| Nov 13,2010 | |
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારના વિકાસ માટે બે વર્ષ પહેલા અધુરૃ મૂકી દેવાયેલું ડીમોલીશન પૂર્ણ કરવા ફરી વખત તૈયારીઓ શરૃ કરીને ગત તા.ર ના રોજ નોટીસો આપી દીધી હતી. અને આજથી જ ડીમોલીશન પણ શરૃ કરવાનું હતું. પરંતુ આગામી દિવસોમાં આવી રહેલી પરિક્રમાને લઈને તંત્રએ કાર્યવાહી અધૂરી છોડી દેવી પડી છે. અને હાલ પુરતુ ડીમોલીશન મોકૂફ રાખવું પડયું છે. જ્યારે સામા પક્ષે ભવનાથ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કોર્ટમાં જઈને સ્ટે મેળવી લેવા માટેની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
ભવનાથ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પેશકદમી થઈ જતા તંત્ર દ્વારા આ સ્થળને રમણીય બનાવવાની યોજના હેઠળ બે વર્ષ પહેલા પેશકદમી દૂર કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. અને યાત્રિકો માટેની વિવિધ સુવિધાઓ ઉભી કરવાના આયોજન અંતર્ગત સારા એવા પ્રમાણમાં ડીમોલીશન કરી નાખવામાં આવ્યું હતું. દરમિયાનમાં આ વિસ્તારના સાધુ-સંતો અને રહેવાસીઓની રજૂઆત બાદ રૃપાયતન પાસે અસરગ્રસ્તોને ૧૮૭ પ્લોટ સુવિધાઓ સાથે ફાળવવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. અને કેટલાક અસરગ્રસ્તોને સનદ પણ આપી દેવામાં આવી હતી.
બીજી તરફ ફરી વખત ગત તા.ર ના રોજ ભવનાથમાં બાકી રહી ગયેલી પેશકદમી વિશે નોટીસો ફટકારી દેવામાં આવી હતી. અને આજથી ડીમોલીશન શરૃ કરવાની જાહેરાત પણ તંત્રએ કરી દીધી હતી. પરંતુ સાધુ-સંતો અને રહેવાસીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને પગલે પરિક્રમા સંદર્ભે હાલમાં ડીમોલીશન રોકી દેવામાં આવ્યું છે. રહેવાસીઓએ તંત્ર સામે કરેલા આક્ષેપો અનુસાર તંત્રએ પ્લોટ ફાળવ્યા બાદ એક પણ પ્રકારની સુવિધા આપી નથી. પરિણામે લોકો ત્યાં રહેવા જઈ શક્યા નથી. માટે તંત્રએ પ્રથમ સુવિધા આપ્યા બાદ જ ડીમોલીશન કરવું જોઈએ. તેમજ ભવનાથના રહેવાસીઓએ આ મુદ્દે કોર્ટમાં જઈને સ્ટે મેળવવા માટેની કાર્યવાહી પણ આરંભી દીધી છે.
રાત્રે રીક્ષા ફેરવી ડીમોલીશનની તાકીદ કરાઈ
જૂનાગઢઃ ડીમોલીશન માટે ભવનાથ વિસ્તારમાં ગત તા.ર ના રોજ નોટીસો ફટકારી દેવાયા બાદ સાત દિવસની મુદ્દત આપવામાં આવી હતી. આ મુદ્દત પૂર્ણ થઈ જતા ગઈકાલે તંત્રએ ભવનાથ વિસ્તારમાં રીક્ષા ફેરવીને માઈક દ્વારા લોકોને મકાનો ખાલી કરી આપવાની તાકીદ કરવામાં આવી હતી. તેમજ આજથી ડીમોલીશન શરૃ કરી દેવાની જાહેરાત પણ કરાઈ હતી. પરંતુ લોકોની રજૂઆત બાદ ડીમોલીશન મોકૂફ રાખી દેવાયું છે.
યાત્રિકોને ધ્યાને લઈ ડીમોલીશન રોકાયું : કલેક્ટર
જૂનાગઢઃ ભવનાથ વિસ્તારમાં ડીમોલીશન મોકૂફ રાખવા સંદર્ભે જિલ્લા કલેક્ટર આશિર્વાદ પરમારના જણાવ્યા પ્રમાણે હાલમાં પરિક્રમા દરમિયાન આવનાર લાખ્ખો યાત્રાળુંને ધ્યાને લઈને સંતો તેમજ રહેવાસીઓ દ્વારા કરાયેલી રજૂઆત બાદ ડીમોલીશન મોકૂફ રાખવામાં આવ્યું છે. સાથે સાથે ડીમોલીશન વેળાએ પોલીસ રક્ષણની સુવિધા પણ જરૃરી હોવાથી અને તહેવારો દરમિયાન કોઈ વિવાદ ન સર્જાય તે માટે અત્યારે ડીમોલીશન મોકૂફ રાખવામાં આવ્યું છે. અને પરિક્રમા બાદ ડીમોલીશન શરૃ કરવામાં આવશે.
રસ્તા, લાઈટ, પાણીની પ્રાથમિક સુવિધા પણ નથી મળી
જૂનાગઢઃ ભવનાથ વિસ્તારમાં ડીમોલીશન બાદ તંત્રએ રૃપાયતન પાસે ૧૮૭ પ્રજાજનોને પ્લોટ ફાળવ્યા હતાં. અને આ સ્થળે શાળા, આંગણવાડી, પી.એચ.સી., રસ્તા, લાઈટ, પાણી વગેરે સુવિધા આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પ્રજાજનોની ફરિયાદ અનુસાર આ સ્થળે એક પણ પ્રકારની સુવિધા અત્યાર સુધીમાં આપવામાં આવી નથી. અને લોકોને નોટીસો ફટકારી તંત્ર વારંવાર હેરાન કરે છે. આ પ્લોટોને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મળી રહે તે માટે સંરક્ષણ દિવાલ બનાવી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જેમાંથી એકેય સુવિધા અપાઈ નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238285
No comments:
Post a Comment