Sunday, June 30, 2019

દીપડાએ 3 વર્ષની પૌત્રીને જડબા પકડી, દાદીએ દીપડાને પકડી બૂમ પાડતા નાસી છૂટ્યો

  • ધારીના માલસિકા ગામે 3 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો
  • વનવિભાગની ટીમે દોડી જઇ દિપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા

DivyaBhaskar.com

Jun 01, 2019, 04:06 PM IST
ધારી: ધારી ગીર પૂર્વની સરસીયા રેંજના માલસિકા ગામે ગતરાત્રે વાડીમાં રમતી એક ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહીં દોડી ગયો હતો અને દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા હતા. 3 વર્ષની પૌત્રીને દીપડાના જડબામાંથી છોડાવવા દાદીએ દીપડાને પકડી રાખ્યો અને એવી બૂમ પાડી કે દીપડાએ નાસી છૂટવું પડ્યું હતું.
બાળકી વાડીમાં ખુલ્લામાં રમી રહી હતી
બાળકી પર દીપડાના હુમલાની આ ઘટના ધારીના માલસિકા ગામે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં વાડીમાં મજૂરીકામ કરતા જયદીપભાઇ વાઘેલાની બે પુત્રી રાત્રીના આઠેક વાગ્યે વાડીમાં ખુલ્લામાં રમતી હતી. તે દરમિયાન અચાનક દીપડો ધસી ગયો હતો અને જાનુ (ઉ.વ.3)નામની બાળકી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેની બહેને તુરંત દોડી જઇ માતા અને દાદીને જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો અને દાદીએ દીપડાને પકડી રાખી બૂમ પાડતા દીપડો નાસી ગયો હતો. ઘાયલ બાળકીને 108ની મદદથી પ્રથમ સારવાર માટે ધારી અને બાદમા અમરેલી દવાખાને રીફર કરાઇ હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ તાકિદે અહીં દોડી ગયો હતો અને દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા હતા.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-on-three-year-old-girl-near-dhari-1559366534.html

No comments: