Friday, September 30, 2011

વનરાજના ‘વેકેશન’માં વનવિભાગ લાગ્યું ‘કામે’

 Source: Jitendra Madaviya, Talala   |   Last Updated 4:18 AM [IST](29/09/2011)
 - સાવજોના વિચરણમાં અડચણરૂપ-તૃણભક્ષીના ખોરાક ઘાસને રોકતા ઝાડી-ઝાખરા દૂર કરવાની કામગીરી
ગીરના જંગલમાં ચાર મહિનાનું વેકેશન વનરાજ ભોગવી રહ્યા છે ત્યારે આ સમયગાળા દરમિયાન વનવિભાગે પણ જંગલમાંથી વન્યપ્રાણીઓનાં વિહારમાં અડચણરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
ગીરના જંગલમાં ચોમાસાની ઋતુ દરમિયાન સાવજો સહિત અન્ય વન્ય પ્રાણીઓનો સંવનનકાળ ચાલતો હોય આ ચાર માસ દરમિયાન ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વેકેશનનો લાભ વનરાજાઓ ભરપૂર માણતા હોય છે. ત્યારે વનવિભાગે પણ જંગલને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
જેમાં લેન્ટનાં અને કુવાડીયાના ઝાડ કે જે ઘાસને ઉગવામાં અવરોધરૂપ હોય છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. વનવિભાગનાં સી.સી.એફ. આર.એલ.મીનાએ ગીર પૂર્વ અને પશ્ચિમનાં અભ્યારણ્ય વિસ્તારની કુલ જમીનના ૨૫ ટકા જેટલી જમીનમાં બિનજરૂરી અને ઉપદ્વવી વનસ્પતિ જેવી કે લેન્ટના અને કુવાડીયો ઉગી નીકળ્યો હોવાનું જણાવ્યું છે. આ વનસ્પતિ વન્યપ્રાણીઓનાં વિચરણમાં અવરોધરૂપ બનવાની સાથે તૃણભક્ષી પ્રાણીઓનાં ખોરાક (ઘાસ)ને ઉગવા ન દેતા હોવાનું તેમના ધ્યાન પર આવતા આ ઝાડી-ઝાંખરા દૂર કરવા જુલાઈ માસથી કામગીરી શરૂ કરી છે.
ગીર અને બૃહદગીરમાં મળી અંદાજે ૫૦૦ ચો.કી.મી.માં પથરાઈ ગયેલા આ વનસ્પતિ ઘાસને ઉગવા દેતુ ન હોય તેમજ વનકર્મીઓને ફેરણી દરમિયાન વન્યપ્રાણીઓનું આસાનીથી અવલોકન કરી શકાય તે બાબતોને ધ્યાને લઈ સી.સી.એફ.મીનાનાં માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે.
માલધારીઓ પણ મદદમાં આવ્યા -
જંગલમાંથી બિનજરૂરી વનસ્પતિ કાઢવાની કામગીરી વનવિભાગે હાથ ધરી છે. આ કામગીરીમાં જંગલમાં વસતા માલધારીઓ પણ જોડાયા છે. નકામા ઝાડી-ઝાંખરા કાઢવાથી એકઠા થતાં લાકડા માલધારીઓને જરૂરિયાત મુજબ બળતણમાં વાપરવા અપાય છે.
જંગલના તળાવોને રિચાર્જ કરવાની કામગીરી થશે -
ગીર જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓને પીવાના પાણીનાં વધુ સ્ત્રોત ઊભા કરવા પુરાણા નાના-મોટા તળાવોમાંથી પણ ઝાંડી-ઝાંખરા અને માટી દૂર કરાવી આ તળાવોમાં વર્ષ ભરનું પાણી સંગ્રહ થાય તે માટે રિચાર્જની કામગીરી પણ થશે. તેમ સી.સી.એફ. મીનાએ જણાવ્યું છે.

No comments: