Saturday, February 29, 2020

પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરા, જોખમી કન્ટેનરોથી સાવજો પર તોળાતુ સંકટ

  • કન્ટેનરો આસપાસ સિંહોના આંટાફેરાની ઘટનાને વન વિભાગે સામાન્ય દર્શાવી 
  • વાઈલ્ડ લાઈફના અનુભવી RFO, અધિકારી મુકવા પણ લોકોની માંગ 

Divyabhaskar.Com

Feb 11, 2020, 03:21 PM IST
અમરેલી: ગુજરાતની આન બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા. ત્યારે હવે રાજુલા પંથકમાં આવેલું પીપાવાવ પોર્ટ નિવાસ સ્થાન બનાવ્યું છે. આથી તેની સુરક્ષા કરવી તે વનવિભાગની જવાબદારી છે. કેમ કે જોખમી કન્ટેનરો અને ઉદ્યોગોમાં ધમધમતા વાહનો વચ્ચે સિંહોએ નિવાસસ્થાન બનાવ્યું છે. ત્યારે સુરક્ષાને લઇને ગંભીર ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના અંગે રાજુલા વનવિભાગના અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઇ શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. સિંહોના હુમલાને લઇને પોર્ટ પર કામ કરી રહેલા મજૂરોના જીવન પર સંકટ તોળાઇ રહ્યું છે.
આજે સવારે રેલવે યાર્ડ પર સિંહ પરિવાર પહોંચ્યો હતો
જો કે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી સિંહોની સુરક્ષામાં કોઈ પગલા નહીં ભરાય તો પીપાવાવ પોર્ટ પર મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. જે ગ્રુપ સિંહણ, સિંહબાળ સાથે પોર્ટની જેટી પરપહોંચ્યું હતું એ જ ગ્રુપ આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટના રેલવે યાર્ડ જ્યાં કન્ટેનરોના ખડકલા પડ્યા છે અને સતત કન્ટેનરો લોડ થતા હોય છે ત્યાં પહોંચ્યું છે. મહાકાય વાહનો ધસમસતા હોય છે તેવા સમયે સિંહબાળ અને સિંહણ ઘૂસી જતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. જો કે અહીંના પરપ્રાંતીય લોકો તાકીદે ઓફિસોમા ઘૂસી ગયા હતા. પરંતુ આવી ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. રાજુલા રેન્જમા વાઈલ્ડ લાઈફના અનુભવી RFO અધિકારી મુકવા પણ લોકોની માંગ છે. સિંહો અને વન્યપ્રાણીઓની મુવમેન્ટથી જાણકાર રેવન્યુ વિસ્તાર અને ગીરમાં કામ કરી ચૂકેલા RFOની નિમણૂક કરવા માંગ ઉઠી છે.

પોર્ટ ઉદ્યોગમાં ચારે તરફ સિંહોના આંટાફેરા
પીપાવાવ પોર્ટ સહિત આસપાસની નાની મોટી કંપનીઓમા કાયમી સિંહોનો વસવાટ વધ્યો છે ત્યારે અહીં કામ કરતા લોકોની ચિંતા પણ એટલી જ વધી ગઇ છે. મુખ્ય પીપાવાવ સિંહોનું નવું નિવાસસ્થાન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પોર્ટ વિસ્તારમાં ડેઇલી અવર જવર છે: RFO વાઘેલા
રાજુલા રેન્જના RFO હિતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિવલા રેવન્યુ વિસ્તાર કોવાયા વીડી વિસ્તાર અને ભેરાઈ વીડી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. આ વિસ્તાર વચ્ચે પીપાવાવ પોર્ટ આવેલું છે. સિંહ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રેગ્યુલર ફરવાનો જ છે. પોર્ટ વિસ્તારમાં ડેઇલી અવર જવર જોવા મળે છે.
રેવન્યુ ગીરના અનુભવી RFO મુકવા માંગ
રાજુલા રેન્જમાં ડાંગ આહવાથી આવેલા RFOને વાઈલ્ડ લાઈફમાં નિમણૂક કરાઇ ત્યારે આ RFOને સામાજીક વનીકરણ રેન્જમાં મુકવાની જરૂર છે અને વાઈલ્ડ લાઈફ રેન્જમાં અનુભવી અને રેવન્યુ ગીર વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો સિંહોની સુરક્ષા અને ઉદ્યોગ પંથકમાં સિંહોની મુવમેન્ટ સમજી શકાય અને સુરક્ષા વધારી શકાય તેમ છે.
(અહેવાલ-તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lione-family-came-in-pipavav-port-so-weight-crisis-on-lions-126727101.html

No comments: