Wednesday, May 15, 2013

આજથી ગીર અભયારણ્યમાં તૃણભક્ષી પ્રાણીઓની કરાશે ગણતરી.


Jitendra Mandaviya, Talala | May 07, 2013, 02:58AM IST
 
- કિંગ્સ મેથડ અને રોડ સાઇડ કાઉન્ટ મેથડ દ્વારા અંદાજ કઢાશે
- ગણતરી માટે સ્ટાફને વિશેષ તાલીમ: ચિત્તલ, સાંબર, નીલગાય સહિતનાં પ્રાણીઓ સિંહોનાં ખોરાક  સમાન છે
 
ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધ્યોનનાં આરક્ષિત જંગલમાં વસવાટ કરતા તૃણભક્ષી વન્યપ્રાણીઓની વસ્તી ગણતરીનું કાર્ય આવતીકાલથી બે દિવસ માટે હાથ ધરાશે. આ પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવા ૧૯ રૂટો બનાવાયા છે. આ રૂટો ઉપર ૧૯ ટીમો દ્વારા કિંગ્સમેથડ અને રોડ સાઇડ કાઉન્ટ મેથડ દ્વારા વસ્તીનો અંદાજ મેળવાશે.
 
ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ તા.૭મે અને ૮ મે એમ બે દિવસ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં દર વર્ષની જેમ તૃણભક્ષી વન્યપ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવાની કામગીરી કરાશે. આ કામગીરીમાં નાયબ વનસંરક્ષક કેડરનાં ઉચ્ચ અધિકારીઓથી લઇ વનરક્ષક સુધીનાં કર્મચારીઓ ઉપરાંત ગીરનાં ગાઇડસ અને ટ્રેકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
આ કામગીરી ચોકસાઇ પૂર્વક થાય તે અંગે આજે સાસણ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. સંદીપ કુમાર (ડી.એફ.ઓ.-વન્યપ્રાણી વિભાગ-સાસણ) દ્વારા કામગીરીમાં જોડાયેલા બધા જ અધિકારીઓને તેઓનાં રૂટની ફાળવણી કરી અને માહિતી સંકલન દરમ્યાન શું તકેદારીઓ રાખવી તે વિશે સમજુતી આપી હતી. તૃણભક્ષી પ્રાણીઓની ગણતરીને લઇ વનવિભાગ દ્વારા આગવુ આયોજન ગોઠવાયુ છે. 
 
- અગાઉની ગણતરીમાં ચિત્તલની સંખ્યા ૫૨ હજારથી વધુ નોંધાયેલ
 
છેલ્લી વસ્તી ગણતરી મુજબ સમગ્ર ગીર વિસ્તારમાં અંદાજે પ૨ હજારથી પણ વધુ ચિત્તલની સંખ્યા નોંધવામાં આવી હતી. જ્યારે ૨૦૧૦ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૪૧૧ હતી. તૃણભક્ષી પ્રાણીઓમાં ચિત્તલ, સાંબર, નીલગાય, વાંદરા સહિતની પ્રજાતીની ગણતરી થશે.

No comments: