Saturday, February 29, 2020

ગાય પર હુમલો થતા કિશોરે લાકડીનો ઘા કર્યો, ગાયને બચાવવા 5 ભેંસ પણ મેદાને પડી ને સાવજ ભાગ્યો!

તસવીરમાં બંને પિતરાઇ ભાઇ-બહેન કે જેની બહાદુરીથી વનના રાજાને ભાગવું પડ્યું હતું
તસવીરમાં બંને પિતરાઇ ભાઇ-બહેન કે જેની બહાદુરીથી વનના રાજાને ભાગવું પડ્યું હતું

  • સાવરકુંડલાના શેલણા ગામના પિતરાઇ ભાઇ-બહેન પોતાના પશુ ચરાવવા સીમમાં ગયા હતા
  • ભાઇ-બહેનની બહાદુરીને જોઇ અબોલ ભેંસો પણ સમજી ગઇ અને ગાયને બચાવી લીધી હતી 

Divyabhaskar.Com

Feb 18, 2020, 07:19 PM IST
સાવરકુંડલા: સાવરકુંડલાના શેલણા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજે જંગલના રાજા સિંહને શિકાર કરતો અટકાવી સીમમાં ભાગવા મજબૂર થવું પડ્યું હતું. શેલણાના માલધારી પરિવારના પિતરાઇ ભાઇ-બહેન કૈલાસબેન મંગાભાઇ બોળીયા અને 14 વર્ષીય શિવા બચુભાઇ બોળીયા શેલણાની પાટીની સીમમાં પોતાની 20 ગાયો અને 5 ભેંસોને ચરીયાણ માટે લઈ ગયા હતા. સાંજે 6 વાગ્યાની આસપાસ સીમમાં ચરી રહેલી ગાયો ઉપર અચાનક જ એક સિંહે આવીને મારણ કરવાના ઈરાદા સાથે હુમલો કર્યો હતો. સિંહ દ્વારા ગાય ઉપર થયેલો હુમલો જોઈ જતા જ શિવાએ પોતાના હાથમાં રહેલી લાકડીનો સિંહ ઉપર છૂટો ઘા કર્યો હતો. બાળકના આ પ્રતિકારને બાજુમાં જ ચરી રહેલી ભેંસોએ નીહાળતા તે પણ ગાયને બચાવવા મેદાને પડી અને પાંચેય ભેંસોએ સિંહ ઉપર દોટ મુકી અને એકાએક શરૂ થયેલા આક્રમક પ્રતિકારથી સિંહ પોતાનો શિકાર કરવાનો ઈરાદો પડતો મુકી સીમમાં નાસી છૂટયો હતો.
ઝપાઝપીમાં સિંહે ગાયને એક પંજો મારતા પીઠના ભાગે ઇજા પહોંચી હતી
માલધારી સમાજના બાળકની હિંમતથી અને મુંગી પણ સમજણ ધરાવતી ભેંસોના પ્રતિકારથી ગાયનો આબાદ બચાવ થયો હતો. જો કે ઝપાઝપીમાં સિંહે એક પંજો ગાયને મારી દેતા ગાયને પીઠના ભાગે ઇજા પહોંચી હતી.. સીમમાં જંગલના રાજા સાથે થયેલી આ ઘટનાના સમાચાર શેલણા ગામમા પ્રસરતા શેલણાના સરપંચ કાળુભાઇ લુણસરા રાત્રીના જ પશુ ડોક્ટરને બોલાવી ગાયની સારવાર કરાવી હતી અને જંગલખાતાના અધિકારીઓને બનાવની જાણ કરી માલધારી પરિવારના હિતમાં ઘટતું કરવા માંગ કરી છે. શેલણા ગામના કૈલાસબેન મંગાભાઇ બોળીયા અને શિવાભાઇ બચુભાઇ બોળીયાની બહાદુરી પૂર્વકની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-cow-so-14-year-old-boy-through-of-stick-on-lion-near-savarkundala-126783689.html

No comments: