Friday, May 30, 2014

સિંહોના મોત અંગે વનતંત્ર દ્વારા રેલવેને નોટીસ.

સિંહોના મોત અંગે વનતંત્ર દ્વારા રેલવેને નોટીસ
Bhaskar News, Rajula | May 23, 2014, 01:11AM IST
વનતંત્રની ઉંઘ ઉડી : જવાબદારો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્રની ભારે ટીકા થતાં આખરે

ગુનો દાખલ કરી નક્કર પગલાને બદલે માત્ર નોટીસથી સાવજોની રક્ષા થશે ?

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો મુક્ત રીતે આમથી તેમ ફરતા હોય પાછલા કેટલાક સમયગાળા દરમીયાન પીપાવાવ પોર્ટમાંથી આવતી જતી ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર સાવજોના મોત થઇ ચુક્યા છે. ત્યારે અત્યાર સુધી વનતંત્ર દ્વારા રેલવે સામે કોઇ કાર્યવાહી ન કરાયા બાદ હવે આખરે વનતંત્રએ આ મુદે ગઇકાલે રેલવે તંત્રને નોટીસ ફટકારી હતી.

સાવજોના મોતના કિસ્સામાં રેલવેની જવાબદારી હોવા છતાં વન વિભાગ દ્વારા રેલવેના એકપણ જવાબદાર સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા વન વિભાગની ભારે ટીકા થઇ રહી હતી. રાજુલા નજીક પીપાવાવ પોર્ટમાં જતી-આવતી માલગાડીઓ આ વિસ્તારમાં વસતા સાવજો માટે ઘાતક બની રહી છે. અત્યાર સુધીમાં જુદી જુદી ત્રણ ઘટનામાં માલગાડી હડફેટે ચડી જવાથી ચાર સાવજોના મોત થઇ ચુક્યા છે. આમ છતાં રેલવેના કોઇ જવાબદાર સામે ગુનો નોંધવામાં આવ્યો ન હતો. બલ્કે આવી ઘટનાઓ બાદ માત્ર મીટીંગો કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દરમીયાન હવે વનતંત્રની ઉંઘ ઉડી છે. ગઇકાલે અમરેલી વન વિભાગની કચેરી દ્વારા રેલવે તંત્રને વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ હેઠળ સાવજોના મોત નિપજાવવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસને પગલે રેલવેના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હોવાનું કહેવાય છે. હકીકતમાં સિંહ પ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે રેલવેના જવાબદારો સામે આકરા પગલા લેવામાં આવે અને પીપાવાવ પોર્ટમાં જતી આવતી માલગાડીઓ પર નિયંત્રણ લાદવામાં આવે.

દેવપરામાં સિંહ પરિવાર રેલવે ટ્રેક પાસે

માલગાડી હડફેટે ચડી જવાથી જુદી જુદી ત્રણ ઘટનામાં ચાર સાવજોના મોતની ઘટના બાદ પણ રેલવે અને વનતંત્રએ ધડો લીધો નથી. રાજુલાના દેવપરા વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ જ એક સિંહણ બચ્ચા સાથે આટા મારી રહી છે. ત્યારે આ સિંહણને તેના બચ્ચાની સલામતી માટે તેના સ્થળાંતર અંગે યોગ્ય પગલા લેવાય તે જરૂરી છે.

No comments: