Wednesday, April 30, 2008 01:10 [IST]

cubઆજીડેમ સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં આજથી નવા ત્રણ સિંહબાળ એટલે કે સિંહણો બાળકો-સહેલાણીઓના મનોરંજન માટે તૈયાર છે. ૬૮ દિવસ પૂર્વે જન્મેલા બરચાંઓને આજે વિધિવત રીતે પાંજરામાં લોકો સમક્ષ મૂકયા છે.
પાણીની ટેન્ક, રસ્તા કે ઓડિટોરિયમના લોકાર્પણ તો અનેક યોજાય છે પરંતુ રાજકોટના ધનસુખભાઈ ભંડેરીએ આજે ત્રણ સિંહબાળનું લોકાર્પણ કર્યું હતું. ૨૦મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે સાડા ત્રણ વર્ષની સિંહણ મસ્તીએ જેને જન્મ આપ્યો હતો તે ત્રણ બરચાં હવે સંપૂર્ણ સ્વસ્થ અને પરિપકવ હોવાથી તેઓને પાંજરામાં લોકો જોઈ શકે તે રીતે મૂકવામાં આવ્યાં છે. આજે મેયર ધનસુખભાઈ ભંડેરી, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ. જી. મારડિયા વગેરેની હાજરીમાં આ બરચાં પાંજરામાં છૂટ્ટા મૂકાયા હતા.
૨૦ ફેબ્રુઆરીએ મસ્તીએ પાંચ બરચાંને જન્મ આપ્યા બાદ ૧૪મી માર્ચે તેની બહેન મોજે પણ બે બરચાંને જન્મ આપ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટના ઝૂમાં ૧૨ સિંહબાળનો જન્મ થયો છે. આજે જે સિંહબાળ છૂટ્ટા મૂકાયા છે તેમણે મુકતવિહાર, ધીંગામસ્તી શરૂ કરી દીધાં છે. ત્રણેય એકબીજાની પાછળ દોડે છે, ઊંધા ચત્તાં પડે છે, વૃક્ષના થડ પર ચડવા કોશિશ કરે છે.
ઝૂ જોવા આવનારા લોકોને આ ‘નવા ચહેરાં’ જોવાની મજા આવશે. આ સિંહબાળની રાશી કર્ક આવી છે, જયારે મોજના બે બરચાંની રાશી મિથુન છે એટલે ત્રણ નામ ડ, હ અક્ષર પરથી અને બે નામ ક, છ, ઘ નામ પરથી પાડવાના છે તેવી અપીલ મેયરે કરી છે. જેને નામ સૂઝે તેણે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટને ૯૨૨૭૬ ૦૮૧૧૨ ફોન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
જન્મ સમયે સિંહબાળનું વજન ૮૦૦-૧૨૦૦ ગ્રામ, આંખ બંધ હોય છે. ૧૫ દિવસ બાદ સિંહબાળ પોતાની રીતે ચાલી શકે છે. ૧ માસની ઉંમરે તેને દાંત આવે છે. કુલ ૨૬ દાંત હોય છે. અઢી વર્ષની વયે તે પુખ્ત બને છે.
મોજ નામની સિંહણના બે બરચાં હવે જોવા મળશે
Source: http://www.divyabhaskar.co.in/2008/04/30/0804300112_two_lion_cub.html