Saturday, October 9, 2010

વનરાજોનું વેકેશન પૂર્ણ, ૧૦મીથી ગીરમાં પ્રવાસીઓને એન્ટ્રી.

એશીયાટીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી પક્ષીઓ નિહાળવા ઉમટશે હજારો પ્રવાસીઓ
જૂનાગઢ -
વિશ્વ વિખ્યાત ગીરના એશીયાટીક સિંહોનું વેકેશન પૂર્ણ થવા સાથે આગામી તા. ૧૦મીથી ગીરના જંગલમાં પ્રવાસીઓને એન્ટ્રી અપાશે. ગીર અભ્યારણ્ય અને ગીર પરીચય ખંડ દેવળીયાને ૧૦મીથી ખુલ્લા મુકાવા સાથે જ સિંહ, દિપડા, હરણ સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત હજારો કિ.મી. દૂરથી આવતા વિદેશી પક્ષીઓને નિહાળવા વર્ષ દરમિયાન ૭૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડશે.
ચોમાસામાં સંવનન કાળ તથા વનરાજોને રાહત આપવા જૂન ૨૦૧૦થી પ્રવાસીઓ માટે બંધ કરાયેલા ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તમામ પર્યટકો અને પર્યાવરણ પ્રેમીઓ માટે ચોમાસુ પૂર્ણ થતાં તા. ૧૦મી ઓકટોબરથી ખુલ્લા મુકાશે, તેમ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવીને ઉમેર્યુ છે કે વિશ્વમાં અત્યારે સિંહોની માત્ર બે જ પ્રકારની જાત બચી છે. ભારતીય અને આફ્રિકન. આફ્રિકામાં ૩૦ હજારથી ૧ લાખ જયારે ભારતમાં માત્ર ૪૧૧ સિંહો બચ્યા છે. ભારતીય (એશીયાટીક) સિંહો માટે ગીરનું જંગલ એકમાત્ર અને છેલ્લું રહેઠાણ છે. આ ડાલામથ્થા કેસરી સિંહો વિશ્વ વિખ્યાત બન્યા છે.
ગીરના દેવળીયા પરિચય ખંડમાં કુદરતના નૈસર્ગિક સૌંદર્ય અને વાઇલ્ડ લાઇફનો ખજાનો છે. જયાં રસ્તાઓને વનરાજ રોડ, ચિંકારા રોડ, ચિતલ રોડ, સાબર રોડ અને વાઇલ્ડ બોર રોડ એવા નામ અપાયા છે. અહીં સિંહ, દિપડા, સાંભર, હરણ, નિલગાય, ચોશીંગા, ચિતલ, સસલા, વાનર સહિત અનેક પ્રકારના પ્રાણીઓ કુદરતના ખોળે વિહરતા જોવા મળે છે.
૧૪૧૨ કિ.મી.માં ફેલાયેલા અને તાલાલા, વિસાવદર, ધારી, ખાંભા, ઉના, મેંદરડા એમ સાતેક તાલુકાની હદને સ્પર્શતા ગીરમાં ૫૦૦૦ પ્રકારના જંતુઓ, ૩૦૦ પ્રકારના પક્ષીઓ, ૩૬ જાતના સરિસૃપ અને ૩૮ પ્રકારના સસ્તન પ્રાણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મગરોએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. અહીં ૫૦૦થી વધુ પ્રકારની નોંધાયેલી વનસ્પતિઓ છે. ૧૯ અતિદુર્લભ અને ૪૦થી ૫૦ દુર્લભ વનસ્પતિઓ છે, જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. ગીરના જંગલને ૧૩ પેટા પ્રકારના જંગલમાં વહેંચી શકાય છે. જેમાં સુકુ સાગનું જંગલ, દક્ષિણનું સુકુ મિશ્ર જંગલ, કાંટાળી વનસ્પતિનું જંગલ, સાલેડીનું જંગલ, બાવળનું જંગલ, ખાખરાનું જંગલ, થોરનું જંગલ વગેરે મુખ્ય છે. જયારે દેવળીયા પરીચય ખંડના ૪૫૦ હેકટર વિસ્તારમાં ૪ પેટા પ્રકારના જંગલનું વાતાવરણ છે જેથી આ વિસ્તાર વન્ય પ્રાણીઓ માટે ઘણો સમૃદ્ધ અને સંરક્ષિત છે.
વળી, ગીરના જંગલમાં ચાર મોટા ડેમ કમલેશ્વર, રાવલ, મચ્છુન્દ્રી અને શિંગોડા હાલ પાણીથી છલોછલ ભર્યા છે, જે આ જંગલને વધુ રળીયામણું બનાવે છે. ડુંગરાળ વિસ્તારોમાંથી નદી અને ઝરણાં પણ વહી રહ્યા છે જેને નિહાળવા એ જીવનનો એક લ્હાવો છે.
Source: http://www.gujaratsamachar.com/20101006/gujarat/sau1.html

No comments: