Saturday, November 30, 2019

જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં દિપડાના હુમલામાં 8 માસમાં 13નાં મોત, 52 લાખનું વળતર

  • વન વિભાગે સિંહ, દિપડા, અન્ય પ્રાણીઓનાં હુમલાથી ઈજા પામનાર 61 લોકોને 1.20 લાખ રૂપિયાની સહાય ચૂકવી

Divyabhaskar.com

Nov 27, 2019, 10:19 AM IST
જૂનાગઢ: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં એશિયાઇ સિંહો જોવા મળે છે. સિંહોની સાથોસાથ દિપડાની સંખ્યામાં વધારો થયો છે. સાથોસાથ આ દિપડા માનવ પર હુમલો કરતા હોવાની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં માત્ર 8 માસમાં દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. જ્યારે સિંહ, દિપડા અને અન્ય જંગલી પ્રાણીઓએ 61 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. મૃતકોને 52 લાખની વળતર ચૂકવવામાં આવ્યું છે.
જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે
વન્ય પ્રાણીઓના વધી રહેલા હુમલાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખેડૂત એકલા ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ લોકો અને સરકારના પ્રયાસને કારણે સિંહ અને દિપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સિંહ, દિપડા સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેનાથી માનવ પર હુમલાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં દિપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. માનવ પર પ્રાણીઓના હુમલા બાદ વન વિભાગ દોડતું થઇ જાય છે અને દિપડાને પકડવા માટે પાંજરા મુકી દેવામાં આવે છે. જો કે, હુમલામાં ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ પામનારના પરિવારજનોને વન વિભાગ દ્વારા સહાય પણ ચૂકવવામાં આવે છે.
8 માસમાં વન્યપ્રાણીઓ દ્વારા 14ના મોત થયા, 52 લાખ ચૂકવાયા
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં 8 માસમાં સિંહના હુમલાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. જ્યારે દિપડાએ 13 લોકોનો શિકાર કર્યો છે. તેમજ અન્ય પ્રાણીએ એકનો જીવ લીધો હોવાનું વન વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. 8 માસમાં પ્રાણીઓના હુમલામાં 14 લોકોના મોત થતા તેમના પરિવારજનોને વન વિભાગે 52,00,000 રૂપિયા ચૂકવ્યા છે.
સિંહ દ્વારા 4, દીપડાએ 49ને ઘાયલ કર્યા
સિંહ દ્વારા 4 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા, દિપડાએ 49 પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. અન્ય પ્રાણીઓએ 8ને ઇજા પહોંચાડી. કુલ 61 ઇજાગ્રસ્તોને વન વિભાગ દ્વારા 1,20,400 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
હુમલાથી બચવા માટે માર્ગદર્શન અપાય છે
પ્રાણીઓના હુમલાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા સેમિનાર, અવરનેશ પ્રોગ્રામ, પ્લેપ્લેટ વિતરણ તેમજ ગામડાના લોકો સાથે બેઠક કરી વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે લોકોને માર્ગદર્શન અપાય છે. સાથે વનતંત્રનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ પણ કરાય છે.
દિપડાનાં ભયથી લોકો એકલા નિકળતા નથી
વિસાવદર, ધારીમાં દિપડાના આતંકને લઇને લોકો એકલા બહાર નિકળતા નથી. ટોળામાં જ બહાર જાય છે. ખેડૂતો, પશુપાલકોએ પોતાના માલ, ઢોરને પણ વેચી દીધા છે. ઘણા લોકોએ ઘરની બહાર ઉંચી દીવાલો ચણી લીધી.
નોનવેજનો એઠવાડ ખુલ્લામાં ન નાખવો
સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં તેમજ ખુલ્લામાં સુવુ નહી. ખુલ્લામાં નોનવેજનો એઠવાડ ફેકવો નહીં તેમજ બહારથી જે મજૂરોને કામ કરવા આવે છે તેમને સ્થાનિક પરિસ્થિતિ વાકેફ કરવા, બાળકોને એકલા રમવા ન દેતા તે સહિતની તકેદારો ધ્યાને રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો ઘટી શકે છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ
(અહેવાલ-સરમન રામ, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-attack-and-13-people-death-last-8-month-in-three-district-of-gir-forest-126150220.html

No comments: