Wednesday, May 15, 2013

સમઢીયાળાની સીમમાં ઢોર ચરાવતા માલધારી પર દિપડો તૂટી પડ્યો.

Bhaskar News, Amreli | May 03, 2013, 00:18AM IST
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં નાના સમઢીયાળા ગામની સીમમાં એક માલધારી યુવાન ગાય-બકરા ચરાવતો હતો ત્યારે એક દિપડાએ મારણ માટે બકરી પણ હુમલો કર્યો હતો. આ સમયે માલધારીએ હાંકલા પડકારા કરતા દિપડાએ બકરી પડતી મુકી માલધારી પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

દિપડા દ્વારા માલધારી પર હુમલાની આ ઘટના ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ઉના તાલુકાના નાના સમઢીયાળા ગામની સીમમાં બની હતી. સમઢીયાળાના ભગવાનભાઇ માલાભાઇ ખસીયા દરરોજના ક્રમ મુજબ આજે પોતાના ગાય તથા બકરાને લઇ સીમમાં ચરાવવા માટે ગયા હતાં. ભગવાનભાઇ એક તરફ ઉભા હતા ત્યારે તેમના પશુઓ ચરતા હતાં તેવા સમયે શિકારની શોધમાં ચડી આવેલા એક દિપડાએ બકરી પર હુમલો કરી દીધો હતો.

પોતાની બકરી પર દિપડાએ હુમલો કરતા જ ભગવાનભાઇએ દિપડાને ભગાડવા માટે હાંકલા પડકારા કર્યા હતાં. જેને પગલે દિપડાએ બકરીને પડતી મુકી ભગવાનભાઇ પર જ હુમલો કરી દીધો હતો. દિપડાએ તેમને પીઠમાં નહોર અને દાંત બેસાડી દઇ ઇજા પહોંચાડી હતી અને બાદમાં નાસી છુટ્યો હતો. ઘવાયેલા ભગવાનભાઇને સારવાર માટે ઉના દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

No comments: