Friday, December 13, 2013

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની.

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની
Bhaskar News, Talala   |  Dec 11, 2013, 13:18PM IST
- મંડોરણામાં છ ભેંસનો કર્યો શિકાર
- તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો ટોળારૂપે ઘૂમી રહ્યા છે
- ગામનું પાદર પરોઢીયે સાવજોની ડણકોથી ગુંજી ઉઠયું

તાલાલાનાં મંડોરણા (ગીર) સામે આજે પરોઢીયે આઠ સાવજોએ આવી ચઢી પાદરમાં છ ભેંસનો શિકાર કરી નિરાંતે મારણની મીજબાની માણતાં ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગીર પંથકનાં મંડોરણા ગામે ભરતભાઇ પરસોતમભાઇ ડોબરીયાનાં ખેતરમાં નજીકનાં પાણીકોઠા ગામેથી ચરીયાણમાં નિકળેલી હનીફભાઇ દોસમામદભાઇ મકરાણીની છ ભેંસો આંબાવાડી પાસે ચરતી હતી ત્યારે ત્રણ સિંહણ, બે સિંહ અને ત્રણ બચ્ચા સાથેનું આઠ સિંહનું ટોળુ આવી ચઢેલ અને ચરી હુમલો કરી ચાર પાડી અને બે પાડાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મારણની મીજબાની માણી હતી.
પરોઢીયે સાવજોની ડણકથી પાદર ગુંજી ઉઠયું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે આંકોલવાડી રેન્જને જાણ કરતા આરએફઓ ડી.એન.પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ ત્યારે એક સિંહણ મારણ ઉપર જોવા મળી હતી.

જયારે સવાર પડતા અન્ય સિંહો મારણ પડતુ મૂકી વાડી વિસ્તાર તરફ ચાલ્યા ગયા હતાં. તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનાં ટોળા ફરી રહ્યા હોય અને માનવ વસાહત તરફ આવી ચઢતાં હોવાનું ઘણા સમયથી જોવા મળી રહયું છે.

એકી સાથે શિકારની ઘટનાથી એસીએફ દોડી ગયા
 
એકી સાથે છ માલઢોરનાં શિકારની ઘટના મળતાં જ એસીએફ કંડોરીયા મંડોરણા ગામે દોડી ગયાં હતાં અને આ સિંહ ગૃપનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.



No comments: