Friday, May 30, 2014

કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં.

કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં
Bhaskar News, Amreli | May 19, 2014, 00:04AM IST
- કમોસમી વરસાદથી નદીઓમાં પાટોડા ભરાતા સાવજો ગેલમાં
- શેત્રુજીના પટમાં અવારનવાર સાવજો નજરે પડયા

લીલીયા પંથકમાં ગઇકાલે ખાબકેલા ત્રણ ઇંચ કમોસમી વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયુ હતું. આ વરસાદથી સાવજોના રહેઠાણ સમા વિસ્તારમાં નદીઓ ભલે ચાલવા ન લાગી પરંતુ ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીના પટમાં પાણીના પાટોડા જરૂર ભરાયા હતાં. જેના કારણે આજે સાવજો નદીઓ આસપાસ ભટકતા નજરે પડયા હતાં.
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ભટકતા સાવજો ગેલમાં છે આ વિસ્તારના સાવજો માટે પીવાના પાણીની મોટી સમસ્યા છે.

પરંતુ ગઇકાલના વરસાદથી સાવજોને ઘણી રાહત થઇ છે. અહીંના સાવજોને ઉનાળાની કારમી ગરમીમાં આમથી તેમ ભટકવુ પડી રહ્યુ છે. સીમમાં કયાંય પાણી નથી જેથી સાવજો પોતાની તરસ છીપાવવા માટે જે તે ગામના પાદર સુધી પણ જઇ ચડે છે. ગામના પાદરમાં પાલતુ પ્રાણીઓ માટે રાખેલા અવેડામાંથી પાણી તેમને પીવુ પડે છે. ગઇકાલે લીલીયા તથા આસપાસના વિસ્તારમાં જોરદાર કમોસમી વરસાદ પડી ગયો હતો. લીલીયા શહેરમાં તો ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. આસપાસના વિસ્તારમાં પણ આવો જ ભારે વરસાદ પડી ગયો હતો. જેને કારણે નાવલી નદીમાં સામાન્ય પુર આવ્યુ હતું.

શેત્રુજી નદીમાં પુર ભલે ન આવ્યુ પરંતુ નદીના પટમાં જયાંત્યાં ખાબોચીયા જરૂર ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત ઠેરઠેર પાણીના ખાડાઓ પણ ભરાયા હતાં. અચાનક આ પ્રકારે જાણે ચોમાસુ ચાલતુ હોય તેવો માહોલ બની ગયો છે જેને કારણે આ વિસ્તારમાં વસતા સાવજો પણ ગેલમાં આવી ગયા છે. આજે સાવજો નદીના પટ આસપાસ જ નજરે પડતા હતાં. કાંકચ નજીક શેત્રુજી નદીના પટ ઉપરાંત શેઢાવદર નજીક પણ નદીના પટમાં સાંજે પાંચ સાવજો નજરે પડયા હતાં.

No comments: