેટિંગકાળ પૂરો થતા છૂટા પડે છે.

આ મેટિંગ સમયને ઘણા લોકો ગલગલિયાંની રીતે લેતા હોય છે અને કપલને ડિસ્ટર્બ કરતા હોય છે તેના લીધે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, જે યોગ્ય નથી. ફોટોગ્રાફીની દ્રષ્ટિએ આ સમયગાળો સરળ છે કેમ કે સિંહ કપલ ધીરે ધીરે જગ્યા બદલે છે. તેને લીધે ફોટોગ્રાફી કરવા યોગ્ય સેટિંગ કરવાનો સમય મળે છે. શિકાર કરતી વખતે ફોટો ખેંચવો સૌથી મુશ્કેલ વસ્તુ છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/01/28/0901281419_lion_matting.html

No comments: