Sunday, May 4, 2008

વાયરના ફાંસલામાં ફસાયા બાદ છૂટવા તરફડતા દીપડાને હૃદયના સ્નાયુઓમાં હેમરેજ થઈ ગયુ

જૂનાગઢ,તા.૩
ગીર (પૂર્વ) વન વિભાગની જસાધાર રેન્જના સીમર ગામ નજીકથી આજે મળી આવેલ દિપડાના મૃતદેહના પી.એમ. દરમ્યાન વાયરના ફાંસલામાં ફસાયા બાદ છુટવા માટે તરફડતા આ દિપડાને હૃદયના સ્નાયુઓમાં હેમરેજ થઈ જવાને લીધે તેનું મૃત્યુ થયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વન વિભાગે આ ઘટના સંદર્ભે બે શકમંદો સામે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાબતે ગીર (પૂર્વ) વન વિભાગના ડી.સી.એફ. જે.એસ. સોલંકીના જણાવ્યા અનુસાર આજે ગીર જંગલની જસાધાર રેન્જના સીમર ગામની સીમમાં આવેલ માધવભાઈ દેવસીભાઈ લાડુમોરના ખેતરની કાંટાળા તારની વાડ પાસેથી આશરે પ થી ૬ વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બનાવની જાણ થતા જ જસાધાર આર.એફ.ઓ. સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પેટના ભાગે વાયરનો ફાંસલો ફસાઈ જવાને લીધે દીપડાનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ બહાર કાઢવામાં આવ્યુ હતુ. બાદમાં જસાધાર રેન્જના વેટરનરી તબીબ ડો.વાઢેર તથા વેટરનરી તબીબ ડો. અપારનાથીની પેનલ દ્વારા કરાયેલા પી.એમ. રિપોર્ટમાં વાયરના ફાંસલામાં ફસાયેલા દીપડાએ છુટવા માટે તરફડીયા માર્યા બાદ હૃદયના સ્નાયુઓમાં હેમરજ થવાને લીધે દિપડાનું મૃત્યુ થવા પામ્યુ હોવાનું બહાર આવ્યુ છે.

દીપડાના તમામ નખ અને અંગોઉપાંગો સહિ સલામત મળી આવેલ છે. વન વિભાગના જણાવ્યા મુજબ સાંયોગીક પુરાવાઓના આધારે આ ઘટનાના શકમંદ આરોપીઓ કાળુ લાખા ડાભી અને બાળુ ઉકા ડાભી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭ર ની વિવિધ જોગવાઈઓ અનુસાર ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73957&Keywords=Sorath%20Gujarati%20News

No comments: