Monday, August 31, 2015

અશોક શિલાલેખ પાસે ઓટલે સુતેલા ભિક્ષુકને સુંઘી વનરાજે ચાલતી પકડી

DivyaBhaskar News Network

Aug 22, 2015, 09:00 AM IST
સિંહોજૂનાગઢ શહેરનાં પાદરે રોજબરોજ આંટા મારતા હોય હવે જૂનાગઢવાસીઓ માટે નવી વાત નથી. શહેરમાંથી ભવનાથ તળેટી જતા રસ્તે અશોક શિલાલેખ પાસેનો વિસ્તાર વનરાજોનો રોજીંદો રૂટ બન્યો છે. અને છાશવારે અહીં લોકોને મોડી રાત્રે કે પછી વ્હેલી પરોઢે સિંહદર્શન થતા હોય છે. જોકે, અાજે એક અજબ જેવી ઘટના બની હતી. જેનો આંખે દેખ્યો અહેવાલ શ્રાવણ માસ નિમીત્તે જટાશંકરનાં દર્શને જતા ભાવિકો વર્ણવતી વખતે રોમાંચિત થઇ ઉઠે એવો છે.

વાત જાણે એમ બની કે, જૂનાગઢ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેનનાં પીએ તરીકે ફરજ બજાવતા વિરાટ જગદીશભાઇ ઠાકર, કોમર્શીયલ કોઓપરેટીવ બેંકનાં મેેનેજર રાજુભાઇ મારડીયા અને વંથલી કોમર્શીયલ કોઓપરેટીવ બેંકમાં ફરજ બજાવતા કેતનભાઇ ઠાકર શ્રાવણ માસ નિમીત્તે રોજ સવારે જટાશંકર મહાદેવનાં દર્શને જાય. આજે સવારે તેઓ પાંચેક વાગ્યાનાં અરસામાં બે બાઇક પર સ્મશાન પાસે પહોંચ્યા. જ્યાં તેઓએ વીસેક કૂતરાને ભસતા દીઠા. કદાચ દિપડો આસપાસમાં હશે એમ તેઓએ માન્યુુું. અને બાઇક ત્યાંજ થંભાવી દીધી. જોકે, આગળ તેઓએ જોયું તો એક સિંહ અશોક શિલાલેખથી પાછળનાં ડુંગરમાંથી ઉતરી આવ્યો હતો. અને રામટેકરી પાસેનાં રોડ પર અસલ રજવાડી ઠાઠથી લટાર મારતો હતો. એવામાં અન્ય વાહન ચાલકો પણ ત્યાં ઉભા રહી ગયા. સહુએ જોયું કે, બીજા બે પાઠડા પણ એજ ડુંગરમાંથી રોડ પર ઉતરી આવ્યા. અને મેલડી માતાનાં મંદિર પાસે ઓટલા પર સુતેલા ત્રણેક ભિક્ષુક જેવા લોકો તરફ ગયા. બંને સિંહોએ ચાદર ઓઢીને નિદ્રાધીન થયેલા એક ભિક્ષુકની લગોલગ જઇ તેને સુંઘવા લાગ્યો. તરફ ઉભા રહી ગયેલા લોકોને લાગ્યું હમણાં પેલા ભિક્ષુકને ઉપાડી જશે. જોકે, એટલીવારમાં વીસેય કૂતરાં વધુ જોશથી ભસતાં એકસાથે સિંહો તરફ આગળ વધ્યા. વળી એકઠા થઇ ગયેલા વાહનોનાં અવાજ અને હેડલાઇટોનાં અજવાળાંને લીધે સિંહોએ નજર વાળી લીધી. અને સોનરખ નદીની ધારમાં ટબુડી વાવ તરફ ઉતરી જંગલમાં ચાલ્યા ગયા. આખી ઘટના પૂરી થયા બાદ કૂતરાંને ભસતા સાંભળી પેલા ભિક્ષુકની ઉંઘ ઉડી ગઇ. વાહન ચાલકોએ તેને બનેલી ઘટના કહેતાં તે અવાચક થઇ ગયો. નજરે જોયેલી ઘટના અંગે વિરાટભાઇ કહે છે, અાવું દૃશ્ય પહેલી વાર જોયું. ભિક્ષુક પાસે સિંહ પહોંચ્યો ત્યારે અમે તેને કાંઇ થાય માટે જટાશંકર મહાદેવને પ્રાર્થના કરતા હતા.

શ્રાવણ માસ નિમીત્તે રોજ જટાશંકર જતા ભાવિકોએ નજરોનજર નિહાળેલું દૃશ્ય

No comments: