Monday, December 9, 2013

કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત.


કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત
Bhaskar News, Amreli | Dec 08, 2013, 02:09AM IST
- ઉના-ભાવનગર હાઇવે પર વહેલી સવારે બનેલી ઘટના

પુરપાટ ઝડપે દોડતા વાહનોના અકસ્માતમાં માણસના મોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. વાહન હડફેટે પાલતુ તથા વન્ય પશુઓના મોતની ઘટના પણ વારંવાર બને છે. પરંતુ આજે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક અજાણ્યા ટ્રક હડફેટે ચડી જતા બે રાષ્ટ્રીય પક્ષી મોર અને એક ઢેલનું મોત થયુ હતું.

વાહન હડફેટે ચડી જવાથી મોરના મોતની ઘટના જવલ્લે જ બનતી હોય છે. પરંતુ આજે આવી એક ઘટના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક બની હતી. આ ગામ ઉના-ભાવનગર હાઇવે પર આવેલુ ગામ છે અને કોસ્ટલ હાઇવે પર આખો દિવસ ટ્રાફીક પણ સતત ધમધમતો રહે છે. આજે સવારે કથીરવદર નજીક કોઇ અજાણ્યા ટ્રક ચાલકે બે મોર અને એક ઢેલને કચડી નાખતા ત્રણેયનું મોત થયુ હતું.
આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની પણ મોટી વસતી છે. અવાર નવાર વાહન હડફેટે નિલગાય પણ ચડી જાય છે. અગાઉ સાવરકુંડલા પંથકમાં વાહન હડફેટે ચડી જતા દિપડાનું તથા ખાંભા પંથકમાં વાહન હડફેટે ઝરખનું મોત થયુ હતું. ત્યારે હવે કાગવદર નજીક ટ્ક હડફેટે એક સાથે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના બની છે. ઘટનાની જાણ થતા કાગવદર અને નાગેશ્રીના લોકો અહિં દોડી આવ્યા હતાં. જો કે અકસ્માત સર્જનાર ટ્ક ચાલક નાસી છુટયો હતો.

No comments: