
- વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવા છતા તંત્ર ડોકાયુ નથી
ખાંભામા જુના ગામથી સાતપડા નજીક આવેલ એક વાડીમાં ગતરાત્રીના નવ સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી એક રોઝડાનુ મારણ કરી મિજબાની માણી હતી. આ અંગે વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા નથી. હાલ તો આ પંથકમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે. નવ સાવજો દ્વારા રોઝના મારણની ઘટના ગતરાત્રીના ખાંભામા બની હતી. અહી જુના ગામથી સાતપડા નજીક આવેલ ભોજુભાઇ જીવાભાઇ જાંજડાની વાડીમા બે સાવજ, ત્રણ સિંહણ અને બે બચ્ચા સહિતનો પરિવાર અહી આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક રોઝનુ મારણ કર્યુ હતુ.
આ અંગે ભોજુભાઇએ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા ન હતા. અને કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. હાલ તો વાડીમા સાવજો દ્વારા મારણની ઘટના બનતા લોકો પણ સિંહ દર્શન માટે આમથી તેમ હડીયાપાટી મચાવી રહ્યાં છે. આ ઉપરાંત આ વિસ્તારમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો પણ રાત્રીના સમયે વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરવાની ઘટનાઓ બનતી રહે છે.
ડાંગાવદરના પાદરમાં પાંચ સાવજોએ ધણખુંટ અને વાછરડાનું મારણ કર્યુ
સાવજોના ટોળા દ્વારા મારણની આ ઘટના આજે વહેલી સવારે ધારી તાલુકાના ડાંગાવદર ગામે બનવા પામી હતી. આ ગામ આંબરડી અભ્યારણ્ય નજીક આવેલુ ગામ છે. આંબરડી અભ્યારણ્યમાં રહેતા સાવજો અહિં અવાર નવાર આવી ચડે છે. આજે વહેલી સવારે એક સાથે પાંચ સાવજોનું ટોળુ ગામના પાદરમાં આવી ચડયુ હતું. ભુખ્યા સાવજોનું આ ટોળુ શીકારની શોધમાં હતું. અહિં એક વાછરડુ અને ત્રણ ધણખુંટ તેની ઝપટે ચડી જતા સાવજોએ તેના રામ રમાડી દીધા હતાં. બન્ને પશુને મારી સાવજના આ ટોળાએ પોતાનું પેટ ભર્યુ હતું. સવારે ગામલોકોને બન્ને પશુ અર્ધ ખવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. સીમમાં સાવજોની હાજરીને પગલે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
No comments:
Post a Comment