Friday, January 31, 2020

હવે રાજુલાના સીમાડા સુધી સાવજોનો વસવાટ

  • એક દાયકામાં આખો રાજુલા તાલુકો સર કર્યો

Divyabhaskar.Com

Jan 08, 2020, 05:17 AM IST
રાજુલા: જંગલનો રાજા માનવ વસાહત વચ્ચે રહેવા ટેવાઇ ગયો છે. સાવજોએ એક જ દાયકામાં રાજુલા તાલુકો સર કર્યો છે. ઉદ્યોગોનો ધમધમાટ અને નેશનલ હાઇવે પર હેવી વાહનોની અવર જવર સાથે સાવજોએ પોતાને ઢાળી લીધા છે. 
ઉદ્યોગોના ધમધમાટ વચ્ચે પણ સાવજો વસ્યા
પીપાવાવ અને જાફરાબાદ આસપાસના વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગ ગૃહોમાં પણ આ સાવજો ઘૂસી જાય છે. સાવજો માત્ર સીમમાં રહેવાના આદી નથી બન્યા શિકાર અને પાણીની શોધમાં કોઇપણ ગામ કે શહેરમાં પણ ઘૂસી જાય છે. સાવજો માનવ વસાહતની વચ્ચે પણ લટાર મારી લે છે. 
આજથી લગભગ એક દાયકા પહેલા રાજુલાના કેટલાક વિસ્તારોમાં જ સાવજ હતાં. પરંતુ હવે છેક રાજુલાના સીમાડા સુધી રોજે રોજ સાવજ આવી જાય છે. રાજુલાના આગરીયા જકાતનાકા તથા સાવરકુંડલા રોડ પરના પેટ્રોલ પંપ સુધી વારંવાર સાવજો આવે છે. બીજી દિશામાં હિંડોરણા ચોકડી તથા વૃંદાવન ગાર્ડનથી લઇ હોટેલ લોર્ડસ લાયન સુધી સાવજોના નિયમીત ફેરા જોવા મળે છે. જો કે અહિં માણસ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે. રાજુલાથી માત્ર એક કીમી દુર ખાખબાઇની સીમમાં પણ વારંવાર સાવજની હાજરી જોવાય છે. આ વિસ્તારમાં દિપડા પણ છે.
ઉદ્યોગોમાં પણ સાવજો ઘૂસી જાય છે
પીપાવાવ પોર્ટની અંદર અવાર નવાર સાવજો ઘૂસી જાય છે. આ ઉપરાંત રીલાયન્સ ડીફેન્સ કંપની અને કોવાયામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માર્ગો અને મુખ્ય ગેઇટ સુધી વારંવાર સાવજો આવી જાય છે. જેથી સિક્યોરીટી કર્મીઓમાં પણ અફડા તફડી મચે છે. જાફરાબાદના લુણસાપુરમાં આવેલી સિન્ટેક્સ કંપનીના ગેઇટ સુધી સાવજો આવે છે. આ વિસ્તારમાં આવેલી સિમેન્ટ કંપનીઓની જુદી જુદી માઇન્સમાં પણ કેટલાક સાવજોએ પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-now-living-up-to-rajulas-boundary-126459255.html

No comments: