Saturday, April 30, 2011

ગીરનાં ગામડાંઓમાં સિંહ-દીપડાનો આતંક.

Source: Bhaskar News, Junagadh
- ગામમાં ઘૂસી મારણ કરવાના એક દી’માં ચાર બનાવ બનતા ગ્રામજનો ભયભીત
ગીરના જંગલ વિસ્તાર પાસે આવેલા ગામડાંઓમાં માનવ વસ્તી વચ્ચે પહોંચી સાવજ અને દીપડા જેવા જંગલી પશુઓ દ્વારા મારણ કરવાના બનાવોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અસામાન્ય અને ચિંતાજનક માત્રામાં વધારો થયો છે.
આજે ગીરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં આ પ્રકારના ચાર બનાવો બન્યા હતા. સાવજોએ એક સ્થળે તો એક યુવાનને પણ ઘાયલ કર્યો હતો. ઉનાળામાં ગીરના જંગલમાં જંગલી પશુઓને પૂરતી માત્રામાં પાણી ન મળતું હોવાથી રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતા હોવાની ગ્રામજનોની માન્યતા છે. વનતંત્ર આ તમામ બનાવોને ગંભીરતાથી લઇ અને જરૂરી તમામ યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા ગીરના ગામડાના લોકો રાખી રહ્યા છે.
માળિયા હાટીના પંથકમાં વનરાજોએ બે પશુનાં મારણ કરતાં ખેડૂતોમાં ફફડાટ -
માળીયા હાટીના તાલુકાનાં ભાખરવડ ગામના બાલુભાઈ લાલજીભાઈ મકવાણાની સીમમાં આવેલી વાડીમાં ગત સોમવારની રાત્રીનાં સિંહોનાં ટોળાએ ઘુસી આવી વાછરડાને ફાડી ખાદ્યો હતો. જ્યારે આજે મંગળવારે માળીયાનાં કેરાળા રોડ પર આવેલી હાટી દરબાર નાજાભાઈ કાળાભાઈ કાગડાની વાડીમાં વનરાજોએ આવી ચડી ભેંસ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. છેલ્લા એક માસ દરમિયાન વનરાજો જંગલ છોડીને ગામડાઓ ખુંદી રહ્યાં છે. જંગલ બોર્ડર હદના ગામડાઓમાં સિંહોની અવર-જવર વધી હોવાથી ખેડૂતો ખેતરોમાં જતા ડરી રહ્યાં છે. બે પશુઓના શિકારને પગલે આરએફઓ ભેડા અને ફોરેસ્ટર એસ.બી.ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
મંડોરણા (ગીર)માં ૧૪ ફૂટ ઊંચી વંડી ટપી દીપડો વાછરડીને ઉઠાવી ગયો -
તાલાલા તાલુકાના મંડોરણા (ગીર) ગામની વચ્ચે રહેણાંક ધરાવતાં નારણભાઈ કેશવભાઈ વરસાણીનાં મકાનની ૧૪ ફુટ ઉંચી વંડી ટપી દીપડાએ પ્રવેશ કર્યો હતો. અને ફિળયામાં બાંધેલી વાછરડીનો શિકાર કરી તેને ઉઠાવી ગયો હતો. સોમવારનાં રાત્રીનાં બનેલા આ બનાવની સવારે ગામમાં જાણ થતાં લોકો ફફડી ઉઠયા હતા. તાલાલા તાલુકા ભારતીય કિસાનસંઘનાં પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, જંગલખાતાએ હવે વન્યપ્રાણીઓની હિફાજત માટેની કામગીરી જંગલને બદલે રેવન્યુ અને માનવ વસતીમાં કરવાની જરૂર છે. વન્યપ્રાણીઓએ જંગલમાં પાણી અને ખોરાક વગર ભુખે મરવા કરતા માનવ વસતી વચ્ચે રહેવાનું હવે મન મનાવી લીધુ હોવાનું જણાય છે. વનવિભાગ જંગલમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી તથા ખોરાકની વ્યવસ્થા કરે તે જરૂરી છે.
કાણકિયામાં સિંહણે યુવાનને ઘાયલ કર્યો –
ઊના તાલુકાનાં કાણકીયા ગામની સીમમાં ગોબરભાઇ હાદાભાઇ છેલાણા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત રાત્રીનાં પોતાની વાડીએ સુતો હતો ત્યારે અચાનક એક સિંહણે આવી ચઢી તેની ઉપર હુમલો કરતાં પીઠનાં ભાગે ઇજા પહોંચી હતી. જો કે ગોબરભાઇએ રાડારાડ કરી મુક્તાં સિંહણ નાસી છુટી હતી. ગોબરભાઇને ઊના સરકારી દવાખાને સારવારમાં લઇ જવાયો હતો જ્યાં ફરજપરનાં તબીબે તેને ભયમુક્ત જાહેર કર્યો હતો.
ઝુડવડલીમાં ચાર ગાયોનું મારણ કર્યું -
ગત સોમવારની રાત્રીનાં ઝુડવડલી ગામમાં એક સિંહણ ત્રણ બચ્ચા સાથે આવી એક સાથે બે ગાયોનું મારણ કર્યું હતું. ત્યારબાદ પાદરમાં એક ગાયનું મારણ કર્યું હતું. બે ગાયોના મારણની મજિબાની તો ગામની મધ્યમાંજ માણી હતી. આ ત્રણેય ગાયોનાં મારણને ખાધા બાદ વહેલી પરોઢે સિંહણ તેનાં બચ્ચા સાથે સરપંચ કાંતિભાઇ લવજીભાઇ ઉકાણીનાં આંબાનાં વિશાળ બગીચામાં ચાલી ગઇ હતી. દરમિયાન આજે મંગળવારનાં સાંજનાં ૬ વાગ્યામાંજ સિંહણે ગામના પાદરમાં આવી ચઢી વધુ એક ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળે છે.

source: http://www.divyabhaskar.co.in/article/SAU-terror-of-lion-and-leopard-in-girs-village-1993634.html

No comments: