Saturday, April 30, 2011

'ઇનફાઇટ'માં દીપડાને પતાવી દેતો સાવજ.

Source: Bhaskar News, Una
- જસાધાર રેન્જમાં સિંહ મારણ કરતો હોય અચાનક દીપડો ચડી આવતાં જંગ ખેલાયો હોવાનું વન વિભાગનું અનુમાન
જંગલનો રાજા સિંહ સામાન્ય રીતે તૃણભક્ષી પ્રાણીઓનો જ શિકાર કરે છે. જો આવાં પ્રાણીઓ ન મળે તો માલઢોર તરફ પણ નજર દોડાવે. જોકે, શનિવારે ગીરનાં જંગલની જશાધાર રેન્જમાં રાવલ નદીનાં પટમાં સિંહ-દીપડા વચ્ચે ફાઇટ ટુ ફીનીશ નો જંગ ખેલાયો હતો. જેમાં દીપડાએ જીવ ગુમાવ્યો હતો. સિંહ મારણ કરતો હોય એ સમયે દીપડાએ ત્યાં આવીને ખલેલ પહોંચાડ્યા બાદ આ ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે.
ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતી જશાધાર રેન્જનાં જંગલમાં શનિવારે બપોરનાં સમયે એક સિંહ અને દીપડો રાવલ નદીનાં પટમાંજ સામસામા આવી ગયા હતા. બંને વચ્ચે ઘુરકિયાં થયા બાદ જંગ શરૂ થઇ ગયો હતો. જંગલમાં આમેય બે ખુંખાર પ્રાણીઓ વચ્ચેનો જંગ ફાઇટ ટુ ફીનીશ નો જ હોય છે. અહીં પણ એવું જ થયું. એક તરફ વનરાજ હતા.
તો બીજી તરફ ચપળ દીપડૉ. આમ છતાં રાજા એ રાજા. દીપડો ગમે તેટલો ચાલાક હોય. સિંહની પ્રચંડ તાકાત પાસે તેની શી વીસાત ? આખરે થવાનું હતું એ જ થયું. આ ઇન્ફાઇટમાં દીપડો મોતને ભેટ્યો. અને સિંહે પોતાની વાટ પકડી. દીપડાનો મૃતદેહ મળી આવતાં અને તેના પર ન્હોર, બચકાં ભરેલાં હોવાનાં નિશાનો જોતાં દીપડાનું મોત સિંહ સાથેની ઇન્ફાઇટમાં જ થયાનું સ્પષ્ટ બન્યું.
મૃત દીપડાની ઉંમર ૧૨ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. કદાચ સિંહ મારણ કરતો હોય એ વખતે દીપડો તેમાં ભાગ પડાવવા આવી જતાં બંને વચ્ચે ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વનવિભાગનું માનવું છે.
સિંહને શોધવા દોડધામ -
દીપડા સાથેની ઈન્ફાઇટમાં સિંહને પણ ઇજાઓ પહોંચી હોવાની શક્યતાનાં આધારે વન વિભાગે તેનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.
ખિલાવડમાં થોડા માસ પૂર્વે સિંહ-દીપડાએ સાથે ભોજન કર્યું’તું - 
સિંહ અને દીપડો ક્યારેય સામસામે આવતા નથી. જોકે, થોડા સમય પહેલાં ખિલાવડ ગામની સીમમાં સિંહ અને દીપડાએ એક જ મારણમાંથી સાથે ભોજન કર્યાનો બનાવ પણ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/sau-lion-hunting-leopard-in-infight-2007762.html

No comments: