Saturday, April 30, 2011

વાલરનાં સિંહ શિકાર પ્રકરણે શકમંદોની અટકાયત કરતું તંત્ર.

Source: Bhaskar News, Talaja 

પ્રાથમિક તબક્કે શિકાર થયાની વધુ બળવતર બની રહેલી શંકા
તળાજાના વાલર અને બાંભોરની સીમમાંથી સિંહનુ હાડપિંજર મળી આવ્યાના બનાવમાં છેક મૂળ સુધી પહોંચવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ટીમોએ ભારે કવાયત હાથ ધરી છે. શંકાસ્પદ શખ્સોની અટકાયત કરાઇ છે. શિકાર સહિતની જુદી જુદી શક્યતાઓ અંગે શંકા-કુશંકાઓ જાગી રહી છે.
મૃત સિંહના અવશેષો મળવાને લીધે ખળભળાટ મચી ગયો હોઇ આ બનાવની તપાસ કરવા જુનાગઢ અને ગાંધીનગરથી વન અધિકારીઓની ટીમોએ દોડી આવી દાઠા વિસ્તારમાં સિંહના મોત અંગે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
ગત રાત્રિના વન અધિકારીઓએ જ્યાંથી સિંહના મૃત અવશેષો મળ્યા હતા. તે જગ્યાએ ગાડાના ચીલા જેની વાડી તરફ જતા હતા તે વાડીવાળા તથા તેના ભાગીયાને તેમજ એક પશુપાલકને સઘન પુછપરછ કરવા લઇ ગયા હતા. આ ઉપરાંત જે ગાડામાં હેરાફેરીની શંકા વ્યક્ત કરાઇ છે તે ગાડાવાળાની પુછપરછ કરવા ઉઠાવી લેવાયાની સુત્રોમાંથી માહિતી મળેલ છે.
દરમ્યાનમાં આ ઘટનાને ગંભીર ગણી વિડીયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફી કરી આજુબાજુના રહીશોની પુછપરછ હાથ ધરાઇ રહી છે. ઉપરાંત સિંહના હાડપિંજર પરથી નહોર અને ચામડુ નહી મળી આવતા તેના શિકારની શક્યતા અંગે પણ તપાસ હાથ ધરાઇ છે. આ અંગે મદદનશિ વન સરક્ષક રંઘાવાના કહેવા મુજબ ઘટના અંગે ટૂંકા ગાળામાં જ પરિણામ મળવાની શક્યતા છે. ઝીણવટભરી તપાસ ચાલુ છે.
વધુમાં તેઓના કહેવા અનુસાર આપણા વિસ્તારમાં ખેડૂતો દ્વારા રાત્રિના વીજ કરંટ પણ ચુકવવામાં આવે છે જેને લીધે પણ આ સિંહનુ મોત નીપજયુ છે કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે. સિંહનુ અગર કુદરતી મોત ન હોય તો શિકાર થવાની શક્યતા પણ વિચારાઇ રહી છે.
સિંહણ લાપત્તા ?
તળાજા મહુવાના આ ગ્રામ્ય વિસ્તારમાં જંગલ ખાતામાંથી જાણવા મળ્યા મુજબ બે નર અને એક માદા એમ ત્રણ સિંહોનો પરિવાર વસવાટ કરતો હતો. જે પૈકી એક સિંહનુ મોત નીપજતા તેના અવશેષો મળ્યા છે. બાકીના સિંહોનુ લોકેશન મેળવવા કવાયત હાથ ધરતા તેમાં નર સિંહનુ પગેરૂ મળ્યુ છે. પણ સિંહણના હજુ સુધી કોઇ સગડ ન મળતા ક્યાંક તેનો પણ શિકાર થયો નથી ને તેવી આશંકા ઉઠવા પામી છે. વનવિભાગના અધિકારીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી છે.
બાળદીપડાનો મૃતદેહ મળ્યો
ગીરજાંબુડી રાઉન્ડમાં ટિંબી વિસ્તારમાં આશરે ૬ માસના બાળ દીપડાનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને જાણ થતા વનખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ બાળદીપડાના શરીર પર ઇજાના નિશાન જણાયા હતા. સતાવાર સુત્રો આ નિશાન મૃતદેહને વન્ય પ્રાણીઓએ ચૂંથ્યા હોવાથી પડ્યા હોવાનુ જણાવી રહ્યા છે. દીપડાનુ ૬ માસનુ આ બચ્ચુ માતાથી વિખુટુ પડ્યા બાદ ભુખ,તરસને લીધે મોત પામ્યુ હોવાની શક્યતા પણ જોવાઇ રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-suspectious-arrested-in-valar-lion-hunting-case-2049441.html

No comments: