Saturday, February 13, 2010

પુલ પરથી પછડાયેલા સિંહની મરણચીસ વિધાનસભામાં ગાજી.

Saturday, Dec 19th, 2009, 12:15 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

સાસણગીર નજીક હિરણનદીનાં પુલ પરથી રહસ્યમય સંજોગોમાં ખાબકેલા સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. દસેક દિવસ પહેલા બનેલી આ ઘટનાનો પડઘો આજે વિધાનસભામાં પડયો હતો. તાલાલાનાં ધારાસભ્યે પૂછેલા પ્રશ્નનાં જવાબમાં વનવિભાગે એવો પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે, વાહન દોડાવવાને પગલે સિંહ પુલ પરથી ઠેકડો નહોતો માર્યો આથી છંછેડાયેલા ધારાસભ્યે જો વાહન દોડાવવાની ઘટના ન બની હોય તો રાજીનામું આપવા પડકાર ફેંકયો હતો. અને બનાવ અંગે તપાસ કમિટી રચવા માંગણી કરી હતી.

સાસણ ગીર નજીક આવેલા હિરણનદીનાં પુલ પરથી ગત તા.૭ ડિસે.ની રાત્રે એક ડાલામથ્થાએ ઠેકડો મારતાં પછડાટને લીધે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં બીજે દિવસે સાસણનાં ગ્રામજનોએ બંધ પાળી સિંહને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારોભાર રોષ ઠાલવ્યો હતો.

આજથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં તાલાલાનાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ બારડે સિંહનાં પુલ પરથી છલાંગ મારવાનાં કારણો અંગે પ્રશ્ન પૂછયો હતો. જવાબમાં સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની જ ન હોવાનો વનવિભાગે પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

આજરોજ ભગવાનજીભાઈએ ગૃહમાં પડકાર ફેંકયો હતો કે, જો સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની ન હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. તેમણે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સિંહની પાછળ વાહન દોડાવવામાં આવ્યું હતું. અને ફુલ હેડલાઈટો ફેકંવામાં આવી હતી.

દરમ્યાન સિંહ પુલ પર આવી જતાં અને સામેથી પણ વાહનોની ફુલ લાઈટો દેખાતાં તેની પાસે પુલની દિવાલ ઠેકવા સિવાય કોઈ આરો રહ્યો ન હતો. જો કે, એ નિદોઁષ પ્રાણીને દિવાલ સામાન્ય નહી પરંતુ પુલની હોવાનો ખ્યાલ નહોતો.

પરિણામે એ છલાંગ તેના માટે મોતનું કારણ બની ગઈ. તેમણે બનાવ અંગે તપાસ કમિટીની રચના કરી સિંહ પાછળ વાહન દોડાવનારાઓ સામે કડક પગલા ભરવા માંગણી કરી હતી.

તેમણે ઉમેયું હતું કે, સિંહનાં દાંત છેક ઉપર ચઢી જવા સાથે પાંસળીઓ તૂટી જતાં પીડાદાયક મોતને ભેટયો હતો.ચર્ચા ઉગ્ર બનતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરમિયાન ગીરી કરી સભ્યની સિંહ પ્રત્યેની લાગણી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219001535_107004.html

No comments: