Saturday, February 28, 2015

જસાધાર કેર સેન્ટરમાં ઘાયલ સિંહનું મોત.

Bhaskar News, Dhari Feb 27, 2015, 00:47 AM IST
જસાધાર કેર સેન્ટરમાં ઘાયલ સિંહનું મોત
(તસવીર પ્રતિકાત્મક)
 
-ગીરગઢડા - દ્રોણની સીમમાંથી 15 દિ' પૂર્વે લવાયો હતો
-વધુ એક સિંહનાં મોતથી વન્ય પ્રાણીઓમાં રોષ


ધારી: ગીરપુર્વના જસાધાર રેંજના દ્રોણ અને ગીરગઢડા રેવન્યુ વિસ્તારમાં પંદરેક દિવસ પહેલા એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોય વનવિભાગે તેને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો જયાં આ સિંહનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જસાધાર રેંજના દ્રોણ અને ગીરગઢડા રેવન્યુ વિસ્તારમાં એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોય વનવિભાગને જાણ થતા ડીએફઓ શર્માની સુચનાથી આરએફઓ બી.ટી.આહિર તેમજ રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો.  અહી વેટરનરી ડો. હિતેષ વામજા દ્વારા આ સિંહની પંદર દિવસથી સારવાર કરવામા આવી રહી હતી. આ સિંહનુ સારવાર દરમીયાન મોત નિપજયું હતુ. ડીએફઓએ સિંહના મૃતદેહનુ પરીક્ષણ કર્યુ હતુ બાદમાં અગ્નિસંસ્કાર કરવામા આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય બની રહેશે કે, ગીર અભયારણ્ય સહિતનાં સાવજોની વસ્તીવાળા વિસ્તારોમાં સમયાંતરે કુદરતી કે અકુદરતી રીતે સિંહ, સિંહણ, સિંહબાળ અને દીપડાઓ મોતને ભેટી રહયાં છે. પંદર દિવસ પૂર્વે ગીરગઢડા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ સિંહનું મોત થતાં વન્યપ્રાણી પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

ગીગાસણમાંથી દીપડી - દીપડો પાંજરે પુરાયા

ધારીના ગીગાસણની સીમમા દિપડો અને દિપડી આંટાફેરા મારતા હોય ખેડૂતો વાડી ખેતરે જતા ભય અનુભવી રહ્યાં હતા. આ અંગે લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. અહી વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામા આવ્યું હતુ. જેમાં ગતરાત્રીના પ્રથમ એક દિપડી સપડાઇ ગઇ હતી. પરંતુ દિપડો પકડાયો ન હતો. વનવિભાગે અહી ફરી પાંજરૂ ગોઠવતા આ દિપડો પણ પાંજરામા સપડાઇ જતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

વનવિભાગના કે.પી.નંદાણીયા, દિલાભાઇ રાજયગુરૂ, ડો. હિતેષ વામજા, શેરમહંમદ મકરાણી, સમીર દેવમુરારી સહિત સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા સિંહ, દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વન્યપ્રાણીઓ છેક ગામ સુધી આવી પહોંચે છે અને દુધાળા પશુઓનુ મારણ પણ કરે છે.

No comments: