Saturday, February 28, 2015

ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ.

Bhaskar News, Junagadh Feb 28, 2015, 01:58 AM IST
જૂનાગઢ: ગિરનાર પર્વત અનાદિકાળથી અડીખમ ઉભો છે. પરંતુ આજે ગિરનારને તેના નામ જેટલીજ નવી ઉંચાઇ મળી છે. 4 જાન્યુઆરી 2015નાં રોજ યોજાયેલી સીંગલ માઉન્ટ એસેન્ટ ઇવેન્ટને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ગયું છે. આ પહેલાં એક પર્વત પર એક સાથે સૌથી વધુ લોકોનાં ચઢાણનો રેકોર્ડ નોર્વેનાં નામે બોલતો હતો. જે હવેથી ગિરનારનાં નામે ચઢી ગયો છે. નોર્વેની સ્પર્ધામાં  972 લોકોએ ભાગ લીધો હતો. જ્યારે ગિરનાર સ્પર્ધામાં 2,324 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી 2,122 સ્પર્ધકોએ નિયત સમયમાં સ્પર્ધા પૂર્ણ પણ કરી હતી.
ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ
- એકજ પર્વત પર એક સાથે સૌથી વધુ લોકોનાં ચઢાણનો નોર્વેનો રેકોર્ડ તૂટયો : હવે તે ગિરનારનાં નામે
- નોર્વેની સ્પર્ધામાં 972 અને ગિરનાર સ્પર્ધામાં 2,324 સ્પર્ધકો જોડાયા હતા અને 2,122એ નિયત સમયમાં સ્પર્ધા પૂરી કરી હતી

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને વિશ્વ ફલક પર લઇ જવા માટે કલેકટર આલોકકુમાર પાંડેએ ઓગસ્ટ માસમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે અરજી કરી હતી. એ સાથેજ ગિરનાર સ્પર્ધાનું  વિશ્વસ્તરે નામાંકન કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. મોસ્ટ પીપલ્સ સીંગલ માઉન્ટ એસેન્ટ નામ રાખવામાં આવ્યું હતું. આ પહેલાં એકસાથે સૌથી વધુ લોકો પર્વત પર ચઢ્યા હોય એવો રેકોર્ડ નોર્વેનાં નામે હતો.નોર્વેમાં 972 લોકો એક સાથે પર્વત પર ચઢી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ તોડવા માટે જૂનાગઢ સામે પહેલો પડકાર સંખ્યાનો હતો. સ્પર્ધા નજીક આવતાં રાજ્યભરમાંથી કુલ 2,758 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાંથી 2,324 સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા હતા. એટલું જ નહી તેમાંથી 2,122 સ્પર્ધકોએ નિયત સમયમાં સ્પર્ધા પૂરી કરી હતી. આ રીતે સ્પર્ધાને રેકોર્ડમાં સ્થાન મળે એ  માટેનાં ઉજળા સંજોગો સર્જાયા હતા. પરંતુ તેના માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે અનેક પ્રકારનું સાહિત્ય માંગ્યું હતું. સાહિત્ય પહોંચાડ્યા બાદ 17 પ્રકારની ક્વેરી કાઢી હતી. કલેકટર આલોકકુમાર પાંડે, દેવકુમાર આંબલીયા, નયન થોરાટ અને અતુલ ખુંટીએ તમામ કવેરીનો ત્વરીત જવાબ આપ્યો હતો. અંતે સોમવારે છેલ્લી ક્વેરી આવી હતી. જે પણ સોલ્વ થતાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગિરનાર સ્પર્ધાને સ્થાન મળી ગયું છે. આ બાબત હવે  જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવરૂપ બની છે.

ગિરનાર સ્પર્ધાની શરૂઆત 1971માં એક અખબારે કરી હતી. બાદમાં 1979 સુધી સતત ચાલી હતી. બાદમાં બંધ થઇ, ત્યારપછી ફરી શરૂ થઇ, અને બંધ થઇ. ત્યારબાદ 1996થી જિલ્લા વહીવટી તંત્રએ સ્પર્ધાનો દોર હાથમાં લઇ લીધો. અને ત્યારથી ફરી સ્પર્ધા અવિરતપણે ચાલતી રહી છે. 2008માં સ્પર્ધાને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી.

સ્પર્ધાનાં વિકાસમાં ત્રણ કલેકટરનો ફાળો

ગિરનાર સ્પર્ધાનાં વિકાસમાં જૂનાગઢમાં આવેલા ત્રણ કલેકટરોનો સિંહ ફાળો રહ્યો છે. જેમાં 1996માં આવેલા કલેકટર એમ. ડી. માંકડે સ્પર્ધાને રાજ્ય કક્ષાની બનાવી હતી. બાદમાં 2008માં કલકેટર અશ્વિની કુમારે સ્પર્ધાને રાષ્ટ્રીય કક્ષાનું સ્થાન અપાવ્યું હતું. ત્યારપછી 2015માં કલેકટર આલોકકુમાર પાંડેએ સ્પર્ધાને વિશ્વ ફલક પર લઇ જવા મહેનત કરી હતી. જેમાં તેઓ સફળ થયા છે.

12 વિડીયો કેસેટ અને 85 ફોટા મોકલ્યા

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઇડ લાઇન મુજબ ગિરનાર સ્પર્ધાની 12 વિડીયો કેસેટ મોકલવામાં આવી હતી. તેમજ 85 ફોટા મોકલવામાં આવ્યા હતા. જેમાં દરેક ફોટાની નીચે તેનું વિવરણ પણ કરવામાં આવ્યું હતું.
15 દિવસ સુધી રોજ એક ક્વેરી આવતી

ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી 15 દિવસ સુધી કોઇને કોઇ ક્વેરી આવતી હતી. જેનો તાત્કાલીક નિકાલ કરવામાં આવતો હતો. મેઇલ અથવા તો કુરિયર મારફત તેનો જવાબ અપાતો હતો.

કમિટી બનાવાઇ હતી

ગિરનાર સ્પર્ધામાં બે વિટનેસ અને 56 સ્ટુઅર્ડ ની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ માઇક્રો પ્લાનીંગ માટે 11 સમિતીની રચના કરાઇ હતી.

માપપટ્ટી લઇ મંગલનાથની જગ્યાથી અંબાજી સુધીની લંબાઇ માપી |17 પ્રકારની ક્વેરી આવ્યા બાદ અંતે સ્પર્ધાનાં ટ્રેકની લંબાઇ કેટલી છે ? તે માંગી હતી. પરિણામે સોમવારે જૂનાગઢની ટીમે સવા મીટર લાંબી ફૂટપટ્ટીથી મંગલાનથ બાપુની જગ્યાએ થી અંબાજી મંદિર સુધી ટ્રેકની માપણી કરી હતી. જેમાં 4336.5 મીટર (14,224.22 ફૂટ) લંબાઇ થઇ હતી. જે મોકલ્યા બાદ કોઇ કવેરી આવી ન હતી.

No comments: