Saturday, April 30, 2011

‘સિંહ પરિવારનું અમે જતન કરીશું’.

Source: Jayesh Gondhiya, Una
- ઊના પંથકનાં ઝુડવડલીનાં ગ્રામ્યજનોનો અનોખો પ્રેમ
સિંહણનું દૂધ ઝીલવું હોય તો સોનાનું પાત્ર જોઈએ તેમ કહેવાય છે તે રીતે સિંહને જીરવવા માટે પણ ગુજરાતી જેવું જીગર જોઈએ. આ જીગર સોરઠનાં ગુજરાતીઓમાં જોવા મળે છે. સિંહની એક ડણકથી સારા સારાનાં હાજાગગડી જતા હોય છે. સિંહની જાળવણી અને જતન એ ગુજરાતી પ્રજાનાં લોહીમાં છે.
આ વાત એટલા માટે દોહરાવવી પડે છે કે નાઘેર પંથક ગણાતા ઊના તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં આંટો મારવા નીકળીએ તો બાળકોથી માંડી વૃધ્ધો એવુ કહેતા સાંભળવા મળે કે સાવજ હમણા આવવા જોઈએ. કાંતો એવુ કહે છે કે, સાવજ થોડે દૂર આગળ ગયો હશે. આ છે ગુજરાતીઓની સિંહ પ્રત્યેની ખમીરવંતી લાગણી. ત્યારે તાલુકાનાં ઝુડવડલી ગામે તો છેલ્લા બે માસથી એક સિંહણ તેના ત્રણ સિંહબાળ સાથે વસવાટ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન સિંહણે એક પણ માનવી પર હુમલો કર્યો નથી. હવે તો એવો સમય આવી ગયો છે કે આ સિંહ પરિવાર લગભગ ગ્રામજનોનાં ચહેરા ઓળખતા થઈ ગયા છે.
આ સિંહ પરીવાર ગામમાં જ્યારે ગ્રામજનો પોઢી જાય ત્યારે આવી જાય અને મારણની મજિબાની કરી પાછા ચાલ્યા જાય છે. ગ્રામજનો પણ આ સિંહ પરીવારને હેરાન કરતા નથી. પણ મહત્વની વાતએ છે કે, હવે આ ઝુડવડલીનાં ગ્રામજનોને આ સિંહ પરીવાર સાથે આત્મિયતા અને લાગણીનાં સંબંધ બંધાઈ ગયા છે. ગ્રામજનો ગર્વથી કહે છે કે, અમારા ગામમાં વસવાટ કરતા સિંહ પરિવારને ક્યાંય લઈ જવા નથી દેવા.
અમે જતન કરીશું છેલ્લા ઘણા સમયથી ઝુડવડલીના સરપંચ કાંતિભાઈ ઉદાણીની વાડીમાં વસવાટ કરતી આ સિંહણ અને તેના બચ્ચાઓને પાંજરે પૂરવાની વાત વનખાતાએ જ્યારે કરતા જ ગ્રામજનોનું જાણે કે લોહી ઉકળી ઉઠયું હોય તેમ આગેવાનો કાંતિભાઈ દોમડીયા, કિરણભાઈ દોમડીયા, લવજીભાઈ ભોળાભાઈ દોમડીયા, હિંમતભાઈ રાવલીયા, બાલુભાઈ, સરપંચ કાંતિભાઈ ઉકાણી તથા અસંખ્ય ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં વનખાતાનાં અધિકારીને કહી દીધુ હતું કે, આ સિંહ પરિવારને પાંજરે પુરી જંગલમાં લઈ નથી જવાનો જ્યાં સુધી ગામમાં રહે ત્યાં સુધી ભલે આ સિંહ પરિવાર અહી વસવાટ કરે જ્યારે તેમને તેમની રીતે જવુ હશે ત્યારે કોઈ તેમને રોકી શકશે નહી. વનખાતાના અધિકારીઓ પણ લાગણીવશ થઈ ગયા હતા. સિંહને એક મિત્રની જેમ રાખો તો ક્યારેય કોઈ નવીને નુકસાન કરતો નથી.
છેવટે સિંહ પરિવાર મૂળ ઘરે ચાલ્યા જશે –
સિંહનું મૂળ ઘર જંગલ છે અને છેવટે આ સિંહ આપ મેળે તેમના મુળ ઘરે જ ચાલ્યા જશે તેમ ગામ લોકોનું કહેવું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-we-will-care-of-lion-family-2002594.html

No comments: