Tuesday, March 31, 2020

ગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન નહીં કરવામાં આવે, ગતિ 50થી ઘટાડી 30 કિમી પ્રતિ કલાક કરી

  • સાંસદ પરિમલ નથવાણીના રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જાણકારી આપવામાં આવી

Divyabhaskar.Com

Mar 13, 2020, 06:50 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકારે આજે પુનઃ ખાતરી આપી છે કે ગીરના જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં નહીં આવે. સરકારે જણાવ્યું છે કે, વર્ષ 2017-18ના બજેટમાં સમાવિષ્ટ વેરવળ, તલાળા, વિસાવદર ગેજ પરિવર્તન યોજનામાં તલાળા-વિસાવદર મીટર ગેજનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આ યોજના ગીર સંરક્ષિત જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી જંગલ સંબંધિત મુદ્દાઓના કારણે તેને મીટર ગેજ તરીકે જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી આપી હતી.

ટ્રેનની ગતિ ઘટાડીને 30 કિમી પ્રતિ કલાક કરવામાં આવી
મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે દ્વારા ગીરના સિંહો જેવા લુપ્તપ્રાય પ્રાણીઓના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે, ગીરના જંગલમાં આવેલા તાલાળા-વેરાવળ સ્ટેશનો વચ્ચે ટ્રેનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 30 કિ.મી. કરવામાં આવી છે. જેથી જંગલના પ્રાણીઓ જ્યારે ટ્રેક પરથી પસાર થાય ત્યારે ટ્રેનને થોભાવી શકાય. એ ઉપરાંત વન વિભાગ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને રેલવે ટ્રેક નજીક સિંહોના આવાગમન અંગે જાણકારી મેળવીને ટ્રેનોનું ગતિ નિયંત્રણ રાખીશકાય અને એન્જિન ડ્રાઇવરો આ મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત અને સચેત બને તે માટે જાણકારી આપી શકાય.

નથવાણીએ રાજ્યસભામાં સિંહના જોખમનો પ્રશ્ન પૂછ્યો હતો
નથવાણીએ રાજ્યસભામાં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, તાલાળા અને વિસાવદર વચ્ચેના 72 કિમીના ગીર જંગલમાંથી પસાર થતા ટ્રેકના ગેજ પરિવર્તનના કારણે એશિયાઈ સિંહો પર કોઈ જોખમ ઊભું થશે કે કેમ? ઉપરાંત ગીરના સિંહો અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને સરકાર આ મીટર ગેજ રેલવે લાઇનને હેરિટેજ રેલવે લાઇન તરીકે જાળવવા માગે છે કે કેમ? ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓના રેલવે ટ્રેક પર થતાં મૃત્યુને અટકાવવા માટે રેલવે દ્વારા લેવાયેલા પગલાં અંગે તેમણે પણ પૃચ્છા કરી હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/the-gauge-of-railway-tracks-passing-through-gir-will-not-be-changed-speed-reduced-from-50-to-30-km-per-hour-126964224.html

No comments: