Monday, May 19, 2008

ગીર પંથકના ગામડાઓને સાત માસ પછી પણ ભૂકંપ સહાય મળી નથી

તાલાલા (ગીર) તા.૧૭
તાલાલા પંથકના છેવાડાના વિસ્તારના ભૂકંપનો ભોગ બનેલ હિરણવેલ-ચિત્રાવડ-હરીપુર-સાંગોદ્રા-ભાલછેલ ગીર સહિતના આઠ થી દશ ગામોના ગરીબ પરિવારોને સાત માસ પછી પણ સરકારી સહાયથી વંચિત હોય ભૂકંપને કારણે મકાન ગુમાવનાર-પરિવારનો સભ્ય ગુમાવનાર તથા મકાનમાં નુકસાનીનો ભાગ બનનાર અને ભૂંકપને કારણે ઈજા પામનાર પરિવારો નિરાશ થઈ ગયા છે. ભૂકંપનો સૌથી વધુ ભોગ બનનાર આખા હિરણવેલ ગામના ગરીબ નોંધારા પરિવારો છેલ્લા સાત માસથી સરકારી સહાય માટે સ્થાનિક વહીવટી તંત્રની કચેરીએ ધકકા ખાઈને થાકી જઈ સરકારી સહાય ભુલી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દિવાળીના તહેવારોના સમયે ગત તા.૬/૧૧/૦૮ મંગળવારે વહેલી સવારે અને બપોરના સમયે ભૂકંપના બે ભારે આંચકા આવેલ. જેના પરિણામે સાવ ગરીબ અને પછાત ૯૪૦ માનવ વસ્તીવાળા હિરણવેલ ગામને ભાંગીને ભુક્કો કરી નાખ્યું હતું. આખા ગામમાં કુલ રહેતા ૧૭૫ ગરીબ પરિવારોના મકાનો ધરાશાહી થઈ ગયા હતા. જે મકાનો બચ્યા હતા તે પણ રહેવા લાયક નથી. આ બનાવ બાદ તુરંત સરકારના પ્રતિનિધિ તરીકે તે વખતના જળસંપતિ મંત્રી રતિભાઈ સુરેજા તથા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિતનું ઉચ્ચ વહીવટીતંત્ર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે દોડી આવ્યું હતું. ભૂકંપથી થયેલ ભારે તારાજી નિહાળી વ્યથિત થયેલ મંત્રીએ હિરણવેલ ગીર ગામને પુનઃવસન કરવા સરકાર કોઈ કચાસ રાખશે નહીં. ભૂકંપનો ભોગ બનેલ વિસ્તારોને મળવાપાત્ર સહાય માટે તુરંત સર્વે હાથ ધરવામાં આવશે. તેવી મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓએ ખાત્રી આપી હતી. પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓએ નજરે નીહાળી છે. છતાં પણ આજ સુધી કોઈ સહાય મળી નથી. ભૂકંપને કારણે રહેઠાણ ગુમાવનાર પરિવારોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે. અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય તરત મળે માટે જે તે વખતે પ્રજાના પ્રતિનિધિઓએ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને આપેલ ધરપત પ્રમાણે ભૂકંપને કારણે નોંધારા થયેલ ગરીબ પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા પ્રબળ લોકમાગણી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76912&Keywords=Sorath%20Gujarati%20News

No comments: