Sunday, June 30, 2019

અમરેલીનાં વડીયામાં દિપડાએ ઉંટ ઉપર હુમલો કર્યો : ગ્રામજનોમાં ભય

DivyaBhaskar News Network

Jun 22, 2019, 05:55 AM IST
વડીયા પંથકમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને લોકોમાં ભય ફેલાયો છે. અહીના આંબેડકર નગર વિસ્તારમા આવેલ એક વાડીએ બાંધેલા ઉંટ પર દિપડાએ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. દિપડાના આંટાફેરાથી લોકોમા ભય ફેલાયો છે. દિપડાએ ઉંટ પર હુમલો કર્યાની આ ઘટના વડીયામા બની હતી. અહી ભૈલુભાઈ વાળાની વાડીએ બાંધેલ ઉંટ પર હુમલો કર્યો હતો. ઊંટને આંખ,કાન,નાક મો ઉપર બચકા ભરી ઉંટને જખમી કરી દીધો હતો. ત્યારે બાજુમાં ખેતરના ખેડૂત બટુકભાઈ સખીયા જેઓ ખેતરમાં કામ કરતા કરતા હતા ત્યારે ઉંટનો અવાજ સાંભળી જોયું તો દિપડો દેખાતા દીપડાને અવાજ કરતા દીપડો નાસી ગયો હતો.

ઘટનાથી ખેડૂતો મધ્ય રાત્રીના ખેતરોમાં કામકાજ કરતા હોય તો હવે ડર લાગી રહ્યો છે. જે હાલ ઉંટ જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આંબેડકર નગર રહેણાક વિસ્તાર નજીક દીપડાએ ઉંટ ઉપર જીવલેણ હુમલો કર્યાની વાયુવેગે વાતો પ્રસરતા લોકોમાં અને ખેડૂતોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. જો કે આ દિપડો છેલ્લા ઘણા સમયથી વડિયા પંથકમાં આંટાફેરા મારી રહ્યો છે. તાજેતરમાં જ વડિયા જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નાથાભાઈ લાખાણીની વાડીએ બાંધેલ ગાયને ફાડી ખાધી હતી. તેમજ સુરવો ડેમ પાસે એક વાડીએ કુતરાને પણ ફાડી ખાધો હતો. વનવિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે મુલાકાત લઈ જણાવ્યું કે અહીં દીપડાને પકડવા માટે બે દિવસમાં પાંજરું મુકવામાં આવશે અને દીપડાને પાંજરે પુરી દેવાની ખાતરી આપતા ખેડૂતોમાં હાશકારો થયો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-deepa-attacked-the-camel-in-amreli39s-head-fear-in-villagers-055506-4825633-NOR.html

No comments: