Thursday, March 22, 2012

ગિરનાર રોપ-વે અંગે હવે રિપોર્ટ પર સૌની મીટ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:09 PM [IST](20/03/2012)
રીપોર્ટની નકલ એક બે દિવસમાં ગુજરાત વનવિભાગને મળે તેવી શક્યતા
ગિરનાર રોપ-વે સાઇટની સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ મુલાકાત લીધી હતી. આ કમિટીએ રોપ-વે માટેની જુદી જુદી સાઇટોની શક્યતાઓ ચકાસી હતી. બાદમાં તેનો એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ રીપોર્ટ હવે સુપ્રીમની બેન્ચ સમક્ષ રજૂ કરાયો છે. જેના પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. રીપોર્ટની નકલ હજુ સુધી ગુજરાત વનવિભાગને મળી નથી. આવતીકાલે મંગળવારે રિપોર્ટ જાહેર થાય તેવી સંભાવના છે.
આ અંગેની પ્રાપ્તવીગતો મુજબ, ગિરનાર જંગલને અભયારણ્ય જાહેર કરાતાં ગિરનાર રોપ-વેનાં નિર્ણયનો સંપૂર્ણ દારોમદાર કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ અને બાદમાં સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી ઉપર હતો. આ માટે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ થોડા માસ પહેલાં જૂનાગઢ આવી રોપ-વે સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે વિવિધ લોકો, સંસ્થાઓ, સર્વપક્ષીય આગેવાનોની રજૂઆતો સ્વીકારાઇ હતી.
બાદમાં કમિટીએ તેનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. તાજેતરમાંજ એ રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ મુકવામાં આવ્યો છે. તેની નકલ કેન્દ્રિય વનમંત્રાલયને અપાશે. સાથોસાથ તે ગુજરાતનાં વનવિભાગને પણ અપાશે. આ રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટની બેન્ચ રોપ-વેને લીલીઝંડી આપવી કે નહીં તેનો નિર્ણય લેશે.
આથી આ મામલે ભારે કૂતુહલ ફેલાયું છે. ગુજરાત વનવિભાગને રીપોર્ટની નકલ મળ્યા બાદ તે ઉષા બ્રેકો કંપનીને અપાશે. આગામી એકાદ સપ્તાહમાં આ નકલ અમને મળી જશે એમ ઉષા બ્રેકો કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું. રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટ શો નિર્ણય લે છે તેના પર હવે સહુની મીટ મંડાઇ છે. અત્રે નોંધનીય છે કે, રોપ-વે માટે ભવનાથની સાઇટ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું ગુજરાતનાં વનવિભાગે કમિટી સમક્ષ જણાવ્યું હતું.

No comments: