Wednesday, June 29, 2011

ખાંભા નજીક બે ગાય અને એક વાછરડીને ફાડી ખાતા સાવજો.

  Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:38 AM [IST](27/06/2011
- ગાયોનું ધણ સાજે પરત ફરતુ હતુ ત્યારે સાવજો ત્રાટક્યા
ગીર કાંઠાના ખાંભા તાલુકામાં વસતા સાવજે માલધારીઓને ઉપયોગી પશુને મારી નાંખી કાળો કેર વર્તાવી રહ્યાં છે. ગઈ સાંજે બે સાવજોએ ખાંભાનાં નિંગાળા ગામની સીમમાં ગાયોનું ધણ ગામમાં પરત ફરતું હતું, ત્યારે બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતું.
અમરેલી જિલ્લાના મોટા ભાગનાં તાલુકામાં સાવજો દૂધાળા પશુઓનાં મારણ કરી પોતાની રાજાશાહીની આણ વર્તાવી રહ્યાં છે. ખાસ કરીને ગીર કાંઠાના ખાંભા તાલુકામાં સાવજોની આ રંજાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વધતી જાય છે. પેટની ભૂખ ભાંગવા આ સાવજો ગમે તેવા શિકારને મારી નાંખે છે. ગઈસાંજે ખાંભા તાલુકાના નિંગાળા ગામે બે સાવજોએ ત્રણ પશુનાં મારણ કર્યા હતાં. સાંજે મનુભાઈ નરશીભાઈ વઘાછીયાના માલઢોર સીમમાંથી પરત ગામમાં જતાં હતાં. ત્યારે સાંકડા નેશમાં એક સાવજે હુમલો કરી એક ગાય અને એક વાછરડીને ફાડી ખાદ્યી હતી. જ્યારે નિંગાળાની સીમમાં જ આજ સમયે સોંડાવાળી ધાર પર ગોબરભાઈ મેયાભાઈ ભરવાડનું ગાયોનું ધણ પરત આવતું હતું. ત્યારે એક સાવજે એક ગાયને ફાડી ખાદ્યી હતી. નિંગાળામાં થોડા સમય અગાઉ પણ સાવજોએ ગામમાં ઘુસી ચાર ગાયનું મારણ કર્યું હતું. સાવજોના આ આંતક સામે માલધારીઓમાં કચવાટ છે.

રાજુલા: બકરાં ચરાવતા ભરવાડ યુવાન પર દીપડાનો હુમલો.

  Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:29 AM [IST](26/06/2011)
સાવરકુંડલાની સીમમાં દીપડાએ ૧૦ વર્ષના આદીવાસી બાળકને ફાડી ખાધાની ઘટના તાજી છે ત્યાં આજે સાવરકુંડલાના થોરડી ગામની સીમમાં બકરા ચરાવી રહેલા ભરવાડ યુવાન પર દીપડાએ હુમલો કરી લોહી લુહાણ કરી દેતા તેને સારવાર માટે રાજુલા દવાખાને ખસેડાયો છે. યુવકને માથામાં તથા હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં બની હતી. અહિંનો વિનુ નાજભાઇ મુંધવા (ઉ.વ. ૨૫) નામનો ભરવાડ યુવાન આજે પોતાના ૨૫ જેટલા ઘેટા-બકરા લઇ સીમમાં ચરાવવા માટે ગયો હતો. સવારના નવેક વાગ્યાના સુમારે દીપડાએ એક બકરી પર છલાંગ મારી હતી. જેને પગલે વિનુ મુંધવાએ દીપડાને ભગાડવા પ્રયાસ કરતા તેણે છલાંગ મારી સીધો જ આ યુવક પર હુમલો કરી દીધો હતો. દીપડાએ વિનુને માથામાં તથા હાથ પર ગંભીર ઇજા પહોંચાડતા તે લોહી લુહાણ બની ગયો હતો.
આ યુવકને સારવાર માટે રાજુલાના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. સાવરકુંડલાના યુવા ભાજપના મહામંત્રી દીનેશ લાડુમોર, રાજુલાના યુવા ભાજપ કાર્યકર હરેશ કાતરીયા વગેરે દવાખાને દોડી ગયા હતા. સાવરકુંડલા તાલુકામાં દીપડા દ્વારા હુમલાની ઘટનાઓ વધતી જતી હોય ખેડૂત સમાજમાં ફફડાટ છે.
અન્ય માલધારીઓએ યુવકને બચાવ્યો -
દીપડાએ જ્યારે ભરવાડ યુવાન પર હુમલો કર્યો ત્યારે તેના મિત્રો ઘોહાભાઇ ભરવાડ વગેરે બાજુમાં જ માલઢોર ચરાવી રહ્યા હતા. તેઓ લાકડીઓ લઇ ઘટનાસ્થળે દોડયા હતા. જેને પગલે દીપડો ભાગી જતા ભરવાડ યુવાન વધુ ઇજામાંથી બચી ગયો હતો.  
દીપડાને પકડવા પાંજરાં મુકાયાં -
ઘટનાની જાણ થતા સાવરકુંડલાના આરએફઓ સી.બી. ધાંધીયા, રાજુલાના આરએફઓ મોર વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ભરવાડ યુવાન પર હુમલો કરનાર દીપડાને પકડવા સીમમાં પાંજરૂ ગોઠવી દીધુ હતુ.

‘કામાતુર’ સિંહણને પામવા સાવજો વચ્ચે ‘મહાસંગ્રામ’

 Source: Bhaskar News, Amreli   |   Last Updated 3:49 PM [IST](27/06/2011)
 - પ્રાણીઓમાં પણ ‘જોરું’ કજિયાનું છોરું!
- પરાજીત સાવજને દર્દમાં કણસતો છોડી સિંહ-સિંહણ સંવનન માટે ચાલી નીકળ્યા
કામાતુર સિંહણને પામવા જ્યારે બે ડાલામથ્થા સાવજો વચ્ચે ખૂંખાર જંગ ખેલાય ત્યારે ગીર પણ ધ્રુજી ઉઠે છે. જીવસટોસટનો આવો એક જંગ ગીર પૂર્વમાં હડાળા નેસ નજીક બે સાવજો વચ્ચે ખેલાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક સાવજે તરફડીને જીવ છોડી દીધો હતો. જ્યારે વિજેતા સિંહ સિંહણને લઈ સંવનન માટે ચાલી નિકળ્યો હતો.
જંગલનાં કાયદાઓ ક્રુર અને અનોખા હોય છે. અહિં માદાને પામવા માટે શકિતશાળી અને સર્વશ્રેષ્ઠ હોવું જરૂરી છે. પોતાની આ શ્રેષ્ઠતા માદાની સામે જ સાબિત કરવી પડે છે. તેમાં પણ માદાને પામવા જ્યારે બે સબળ દાવેદારો સામે આવે છે ત્યારે લડાઈ અચુક થવાની. આવી લડાઈ જ્યારે સાવજો વચ્ચે થાય ત્યારે બંનેમાંથી એકે પાછા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. ગંભીર ઈજા કે એકનું મોત જ બીજાને વિજેતા બનાવી શકે છે.
ગીર પૂર્વની હડાળા રેન્જમાં શુક્રવારની સાંજે બે ડાલામથ્થા સાવજ વચ્ચે એક સિંહણને પામવા માટે ખૂંખાર લડાઈ થઈ હતી. હડાળા નેસ નજીક જામવાળી વિસ્તારમાં કામાતુર સિંહણને મેળવવા બંને સાવજો જીવ સટોસટની બાજી પર આવી ગયા હતાં. જ્યાં એક કદાવર સાવજે આશરે પાંચ વર્ષની ઉમરના યુવાસિંહને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. દાંત અને ન્હોર વડે તેણે યુવા સિંહના શરીરને લોહી લુહાણ કરી દીધું હતું.
પરાજીત ઘાયલ સિંહને પડતો મૂકી સિંહ-સિંહણ સંવનન માટે ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતાં. જ્યારે પીડાથી કણસતો સાવજ ધૂળમાં તરફડીયા મારતો રહ્યો હતો. અને આખરે દમ તોડી દીધો હતો. પેટ્રોલીંગ દરમ્યાન જંગલખાતાનાં સ્ટાફને અહીંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃત સિંહનો કબજો લઇ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિંહના બધા નખ યથાવત હતા.

નવીન જાતિનો સાપ જોવો છે? તો અહીં ક્લિક કરો.

 Source: Bhaskar News, Rajula   |   Last Updated 11:21 AM [IST](28/06/2011)
 - ગુજરાતમાં ૨૫૧ જાતિના સાપો છે પણ આ જાતિ અલગ
રાજુલામાં ભેરાઈ રોડ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં નવતર પ્રકારનો સાપ નિકળતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આ અંગે મકાન માલિકે સર્પ સંરક્ષણ મંડળને જાણ કરતા તેઓ દોડી આવી આ સાપને પકડી લીધો હતો.
ભેરાઈ રોડ નજીક આવેલ ભૂપતભાઈના રહેણાંક મકાનમાં એક નવતર સાપ નિકળતા થોડીવાર માટે ફફડાટ ફેલાયો હતો અને આ સાપને નિહાળવા આજુબાજુમાં રહેતા રહીશો દોડી આવ્યાં હતાં. આ ઘટના અંગે ભૂપતભાઈએ સર્પ સંરક્ષણ મંડળને જાણ કરતા મંડળના પ્રમુખ અશોકભાઈ સાંખડ સહિત સભ્યો આવી પહોંચ્યા હતાં. અને આ સાપને પકડી લીધો હતો.
આ સાપ વિશે અશોકભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૫૧ જાતિના સાપો કરતા આ જાતિ અલગ છે. આ સાપ કોબ્યુબ્રીટી કુળનો તેમજ રૂપસુંદરી ટીન્કેટ તેમજ બિલ્લી નામના સાપને મળતો આવે છે. આ જાતિનો સાપ આ વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. નવીન જાતિનો સાપ જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. આ વિસ્તારમાંથી અવારનવાર અનેક સરિસ્રૂપો મળી આવે છે. આ સાપને પકડી લેવામાં લોકોએ રાહતના શ્વાસ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, મેઘરાજાએ આગમન કર્યા બાદ છેલ્લા પખવાડીયાથી વરસાદ ન પડતા ભારે ઉકળાટને બફારાનું વાતાવરણ થતા ઝેરી જીવજનતુઓ બહાર નિકળતા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે રાજુલામાં પણ નવીન જાતનો સાપ જોવા મળ્યો છે જેને જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

ધારી નજીક દિપડાએ સુતેલા પ્રૌઢા કર્યો હુમલો.

  Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:24 AM [IST](29/06/2011)
 - કરમદડીની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર દિપડા હૂમલો
- ગાલ પર દાંત બેસાડી દેતા દવાખાને ખસેડાયા
ધારી તાલુકાનાં કરમદડી ગામની સીમમાં વાડીએ સુતેલા પ્રૌઢા પર ગઇ રાત્રે એક દિપડાએ હૂમલો કરતા તેને સારવારમાટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.અમરેલી જિલ્લામાં દિપડા દ્વારા માણસ પર હૂમલાની ઘટના સતત વધી રહી છે. સાવરકુંડલા તાલુકામાં દિપડાએ એક આદિવાસી બાળકને ફાડી ખાધાની અને એક યુવાન પરહુલો કર્યાની ઘટના તાજી છે. ત્યાં હવે ધારી તાલુકાનાં કરમદડી ગામે આવી ઘટના બની છે.લખાણીયા રેન્જમાં આવેલા કરમદડીની સીમમાં વજી બેન જીકાભાઇ કોળી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢા ગત રાત્રે વાડીએ ખૂલ્લામાં સુતા હતા ત્યારે ત્યાં ચડી આવેલા એક દિપડાએ તેમના પર હૂમલો કરી દીધો હતો. દિપડાએ તેમના ગાલ પર દાંત બેસાડી દીધા હતા રાડારાડ થતાં દિપડો નાસી છુટયો હતો ઘવાયેલ વજીબેનને સારવાર માટે ધારીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે જંગલખાતાનો સ્ટાફ રાત્રે જ ધારીના સરકારી દવાખાતે દોડી ગયો હતો. ગામ લોકોએ દિપડાને પાંજરે પુરવા માંગ ઉઠાવી છે.

ઉના નજીક સીમમાં સિંહ પરિવારે બે ઘેંટાનું મારણ કર્યું.

  Source: Bhaskar News, Una   |   Last Updated 12:16 AM [IST](28/06/2011)
- સમગ્ર પંથકમાં સિંહદર્શનની રોજીંદી બનતી ઘટના
ઉનાથી માત્ર ૯ કિ.મી.નાં અંતરે આવેલા ઝુડવડલી ગામમાં બે માસ પહેલાં એક સિંહણ જાણે વસવાટ કરવાના ઇરાદે આવી પહોંચી હોય તેમ ગામનાં સરપંચની વાડીમાં દિવસો સુધી ધામા નાંખ્યા બાદ વનવિભાગે તેને પાંજરામાં પુરી જંગલમાં મુક્ત કરી દીધી હતી. ત્યાં ફરી સિંહ પરિવારે ગામની સીમમાં ધામા નાંખતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

ગામની સીમમાં નનુભાઇ રબારી નિવાસ કરે છે. અને ઘેંટા પાળી જીવન નિવૉહ ચલાવે છે. આજે વહેલી સવારના એક િસંહણ તેના ચાર બચ્ચાં સાથે શિકારની શોધમાં આવી ચઢી વાડામાં બાંધેલા ઘેંટા પર હુમલો કરી બે ઘેંટાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મજિબાની માણી હતી. વહેલી સવારે સિંહ પરિવાર આવી ચઢયો ત્યારે નાનુભાઇની અચાનક આંખ ઉઘડી જતાં સિંહણ એક ઘંેટાને પોતાના જડબામાં પકડી સરપંચની વાડીમાં ઢસડી જતી જોવા મળતાં ગભરાઇ ગયા હતાં. આ બનાવ અંગે સરપંચ કાંતીભાઇ ઉકાણીએ વન વિભાગને જાણ કરતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી સિંહણનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ઊના પંથકમાં સિંહ દર્શન રોજીંદા જોવા મળી રહ્યા છે.
દીપડાએ વાછરડીનો શિકાર કર્યો –
તાલાલા : તાલાલાનાં આંકોલવાડીમાં વંડી ટપી દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. ડાંગાવાડી વિસ્તારમાં રહેતા પટેલ ફુલાભાઇ ઉકાભાઇ મકાણીનાં મકાનની આઠ ફુટ ઉંચી કાંટાળી વંડી ટપી ફિળયામાં બાંધેલી વાછરડીનું દીપડો મારણ કરી જતાં લોકોમાં ફફડાટ છવાયો છે. આ વિસ્તાર ગામનાં છેવાડાનાં ભાગે આવેલો હોવાથી વનવિભાગ દ્વારા રાત્રી પેટ્રોલીંગ ગોઠવવાની ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.

વિસાવદર પાસે બાઈક અડફેટે માદા ઝરખનું મોત.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:55 AM [IST](28/06/2011)
 વિસાવદરથી ચાર કિ.મી.નાં અંતરે પ્રેમપરાના માર્ગ પર રવિવારનાં રાત્રીનાં સમયે બાઈક અડફેટે માદા ઝરખનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ચાલકને પણ પગના ભાગે ઇજા પહોંચી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં પ્રેમપરાનાં રહીશ અને નિવૃત્ત આચાર્ય પ્રવિણભાઈ ભટ્ટ રવિવારનાં રાત્રીનાં ૯:૩૦ વાગ્યાની આસપાસ પોતાની બાઈક પર વિસાવદરથી પ્રેમપરા જઈ રહ્યા હતાં ત્યારે રોડ પર અચાનક એક માદા ઝરખ દોડી આવતા અને બાઈક સાથે અથડાય જતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ માદા ઝરખની ઉંમર આશરે પાંચ વર્ષની હતી.
પ્રવિણભાઈ પણ બાઈક પરથી ફેંકાય જતાં તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતાં. આ બનાવ અંગે આરએફઓ એન.એમ.જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઝરખ એ અનુસુચિ-૩નું વન્યપ્રાણી છે. અને મૃત ઝરખના પીએમ રીપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરાશે.