Friday, July 12, 2013

સૂત્રાપાડાના પ્રાંચીમાં દીપડાએ ગાયનું મારણ કર્યું.

Bhaskar News, Sutrapada | Jul 04, 2013, 01:38AM IST
સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંચી ગામે શીતળા માતાજીનાં મંદિરની બાજુમાં બાંધેલી પૂજારીની ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ, સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંચી ગામે શીતળા માતાજી મંદિરનાં પુજારી અશોકભાઇ મંદિરની પાસે જ રહે છે.

તેમની ગાય ગતરાત્રે મંદિરની બાજુમાં બાંધી હતી. ત્યારે ગતરાત્રે ૨:૩૦ વાગ્યે એક દીપડો આવી ચઢ્યો હતો. અને ગાયનું મારણ કર્યું હતું. બનાવ અંગે અશોકભાઇએ સૂત્રાપાડાનાં ઇન્ચાર્જ ફોરેસ્ટર ઇકબાલભાઇ, એ. ડી. પરમાર અને વિરાભાઇને કરી હતી. આથી તેઓએ સ્થળ પર આવી પંચનામું કર્યું હતું. દીપડાએ જે ગાયનું મારણ કર્યું એ પ્રસૂતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સક્કરબાગ ઝૂમાં બે વર્ષથી માંદી અઢી વર્ષની સિંહણનું મોત થયું.


Bhaskar News, Junagadh | Jul 09, 2013, 00:51AM IST
- જન્મના છ માસથી જ અંગો ધીમે-ધીમે કામ કરતાં બંધ થવા લાગ્યા હતા


જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં ગઇકાલે એક સિંહણનું બે વર્ષ લાંબી બિમારી બાદ મૃત્યુ થયું હતું. આ સિંહણને જન્મનાં છ માસમાંજ શરીરનાં સ્નાયુઓ પર નિયંત્રણ ધરાવતી સીસ્ટમ ફેઇલ થઇ ગઇ હતી. આથી તેનાં તમામ અંગો ધીમે ધીમે કામ કરતા બંધ થવા લાગ્યા હતા. અંતે તેનું મોત નીપજ્યું હતું.

આ અંગેની વીગતો આપતાં સક્કર બાગ ઝૂનાં ડાયરેકટર ડીએફઓ વી. જે. રાણએ જણાવ્યું હતું કે, એક અઢી વર્ષની સિંહણ છેલ્લા બે વર્ષથી ‘નવૉઇન ડીસ્ઓર્ડર’ નામની બિમારીથી પીડાતી હતી. આથી તેની સારવાર પણ ચાલુ જ હતી. ગઇકાલે તેનું ‘મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર’ ને કારણે મૃત્યુ થયું હતું. આ બિમારીમાં તેનાં શરીરનાં અંગો ધીમે ધીમે હલન ચલન કરતા બંધ થઇ ગયા હતા. તેનું ખાવાનું પણ ખુબજ ઓછું થઇ ગયું હતું.

છેલ્લા બે વર્ષથી આ સિંહણની સઘન સારવાર ચાલી રહી હતી. આ સિંહણને સાજી કરવા ઝૂનાં સ્ટાફ અને વેટરનરી તબીબે સઘન દેખરેખ રાખી હતી. પરંતુ તે સાજી થઇ શકી નહોતી. અંતે બે વર્ષ લાંબી બિમારી બાદ તેણે દમ તોડી દીધો હતો. તેનાં ઝૂ ખાતે જ અંતિમ સંસ્કાર કરાયા હતા. અત્રે નોંધનીય છે કે, સક્કર બાગ ઝૂ ખાતે વન્ય પ્રાણીઓની સારવાર માટેની ખાસ હોસ્પિટલ પણ છે. જેમાં વન્યપ્રાણીઓનાં ઓપરેશનો સુદ્ધાં પાર પાડવામાં આવતા હોય છે.

- સક્કરબાગમાંજ જન્મી ‘તી

મૃત સિંહણનો જન્મ સક્કર બાગ ઝૂ ખાતે જ અઢી વર્ષ પહેલાં થયો હતો. એમ પણ ડીએફઓ વી. જે. રાણાએ ઉમેર્યું હતું.

- બિમારીનાં અનેક કારણો હોઇ શકે

ઝૂનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, નવૉઇન ડીસ્ઓર્ડર સ્નાયુઓનાં હલનચલનને અસર પાડે છે. અને તે થવાનાં અનેક કારણો હોઇ શકે.

ધારગણીમાં સિંહ પરિવારે પાંચ પશુઓનું મારણ કર્યું, ગામમાં ફફડાટ.


Bhaskar News, Amreli | Jul 03, 2013, 02:54AM IST
- એક વાછરડીને ઘાયલ કરી દીધી  

ધારી તાબાના ધારગણી ગામે ગતરાત્રીના એક સિંહ પરિવાર છેક ગામ સુધી આવી ચડયો હતો. આ પરિવારે અહી પાંચ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. આ ઉપરાંત બે પશુઓને ઘાયલ કરી દેતા ગામમા ફફડાટ ફેલાયો હતો. બાદમાં આ સિંહ પરિવારે જંગલ તરફ વાટ પકડી હતી.

ગીર પંથકમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ગતરાત્રીના એક સિંહ પરિવાર ધારગણી ગામમાં આવી ચડયો હતો. બે બચ્ચા, સિંહ અને સિંહણ સહિતના આ પરિવારે ગામના પાદરમાં ત્રણ વાછરડી અને બે બકરાનુ મારણ કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત એક વાછરડીને ઘાયલ કરી દીધી હતી.

આખી રાત આ સિંહ પરિવારે ગામમાં આતંક મચાવ્યો હતો. બાદમાં સવારે આ સિંહ પરિવારે જંગલ તરફ વાટ પકડી હતી. સવારે ગ્રામજનોને મારણની જાણ થતા પશુપાલકોએ વનવિભાગને જાણ કરતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અવારનવાર જંગલમાંથી આ વિસ્તારોમાં વન્યપ્રાણીઓ આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. જેના કારણે પશુપાલકોને નુકશાની વેઠવાનો વારો આવે છે. વનવિભાગ દ્વારા વળતર ચુકવવા તાકિદે કાર્યવાહી કરવામાં આવે તેવુ પશુપાલકો ઇચ્છી રહ્યાં છે.

વાડીની ઓરડીમાં પુરાયેલો દીપડો ઝબ્બે.


Bhaskar News, Amreli, Lillya | Jul 05, 2013, 00:24AM IST
વન વિભાગે દીપડાને પાંજરામાં સપડાવી એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો

અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામની સીમમાં એક પટેલ ખેડૂતની વાડીમાં આજે સવારે ઓરડીમાં એક દિપડો ઘુસી જતા ખેડૂતે ઓરડીને બંધ કરી દઇ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના સ્ટાફ અને રેસ્ક્યુ ટીમે આ વાડીમાં દોડી જઇ દિપડાને પાંજરે પુર્યો હતો. બાદમાં આ દિપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

અમરેલી જીલ્લામાં કુદકેને ભુસકે વધી રહેલી દિપડાની સંખ્યાથી હવે આમ આદમીને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારો સહિ‌ત જીલ્લાના મોટાભાગના રેવન્યુ વિસ્તારો પર દિપડાએ અડ્ડો જમાવ્યો છે. અવાર નવાર માણસ પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. જીલ્લામાં સિંહ કરતા દિપડાના હુમલામાં વધુ લોકો ઘાયલ થઇ રહ્યા છે. આજે એક દિપડો છેક અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવી ચડયો હતો.

ગામની સીમમાં બાબુભાઇ વિસાવડીયાની વાડીમાં આજે સવારે એક દિપડો ઓરડીમાં ઘુસી ગયો હતો. ઓરડીમાં દિપડો હોવાની ખેડૂત પરિવારને જાણ થતા તેમણે સમય સુચકતા વાપરી ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને સ્થાનિક બીટગાર્ડ વાઘવીભાઇ ડવને જાણ કરી હતી. તેમના દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાતા ડીએફઓ મકવાણાની સુચનાને પગલે આરએફઓ અગ્રવાલ, સ્ટાફના ભદ્રેશસિંહ પરમાર, ભનુસિંહ તથા ધારીની રેસ્ક્યુ ટીમ અહિં પહોંચી ગઇ હતી.

બપોરે એકાદ વાગ્યે આ દિપડાને પાંજરામાં સપડાવવા કાર્યવાહી શરૂ કરાઇ હતી અને એકાદ કલાકની જહેમત બાદ આ દિપડો સફળતાથી પાંજરે પુરાયો હતો. આરએફઓ અગ્રવાલે જણાવ્યુ હતું કે હાલમાં આ દિપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે.

Thursday, July 11, 2013

ધારી-ખાંભા તાલુકામાં દીપડાએ એક વર્ષમાં પાંચનો લીધો ભોગ.


Bhaskar News, Amreli | Jul 08, 2013, 00:26AM IST
- અમરેલી જિલ્લામાં દીપડાની વધતી જતી સંખ્યા ચિંતાજનક


અમરેલી પંથકના કોઇ ગામમાં સિંહની હાજરી હોય તો ગામલોકો ક્યારેય સિંહને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગણી નથી કરતા પરંતુ જો દીપડાની હાજરી હોય તો તેને તાકિદે પાંજરે પુરવા માંગ ઉઠે છે. કારણ કે પાછળથી વાર કરતુ આ પ્રાણી ભારે લુચ્ચુ છે. અહીના સાવજો ભાગ્યે જ માણસનો ભોગ લે છે. પરંતુ પાછલા એક વર્ષમાં માત્ર ખાંભા અને ધારી તાલુકામાં જ દપિડાએ પાંચ વ્યક્તિનો ભોગ લીધો છે.

પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં દીપડાએ માણસ પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે. તે પૈકી પાંચ વ્યક્તિ તો મોતને ભેટી હતી. ગત તારીખ ૨૦/૪/૧૨ના રોજ ધારીના ખોખરા મહાદેવમાં તથા ૨૧/૪/૧૨ના રોજ ધારીના કરમદડીમાં દપિડાએ બે વ્યક્તિનો ભોગ લઇ હાહાકાર મચાવી દીધો હતો. આવી જ રીતે તા. ૨૪/૬/૧૨ના રોજ જળજીવડી અને તા. ૧૩/૭/૧૨ના રોજ એક એક વ્યક્તિનો ભોગ દીપડાએ લીધો હતો.

ધારી તાલુકામાં ચાર વ્યક્તિના જીવ લેવા ઉપરાંત દીપડાએ તા.૨૮/૫/૧૨ના રોજ ખાંભા તાલુકાના હનુમાનપરામાં પણ એકનો ભોગ લીધો હતો. આ ઉપરાંત દીપડાના હુમલાની ઘટના સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં પણ બની હતી. જો કે અહી માનવ મૃત્યુની ઘટના સદનશીબે બની ન હતી. દપિડાની વસતી વધી રહી છે ત્યારે આ વિસ્તારમાં ખેડુતોએ જાતે જ સાવચેતી રાખવી પડશે.

- એક વર્ષમાં કોનો કોનો ભોગ લેવાયો

ખોખરા મહાદેવ-તેજલબેન ડાયાભાઇ માથાસુળીયા
કરમદડી-સંતોકબેન માધાભાઇ સીરવાડીયા
હનુમાનપરા-રાહુલ બાવભાઇ વાઘેલા
જળજીવડી-હકાભાઇ શામજીભાઇ આંબલિયા
માલસિકા-શૈલેષભાઇ ભીખાભાઇ વાઘેલા

- દીપડા દ્વારા હુમલાની ૨૭ ઘટના

અમરેલી જિલ્લામાં પાછલા એક વર્ષ દરમિયાન દીપડા દ્વારા માણસ પર હુમલાની પાંચ માનવ મૃત્યુ ઉપરાંત ૨૭ ઘટના બની હતી. આ ઘટનાઓ ધારી, ખાંભા, ઉના, સાવરકુંડલા તાલુકામાં બની હતી.

ધારીમાં આકાર પામતા સફારી પાર્કની વનમંત્રીએ મુલાકાત લીધી.


Bhaskar News, Amreli | Jul 06, 2013, 00:11AM IST
- ગીરના જંગલમાં જો કોઇ ઘટના બને તો દેશ અને વિશ્વમાં તેની ચર્ચા થતી હોય તેની ગંભીરતા સમજવા કર્મચારીઓને અનુરોધ કર્યો

ગીર વનવિભાગના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવાએ અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમ નજીક આકાર પામતા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અંદાજે ૪૦૦ હેકટરમાં પથરાયેલ સફારી પાર્કની ચારેબાજુ મંત્રીએ ચાલુ વરસાદે પ્રવાસ ખેડી ૧૦ ફુટ ઉંચી અને આશરે ૮૬૨૫ મીટરની લંબાઇમાં થઇ રહેલ વાયર ફેન્સીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

આ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યુ હતુ કે ધારી ગીર પુર્વના વન વિસ્તારની મારી આ પ્રથમ મુલાકાત દરમિયાન વનકર્મીઓની ગંભીરતાપુર્વકની કામગીરીને કારણે સિંહોની વસતી વધી હોવાનું જાણવા અને જોવા મળેલ છે. વિશ્વમાં એશિયાટિક લાયન માટે ગીર અભ્યારણ્ય સુવિખ્યાત છે. ત્યારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનકર્મીઓની કર્તવ્ય ભાવનાને બીરદાવી હતી.

ગીરના જંગલમાં જો કોઇ ઘટના બને તો દેશ અને વિશ્વમાં તેની ચર્ચા થતી હોય તેની ગંભીરતા સમજવા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. સફારી પાર્ક ખાતે ખુબ જ ટુંકા ગાળામાં કરવામાં આવેલ તાર ફેન્સીંગની કામગીરીની સરાહના કરી કર્મચારીઓની કામગીરીની સરાહના કરી હતી.

જુનાગઢ મુખ્ય વન સંરક્ષક મીનાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર અને વનવિભાગ સિંહોનુ સ્થળાંતર ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. સિંહોની વસતી વધતા સિંહો રેવન્યુ વિસ્તારમાં વહિરતા હોય ત્યારે સિંહોના સંરક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવા વનકર્મીઓને અનુરોધ કર્યો હતો.

આ તકે નાયબ વન સંરક્ષક ડૉ. અંશુમન શર્મા, આરએફઓ સી.પી.રાણપરીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, નાયબ વન સંરક્ષક જે.કે.મકવાણા, કે.રમેશ, ડૉ. સંદપિકુમાર, એમ.એમ.મુની, આર.ધનપાલ, એ.વી.ઠાકર, એન.આર.વેગડા સહિત વનકર્મીઓ અને વન સહાયકો ઉપસ્થિત રહ્યાં હતા. 

Tuesday, July 2, 2013

જોતજોતામાં જંગલ બન્યું ગાઢ: ગીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.

Bhaskar News, Khambha   |  Jul 02, 2013, 01:34AM IST- ઉનાળામાં ખાવા દોડતા ડુંગરાઓ રળિયામણા બન્યા : જોતજોતામાં જંગલ બન્યું ગાઢ

હજુ એક માસ પહેલા જ જે ડુંગરાઓ સુખાભઠ્ઠ હતા અને ઉનાળાના તાપમાં ધખતા હતાં. તે જ ડુંગરાઓ મેહુલીયાના આગમન સાથે જાણે નંદનવન બન્યા છે. લીલીછમ્મ હરીયાળીએ લોકોનું મન મોહી લેવાનું કામ કર્યું છે. ગીરનું જંગલ અને ગીરકાંઠો સોળેકળાએ ખીલ્યો છે. અહિંની લીલોતરી આંખોને ઠંડક આપી રહી છે. કારણ કે વનરાજી ખીલી ઉઠી છે.

ગીરનું જંગલ ચોમાસુ આવતા જ લીલીછમ્મ ચાદર ઓઢી લે છે. ઉનાળામાં આ જંગલ પાંખુ બની જાય છે કારણ કે અહિંના ઝાડ-વેલાઓ સુકા હવામાનમાં મૃત જેવી અવસ્થામાં પહોંચી જાય છે. ઘાસના તણખલાનું તો જાણે નામોનીશાન રહેતુ નથી. ઉનાળાની આગમાં જંગલ ખુબ જ તપે છે. અહિંના ડુંગરઓ પણ જાણે ખાવા દોડે છે. ઝાડના ઠુંઠાઓને સાચવતા આ ડુંગરા સુકાભઠ્ઠ લાગે છે. પરંતુ વરસાદનુ આગમન થતા જ ચિત્ર સમુળગુ બદલાઇ જાય છે.