Saturday, December 7, 2013

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી.

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી
Arjun Dangar, Junagadh   |  Dec 07, 2013, 03:47AM IST
- સદીઓ પૂર્વે ગિરનાર પર નેમિનાથ મંદિરને રા’માંડલીકે સુવર્ણથી મઢયું’તું
- સોમનાથ શિખરને સુવર્ણથી સજાવાઇ રહ્યું છે ત્યારે
- ૧૧ મી સદીમાં સોમનાથ મંદિરમાં ૨૦૦ મણ સોનાનાં ઘંટ સહિતની સમુદ્ધિ શોભતી હતી
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં શિખરને સુવર્ણથી મઢવાનું કાર્ય આરંભાયું છે. ત્યારે આ મંદિરનો સમૃદ્ધ અને ભવ્ય સુવર્ણકાળ હવે ફરીથી જીવંત થઇ રહ્યો છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો સદીઓ પૂર્વે જૂનાગઢનાં ચુડાસમા વંશનાં રાજા રા’માંડલીક પહેલાએ ગિરનાર પર નેમિનાથ મંદિરને પણ સુવર્ણથી સુશોભિત કર્યું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.

સોમનાથ મંદિરનાં શિખરને ૧૦ કિલો સોનાથી મઢવાનું કાર્ય શરૂ થયું છે.ત્યારે સદીઓ પૂર્વે મંદિરોની સમુદ્ધિ વિશે પરિમલ રૂપાણી કહે છે કે, ગિરનાર પર્વત પર પ્રથમ ટૂંકમાં જૈન દેવાલયો આવેલા. જેમાંના મુખ્ય ભગવાન અરિષ્ટ નેમિનાં સાંપ્રત કાલીન મંદિરનો પુરાણો ભાગ ગૂર્જર નરેશ જયસિંહદેવ સિદ્ધરાજ દ્વારા નિયુકત દંડનાયક સજજન (ઇ.સ.૧૧૨૯)નાં ઉદધારક સમયનો છે. ગિરનાર પરનાં રા’માંડલીક ત્રીજાનાં શિલાલેખમાં ઉલ્લેખ મુજબ રા’માંડલીક પહેલા (ઇ.સ.૧૩૦૬)એ તેના સમયગાળામાં નેમિનાથના મંદિરને સુવર્ણથી સુશોભિત કર્યું હતું.

એવી જ રીતે ૧૧મી  સદીના પ્રવાસી અલબેરૂની અને તેરમી સદીનાં પ્રવાસી માર્કો પોલોએ સોમનાથને મહત્વનાં વેપાર કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. એ ઉલ્લેખ મુજબ, સોમનાથ મંદિર અકલ્પનીય ધનવાન હતુ. તેનાં નિભાવ માટે દસ હજાર ગામડાંઓ આપવામાં આવેલા.અને ત્યાં ૨૦૦ મણ સોનાના ઘંટ સહિત કિંમતી વસ્તુઓ લગાવેલી હતી.

જે નિયત સમયે દર્શાવવામાં આવતી. તેની બાજુમાં ગ્રહની અંદર હિરા રત્નો જડિત સોના-ચાંદીની મૂર્તિઓ રાખવામાં આવતી. આ મંદિરની સમુદ્ધિ જોઇ મહમદ ગઝનીએ સોમનાથ પર ચડાઇ કરી હતી.


No comments: