Tuesday, April 29, 2008

ચિત્રાવડની સીમમાં સિંહણ અને બે યુવાનો વચ્ચે બથ્થમબથ : સિંહણ પોબારા ભણી ગઇ

જૂનાગઢ,તા.૨૮
એશિયાઇ સાવજોના નિવાસસ્થાન ગીર પંથકના ચિત્રાવડ ગામની સીમમાં આજે સવારે એક સિંહણ અને બે યુવાનો વચ્ચે કોઇ વાઇલ્ડ લાઇફ ચેનલ કે હોલીવુડની ફિલ્મના દ્રશ્યોની માફક જ ખેલાયેલા દિલધડક જંગમાં યુવાનોની હિંમત જોઇ સિંહણને પણ પોબારા ભણી જવું પડયું હતું. જોનાર કોઇ પણનાં રૃંવાડા ખડા કરી દે તેવી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બન્ને યુવાનોને સારવાર માટે જૂનાગઢ હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

સોરઠની ખમીરવંતી ઘરાના બે યુવાનોએ ચિત્રાવડની સીમમાં સિંહણ સાથે બાથ ભીડી દાખવેલી ખુમારીની આ ઘટના વિશેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીર પંથકના બોરવાવ ગામ ખાતે રહેતો અને ખેત મજૂરી કરતો યુવાન બાબુ માંડણભાઇ ડાભી (ઉ.વ.૨૦) આજે સવારે ચિત્રાવડની સીમમાં કાસમભાઇના આંબાવાડીયામાં ખાખટી વિણવા ગયો. પોતાની મસ્તીમાં ખાખટી વિણી રહેલા આ યુવાનને સ્વપ્નેય ખ્યાલ નહિં હોય કે આગામી થોડી જ ક્ષણોમાં તેનો મુકાબલો ગીરની ખુંખાર સિંહણ સાથે થશે.

હજી તો ખાખટી વિણવાની શરૃઆત માંડ માંડ કરી હશે ત્યાં જ પાછળ થયેલા સળવળાટ અને ઘુરકીયાને લીધે આ યુવાને પાછળ ફરીને ોયું ત્યાં સુધીમાં તો એક સિંહણ સાવ તેની નજીક આવી ગઇ. અને પછી શરૃ થયો દિલધડક જંગ. સિંહણે યુવાન પર હુમલો કર્યો અને યુવાનને પંજા મારી જમીન પર પછાડી દઇ ઉપર ચડી જઇ ડાબા હાથનું બાવળું મોઢામાં પકડી લીધું. સિંહણ યુવાનને ઘાયલ કરવા મથામણ કરતી હતી... તો યુવાન સિંહણથી છુટવા મથામણ કરી રહ્યો હતો.

ખરાખરીના આ જંગનો શોરબકોર સાંભળીને બાજુના ખેતરમાં ટ્રેકટર ચલાવી રહેલ ચિત્રાવડ ગામનો યુવાન જેસીંગ ભગાભાઇ વાજા ઘટના સ્થળે દોડી આવ્યો. અને સિંહણને ભગાડવા માટે પડકાર ફેંક્યો. પરંતુ ઉશ્કેરાયેલી સિંહણ ભાગવાને બદલે સામી થઇ. અને પેલા યુવાનને છોડી જેસીંગ પર હુમલો કરી દીધો. આ યુવાનને પણ જમીન પર પછાડી દઇ સિંહણ માથે ચડી બેઠી.

બન્ને યુવાનો સાથે સિંહણનો આ જંગ ચાલી રહ્યો હતો. ત્યાં જ આસપાસના લોકો એકત્ર થઇ જતાં અને યુવાનોએ કરેલા પ્રતિકારને લીધે સિંહણ નાસી છુટી. પરંતુ થોડા સમય માટે ચાલેલા આ જંગનું દ્રશ્ય જોનાર કોઇ પણના રૃંવાડા ખડા કરી દેવા માટે પુરતુ હતું. આજે સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બન્ને યુવાનોને સારવાર માટે પ્રથમ તાલાળા અને બાદમાં જૂનાગઢ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72893&Keywords=Sorath%20Gujarati%20News

No comments: