Saturday, October 9, 2010

યુવાને બહાદુરીથી દીપડીનો સામનો કરી ભગાડી મૂકી.

Oct 08,2010 અમરેલી તા.૮
ધારી વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે. ગઈ કાલે ચલાલાના ગોપાલગ્રામની સીમમાં દીપડાએ આઠ વર્ષની બાળાને ફાડી ખાધાની ઘટનાના બીજા જ દિવસે એક દીપડીએ લઘુશંકા કરવા બેસેલા યુવાન પર હુમલો કરી ખભા પર બચકા ભરી લીધા હતાં. જો કે, આ યુવાને બહાદૂરીપૂર્વક સામનો કરી દીપડી ભગાડી મૂકી હતી. આ ઉપરાંત ધારીની છતડિયાની સીમમાં વાડીએ વાસુ ગયેલા દેવીપુજક ખેડૂત પર સિંહે હુમલો કરી પગમાં બચકા ભરી લીધા હતાં.
વિગત મૂજબ ખાંભાના જૂનાગામે રહેતા વિમલસિંહ મહિપતસિંહ રાઠોડ મિતિયાળા જંગલ નજીક પોતાની વાડીએ કપાસમાં પાણી વાળવા ગયો હતો. બાદમાં લઘુશંકાએ બેઠો હતો એ સમયે અચાનક આવી ચડેલી દીપડીએ વિમલસિંહ પર હુમલો કરી ખભે ચાર દાઢ બેસાડી દીધી હતી. પરંતુ વિમલસિંહે ડર્યા વગર બહાદુરીથી પ્રતિકાર કરતાં દીપડી નાસી છુટી હતી.
વિમલસિંહના કહેવા મુજબ આ દીપડીએ મીતીયાળાના ડુંગરમાં બે બચ્ચાને જન્મ આપ્યો છે. ખોરાકની શોધમાં અહીં અવારનવાર આવી ચડે છે. અન્ય એક બનાવમાં ધારીના છતડીયાની સીમમાં ભીખાભાઈ ટપુભાઈ દેવીપુજક ભાગિયા ખેતરમાં સૂતા હતા એ સમયે અચાનક આવી ચડેલા સિંહે હુમલો કરીને બચકાં ભરી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=230022

No comments: