Friday, April 25, 2008

શેરડીના વાડમાં સિંહણે બે નર સિંહ બચ્ચાંને જન્મ આપ્યો

માળીયાહાટીના તા.૨૨
માળીયાહાટીના તાલુકાની બાબરા વીડી તથા જાલોન્દ્રા વીડી સિંહણો માટે આદર્શ પ્રસુતિઘર બનતી જતી હોય તેમ લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દર વર્ષે સિંહણ આ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપે છે, તેમાં વધુ બેનો ઉમેરો થયો છે. તાલુકાના લાછડી ગામે શેરડીના વાડમાં સિંહણે બે નર સિંહને જન્મ આપતાં વન્યપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

માળીયાહાટીના તલુકાના લાછડી ગામના ખેડૂત ભીખાભાઈ હમીરભાઈ સોલંકીની વાડીમાં શેરડીના ઉભા વાડમાં સિંહણે બે નર સિંહને જન્મ આપ્યો હતો. પરંતુ કોઈને તેની જાણ નહોતી. દરમિયાન શેરડીના વાડને કાપવાનું કામ ચાલુ થયું ત્યારે વાડીમાલિકને આ બનાવની જાણ થતા તુર્ત જ તેમણે શેરડી કાપવાનું અટકાવીને વનવિભાગને જાણ કરી હતી. જેથી માળીયાહાટીના તાલુકાના વાઈલ્ડ લાઈફ વોર્ડન બારડ, ફોરેસ્ટર ચાવડા, પાણખાણીયા વગેરે વાડીમાં દોડી ગયા હતા અને તપાસ કરતાં બે નર સિંહનો જન્મ થયાનું જાણવા મળ્યું હતું. જેથી સિંહણ અને તેના બન્ને બચ્ચાનું સલામત સ્થળાંતર કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણને પકડવા મારણ સાથે પીંજરૃ મૂકયું હતું જેમાં બીજા દિવસે સિં
પીંજરામાં પૂરાઈ ગઈ હતી પરંતુ બચ્ચા માટે તલસતી સિંહણે ધમપછાડા શરૃ કર્યા હતા. જેથી વનવિભાગના સ્ટાફે બન્ને બચ્ચાને શોધીને પીંજરા પાસે ઉભા રાખતાં સિંહણ શાંત પડી હતી. બન્ને નર સિંહની ઉંમર બાર દિવસની હોય ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં દેવળીયા પાર્કમાં લઈ જઈને બન્ને બચ્ચાઓને વેટરનરી ડોકટરે જરૃરી સારવાર આપી હતી. તેમજ અભ્યારણના સલામત વિસ્તારમાં જ સિંહણ અને તેના બચ્ચાઓને વિહરવા છોડી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=71510&Keywords=Saurashtra%20Gujarati%20News&date=04-22-2008

No comments: