Sunday, May 31, 2015

સાસણ ફેસ્ટિવલનું નવું ગતકડું, મેંગો ફેસ્ટિવલ બંધ.

સાસણ ફેસ્ટિવલનું નવું ગતકડું, મેંગો ફેસ્ટિવલ બંધ
  • Bhaskar News, Junagadh
  • May 22, 2015, 00:02 AM IST
- સરકારનાં પૈસે તાયફા કરવાનો નવો નુસ્ખો : મેંગો ફેસ્ટિવલ બંધ
- મેંગો ફેસ્ટીવલનાં નામ પર ખેડૂતો ન આવતા હોવાથી નામ બદલાવ્યું

તાલાલા: સાસણ ગીરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ ફેસ્ટીવલમાં ખેડૂતો ભાગ લેતા ન હોય તે કારણે આ વખતે નામ ફેરવી સાસણ ફેસ્ટીવલ નામ અપાયું છે. જોકે, ફેસ્ટીવલનાં નામે સરકારી નાણાનો વ્યય જ થાય છે.

ગીર પંથકની કેસર કેરી અને કેસરી સિંહો વિશ્વ પ્રસિધ્ધ છે. સિંહોની ઓળખ સાથે કેસર કેરી ઉપરાંત કેરીની અન્ય જાતોને પ્રસિધ્ધી અપાવવા અને ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવા સાથે ગીરનાં આંગણે સાસણ આવતા પ્રવાસીઓને ભારતમાં થતી કેરીની વિવિધ જાતોથી પરિચીત કરાવવા ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે ત્રણ વર્ષ પહેલા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરેલ. મેંગો ફેસ્ટિવલનું લાખો રૂપિયાનું બજેટ નક્કી કરી સરકારનાં નજીકનાં ખાનગી કોન્ટ્રાકટરને ફેસ્ટિવલનો કોન્ટ્રાકટ અપાયો - કોન્ટ્રાકટરે મેંગો ફેસ્ટિવલ ખેડુતલક્ષી ઉપયોગી બનાવવાનાં બદલે પોતાનાં પરિચીતો અને વીઆઇપીઓને ફેસ્ટિવલમાં હાજરી આપવાનાં નામે બોલાવી સાસણમાં સરકારનાં પૈસે તાગડધીન્ના કરાવ્યા જેથી મેંગો ફેસ્ટિવલ ત્રણ વર્ષથી સુપર ફલોપ બનવા લાગ્યો.

મેંગો ફેસ્ટિવલનાં નામે તુત ચલાવ્યા બાદ નવુ તુત ઉભુ કર્યુ. સાસણ ફેસ્ટિવલ આગામી 25, 26, 27 મે ત્રણ દિવસ સાસણ ફેસ્ટિવલનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જેનું ઉદઘાટન કરવા રાજયનાં કેબીનટ કક્ષાનાં પ્રવાસન મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજય કક્ષાનાં પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા તા.25 મે નાં સાસણ આવશે. ગીર પંથકમાંથી દર વર્ષે પાંચ લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડુતો માટે મેંગો ફેસ્ટિવલ ઉપયોગી અને માહિતીસભર બનાવવાનાં બદલે પોતાનાં તાયફા ચાલુ રાખવા મેંગો ફેસ્ટિવલનું નામ બદલાવી સાસણ ફેસ્ટિવલનું નવું તુત ઉભુ કરતા ગીરપંથક સહિત સૌરાષ્ટ્રનાં કેરી ઉત્પાદક ખેડુતો આઘાત પામ્યા છે.

ભાલછેલની જગ્યાએ સિંહ સદનમાં યોજાશે

પ્રવાસન વિભાગ દ્વારા ભાલછેલ હેલીપેડ નજીક મેંગો ફેસ્ટિવલ યોજાતો હતો.  આ વર્ષે મેંગો ફેસ્ટિવલનું નામ તો બદલાવ્યુ સાથે સ્થળ પણ ફેરવવામાં આવ્યું જિલ્લા કલેકટર દ્વારા હેલીપેડ નજીક ફેસ્ટિવલ યોજવાની મંજુરી અપાયેલ પરંતુ આયોજકોએ ફેસ્ટિવલનું સ્થળ અને નામ બંને બદલાવી નાંખ્યા છે.

No comments: