Friday, May 30, 2014

કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો.


Bhaskar News, Amreli | May 19, 2014, 00:02AM IST
કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો
- કમોસમી વરસાદે કેરીનાં પાકનો સોથ વાળ્યો
- આંબાવાડીઓમાં ફટકો : ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં કેરીના પાકને સૌથી વધુ નુકશાન
- વરસાદ પહેલા તોફાની પવનથી અગાઉ ખાખડીઓ ખરી પડી હતી : ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝૂંટવાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી ચાલી રહેલા કમોસમી વરસાદથી સૌથી વધારે નુકશાન કેરીના પાકને થઇ રહ્યુ છે. ખેડુતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં જયા કેરી સૌથી વધુ પાકે છે ધારી, ખાંભા, સાવરકુંડલા તાલુકામાં જ વધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે ભારે પવન પણ ફુંકાતો હોય મોટા પ્રમાણમાં આંબા પરથી કેરી ખરી રહી છે. અને તેના કારણે ખેડુતોને ધાર્યા ભાવ પણ નથી મળી રહ્યા.

અમરેલી પંથકમાં આ ઉનાળામાં મૌસમનો મીજાજ કંઇક જુદા જ પ્રકારનો રહ્યો છે. જેના કારણે જાણે ઉનાળો નહી પરંતુ ચોમાસુ ચાલી રહ્યુ છે તેવો અહેસાસ થઇ રહ્યો છે. કારણે છેલ્લા એક પખવાડીયાથી દરરોજ જીલ્લાના કોઇને કોઇ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વળી તે પણ ભારે પવન અને ગાજવીજ સાથે. અનેક ગામોમાં તો વાવાઝાડુ પણ ફુંકાતા ભારે ખાનાખરાબી પણ થઇ હતી. સૌથી વધુ નુકશાની ઉનાળુ પાક અને કેરીના પાકને થઇ રહી છે.

અમરેલી જિલ્લામાં કેરીની સૌથી વધુ ખેતી ધારી ચલાલા પંથક ઉપરાંત સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને અમરેલી તાલુકામાં કરવામાં આવે છે અને કમોસમી વરસાદ સૌથી વધુ આજ વિસ્તારમાં પડી રહ્યો છે. ખાસ કરીને ધારી ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં. આ વિસ્તારમાં પાછલા એક પખવાડીયા દરમીયાન ભારે પવન અને કેટલાક સ્થળે તો વાવાઝોડુ પણ ફુંકાયુ હતું. અગાઉ પણ જયારે આંબા પર નાની ખાખડીઓ હતો તે સમયે કમોસમી વરસાદ અને પવનના કારણે ખાખડીઓ ખરી પડી હતી. તે સમયે ખાખડીઓના ભાવ દબાયા હતા જયારે હવે કેરીના ભાવ દબાઇ રહ્યા છે. અમરેલી જીલ્લાના ઘણા ગામો એવા છે જયા કેરીના પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે. ખેડુતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો છે.
અમરેલીની બજારમાં કાર્બનથી પકાવેલા નાના ફળે કેરી રસીયાનો સ્વાદ બગાડયો

અમરેલી જિલ્લામાં કેસર કેરીનો પાક તૈયાર થઇને બજારમાં આવવા તો લાગ્યો છે. પરંતુ ઓણસાલ પાક મોડો છે. અને નબળો પણ છે. પરિણામે ખુબ જ નાના ફળ વેચાણ માટે બજારમાં આવી રહ્યા છે. વળી તે પણ કાર્બનથી પકાવેલા ફળ હોય લોકોને કેસરનો અસલ સ્વાદ મળતો નથી.કેસર કેરીની સાડમ ભલભલાના મોંમા પાણી લાવી દે પરંતુ અમરેલી પંથકમાં પાકતી કેસર કેરી આ વખતે મોડી પાકવા જઇ રહી છે. આમ છતા ખેડુતો હાલમાં ચાલી રહેલા વધારે ભાવનો લાભ લેવા માટે કેરી ઉતારીને બજારમાં વેચી તો રહ્યા છે. પરંતુ ઉતાવળે ઉતારેલી કેરી હોવાથી બજારમાં મોટા પ્રમાણમાં નાના ફળ ઠલવાઇ રહ્યા છે. એવુ નથી કે બજારમાં મોટા ફળ આવતા નથી પરંતુ તેની માત્રા ઘણી ઓછી છે.

ખાસ કરીને ધારી પંથકમાં પાકતી કેરી હાલમાં બજારમાં મોટા પ્રમાણમાં વેચાવા માટે આવી રહી છે. આ વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ખુબ જ થયો છે. વળી પાક મોડો હોવાથી ચોમાસુ આંબી જાય તો પુરા ભાવ પણ ન આવે તે ડરે ખેડુતો દ્વારા મોટા પ્રમાણમાં પાક ઉતારવામાં આવી રહ્યો છે. પરંતુ ફળ ઘણા નાના અને ઓછા વજન તથા દળ વાળા આવી રહ્યા છે. જેને પગલે આ કેરીમાં જોઇએ તેવો સ્વાદ નથી મળતો તેવી લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે. કમોસમી વરસાદના પગલે આ કેરીમાં અસલ કેસરની સોડમ પણ જોવા નથી મળતી.

No comments: