Tuesday, October 5, 2010

ગૌશાળાની ૧ર ગાયો ચાર દિવસથી ભેદી રીતે લાપતા.

Oct 04,2010
જૂનાગઢ, તા.૪: રૃદ્રેશ્વર જાગીર-ઘાંટવડની સાસણ પાસે આવેલી એક ગૌશાળાની ૧ર જેટલી ગાયો છેલ્લા ચારેક દિવસથી ભેદી સંજોગોમાં લાપતા બની ગઈ છે. તેમજ આ ગાયો કલતખાને ધકેલી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘાંટવડ પાસે આવેલ રૃદ્રેશ્વર જાગીર આશ્રમની સાસણ નજીક આવેલી શાખા આશ્રમની ગૌશાળાની ગાયો ચારેક દિવસ પૂર્વે ચરવા માટે ગયા બાદ આ ગાયો જંગલ તરફ જતી રહી હતી. દરમિયાનમાં આ વિશે તાલાળા અને મેંદરડા બન્ને પોલીસને જાણ કરાયા બાદ આજ સુધી આ ગાયોનો પત્તો લાગ્યો નથી. આશ્રમના સેવકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી ભીતિ અનુસાર આ ગાયો કતલખાને ધકેલી દેવામાં આવી હશે. ૧ર માંથી ચાર ગાયો દૂઝણી હતી. તથા આ ગાયોના નાના વાછરડા હાલમાં માતા વગર ભાંભરડા નાખી રહ્યા છે. ગાયો નહી મળે તો આ ચાર વાછરડા પણ ટળવળીને મરે જશે. ત્યારે આ દિશામાં તંત્ર દ્વારા સત્વરે પગલા લેવાય તેવી ઉગ્ર માગણી ઉઠી છે.
દરમ્યાન, તાલાલાથી અમારા પ્રતિનિધિનાં હેવાલ મૂજબ આશ્રમના મહંત ઈશ્વરભારતી બાપુએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશ્રમની ગૌમાતા શનિવારે સવારે સીમમાં ચરવા માટે ગઈ હતી. ત્યાંથી સાંજે આશ્રમનો ગૌવાળ ગૌમાતાને લેવા જાય તે પહેલા કોઈ શખ્સો બધી જ ગૌમાતાને સીમમાંથી લઈ ગયા હતા. આ ગૌમાતાને દેવળીયાથી ભાલછેલ ગામ પાસે લાવી ત્યાંથી હરિપુર (ગીર) રોડ ઉપર અમુક લોકોએ ચડાવી દીધાની આશ્રમને મળેલ વિગત તથા આ કૃત્ય કરનાર શકમંદોના નામો પણ મેંદરડા પોલીસને આપેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આશ્રમના મહંત ઈશ્વરભારતી બાપુની લેખિત ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=228667

No comments: