Saturday, November 30, 2019

આફ્રિકાના ગીની દેશમાં પાણી સમસ્યા, ગુજરાતના એકમાત્ર ગામ જામકા ગીરનું મોડલ અપનાવશે

  ગીની દેશના એનજીઓએ જામકા ગીર ગામની મુલાકાત લીધી

  • જળક્રાંતિ, ગાય આધારિત ખેતી,પશુપાલનની કામગીરીથી પ્રભાવિત

Divyabhaskar.com

Nov 27, 2019, 03:57 PM IST
જૂનાગઢ: જૂનાગઢ નજીકના જામકા ગીર ગામની આફ્રિકાના ગીની દેશના એનજીઓએ મુલાકાત લીધી હતી. તેઓ જામકામાં થતી જળક્રાંતિ, પશુપાલન, ગાય આધારિત ખેતીથી પ્રભાવિત થયા છે અને તેમના દેશમાં જામકાનું મોડેલ અપનાવવા તૈયાર થયા છે. ગુજરાત આખામાં જામકાગીરનું મોડલ અપવાનના ગીની દેશના એનજીઓએ પસંદગી કરી છે.
પાણીની સમસ્યા દૂર કરવા જામકાનું મોડલ અપનાવશે
આ અંગે જામકાના જળક્રાંતિ ટ્રસ્ટના પરસોતમભાઇ સિદપરાએ જણાવ્યું હતું કે, આફ્રિકાના ગીની દેશમાં એનજીઓ તરીકે કામ કરતા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુએ જામકાગીર ગામની મુલાકાત લીધી હતી. તેઓ ખાસ કરીને ચેકડેમ દ્વારા કરાતું જળ સંગ્રહ, ગાય આધારિત ખેતી અને પશુપાલનની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીની દેશની સમસ્યા દૂર કરવા તેઓ ત્યાં જામકાનું મોડેલ અપનાવશે. જેમાં ખાસ કરીને સારી ટેકનીક દ્વારા ત્યાં રોજગારી ઉભી કરાશે.
ગાય આધારિત ખેતી કરી રોજગારી મેળવશે
ખેતરમાં ગાય આધારિત ખેતીથી પપૈયા, કેળા, સીતાફળ, શેરડી, બાજરી, તરબુચ, લસણ, ઘઉં જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરશે. જેથી રોજગારી વધશે અને પ્રકૃત્તિનું જતન થશે. તેમની સાથે કૃષિ યુનિવર્સિટીના આર.ડી. પટેલ, રતિલાલ સોની, અશોક વાસવાણી વગેરેની ઉપસ્થિતી રહી હતી.
જળક્રાંતિ ટ્રસ્ટની ટીમ ચેકડેમ બનાવવા ગીની દેશ જશે
ગીનીમાં પાણીની ખૂબ સમસ્યા છે. વરસાદી પાણી વહી જાય છે. ત્યારે જામકામાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહની કામગીરીથી પ્રભાવિત થયેલા સારાન કતા અને દાન એપોલીનીયર ડ્રામુ જામકાની જળક્રાંતિ ટ્રસ્ટની ટીમને ચેકડેમથી જળક્રાંતિ કરવા ગીની બોલાવશે.
(અતુલ મહેતા, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/gini-country-take-jamakagir-village-model-126150575.html

No comments: