Friday, May 2, 2008

ગીર વિસ્તારમાં ખાનગી રાહે થતા લાયન શો રોકવાની જવાબદારી હોટલ સંચાલકોના શીરે !

તાલાલા ગીર તા.૧
ગિર વિસ્તારમાં સિંહો શિકાર કરતા હોય એવા દ્રશ્યો દર્શાવતા પ્રાઈવેટ લાઈવ શો તાલાલા આસપાસ અને ગિરના ગામડામાં પ્રાઈવેટ દલાલો દ્વારા તગડાં નાણાં લઈને યોજાતા હોવાના પ્રસારિત થયેલા અહેવાલોના પગલે વન ખાતુ ચોંકી ઉઠેલું છે. આ બાબતે વનખાતાના ઉચ્ચ અધિકારીઓએ સાસણ અને ગિર વિસ્તારમાં આવીને આ વિસ્તારના ફાર્મ હાઉસના માલિકો અને હોટલ માલિકોને બોલાવીને એક મિટિંગ યોજી હતી આ બેઠકમાં ગિર વિસ્તારમાં અને આસપાસના વિસ્તારમાં થતાં પ્રાઈવેટ લાયન શો રોકવાની જવાબદારી હોટલ માલિકો અને મેનેજરો ઉપર લાદવામાં આવી છે .વન વિભાગની આ વિચિત્ર સુચનાના પગલે ભારે ઉહાપોહ થયો છે. આ બેઠકમાં વન વિભાગના વન સંરક્ષક ભરત પાઠક ,ડીએફઓ બી.પી.પતી ,સાસણના મનીવર રાજા અને આ વિસ્તારની હોટલોના સંચાલકો હાજર રહયા હતા.આ બેઠકમાં વન અધિકારીઓએ પ્રાઈવેટ લાયન શો જે થાય છે એમાં વધુ જવાબદાર હોટલ માલિકો અને મેનેજરો અને ફાર્મ હાઉસ સંચાલકો જ હોય એવો દેખાવ ઉપસ્યો હતો.

વન અધિકારીઓએ એમ કહયું હતુુ કે સાસણ ગીર વિસ્તારમાં ખાનગી લાયન શો કરવાની જે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે.આ પ્રવૃતી રોકવાની જવાબદારી તમારી છે.

તેની બાબતની તમામ માહિતિ વનવિભાગને લેખિતમાં આપવી ફરજિયાત છે.રોકાયેલા સહેલાણીઓ રાતના બહાર જાય નહીં તેની પણ તમારી જવાબદારી છે.જો ખાનગી લાયન શો રોકવામાં સહકાર નહીં આપો તો ના છૂટકે સાસણ વિભાગ આસપાસના ફાર્મ હાઉસ અને હોટલ રેસ્ટોરન્ટ બંધ કરાવવાની વન વિભાગને ફરજ પડશે. આ જવાબદારી હોટલ માલિકો અને ફાર્મ હાઉસ સંચાલકો ઉપર ઢોળી દેવામાં આવતાં વન વિભાગના આ રવૈયા બાબતે કચવાટની લાગણી ફેલાઈ છે. એ બધાનું કહેવું એમ છે કે સિંહોની હત્યા પછી વનવિભાગે વનમિત્રોની નિમણુંકો કરી છે. જંગલ બહાર ફરજ બજાવવા મોટરસાયકલો અને અધિકારીઓને નવા નકોર ફોર વ્હીલ વાહનો આપવામાં આવેલા છે. આ બધી બાબત પછી સ્ટાફની કોઈ જવાબદારી જ નહીં ? જવાબદારી ફેકી દેવાના બદલે યોગ્ય નિર્ણય લેવામાં આવે એ જરૃરી છે.અને લાયન શો માટે માત્ર હોટલમાલિકોને જ જવાબદાર ગણવા એ કેટલું વાહિયાત છે ?એવો સવાલ થઈ રહયો છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73552&Keywords=Sorath%20Gujarati%20News

No comments: