Saturday, April 30, 2011

આખરે ગિરનાર રોપ-વેને કેન્દ્રની આખરી મંજૂરી મળી.

Source: Arjun Dangar, Junagadh
- કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની બેઠકમાં મળી મંજૂરી
- ભવનાથ રૂટથી જ રોપ-વે શરૂ કરવા કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની લીલી ઝંડી
સોરઠની પ્રજા માટે લાપસીનાં આંધણ મુકવા જેવા સમાચાર છે. અત્યંત મહત્વનાં એવા ગિરનાર રોપ-વે આડેનો આખરી અંતરાય પણ દૂર થઇ ગયો છે. આજરોજ મળેલી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને વાઇલ્ડ લાઇફનાં મામલે લીલી ઝંડી મળી ગઇ છે.
ભવનાથ રૂટ ઉપર જ આ પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. જેને પગલે જૂનાગઢનાં વિકાસનાં દ્વાર ખુલી ગયા છે. રોપ-વે ને ફાઇનલ મંજૂરી મળ્યાનાં સમાચાર મળતાંજ જૂનાગઢ સહિત સોરઠભરમાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો છે. આજે કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દિલ્હી ખાતે મળી હતી. જેનાં એજન્ડાની પ્રથમ આઇટમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર ચર્ચા શરૂ થઇ હતી. ગુજરાત સરકારનાં વન સચિવ એસ. કે. નંદા અને એચ. એસ. સીંઘ, જૂનાગઢનાં મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે. મેયર ગીરીશ કોટેચા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચાને અંતે તેમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર વાઇલ્ડ લાઇફનાં મામલે ભવનાથ રૂટ ઉપર જ મંજૂરી આપી દેવાઇ હતી. જોકે, આ રોપ-વે ની કામગીરી સ્થાનિક કમિટીની દેખરેખ હેઠળ હાથ ધરવાનો આદેશ પણ બોર્ડે આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગિરનાર રોપ-વેનાં સ્થળ નિરીક્ષણ માટે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે બોર્ડની બેઠકમાં રોપ-વે ને શરતી મંજૂરી આપી હતી. સાથોસાથ બે માસમાં ગીધોનાં અસ્તિત્વને અસર ન પહોંચે તે માટેનાં પગલાં સુચવવા અને વૈકલ્પિક રૂટ અંગેનો રીપોર્ટ આપવા જણાવ્યું હતું.
જેને પગલે ઉષા બ્રેકોએ વૈકલ્પિક રૂટો ચકાસ્યા હતા. ગીધનાં સંરક્ષણ માટે પણ વિવિધ ઉપાયો સુચવાયા હતા. અને એ રીપોર્ટ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડને સુપ્રત કરાયો હતો. જેનાં આધારે આજે મળેલી બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો.
હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આસાન : દીપક કપલીસ
આ મંજૂરીને પગલે હવે ઉષા બ્રેકો કંપની રોપ-વેની કામગીરી આગળ ધપાવી શકશે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાઇલ્ડ લાઇફની મંજૂરી માટેનો મુદ્દો તેમાં સામેલ કર્યો હતો. જે મળી જતાં હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આડેનાં અંતરાયો પણ દૂર થઇ ગયા છે. એમ ઉષા બ્રેકોનાં દીપક કપલીસે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ માટે કમિટી રચાશે
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે આપેલા આદેશ મુજબ, રાજ્ય સરકાર સ્થાનિક કક્ષાએ વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ કમિટીની રચના કરશે. જેમાં રાજ્ય સરકારનાં, ઉષા બ્રેકોનાં, એનજીઓનાં અને સ્થાનિક પ્રતિનિધી સામેલ રહેશે. કમિટી પાંચ થી સાત સભ્યોની બનશે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-girnar-ropeway-project-get-final-approval-from-central-2050408.html

No comments: