Saturday, April 30, 2011

સાવજોની સલામતી માટે વનવિભાગની કવાયત.

Source: Bhaskar News, Liliya
લીલીયા પંથકમાં વસતા ૨૩ સાવજો તદ્ન અસલામત હોય અને તળાજામાં સિંહના શિકાર જેવી ઘટના અહિં ગેમે ત્યારે બની શકે તેમ હોવા અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે વન કર્મચારી અને અધિકારીઓનો કાફલો અહિં દોડી આવ્યો હતો. અને આ વિસ્તારનાં ખેડૂતોએ કરેલા તાર ફેન્સીંગ-દંગા-વગેરે અંગે સર્વે શરૂ કર્યો છે. અજાણ્યા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.તંત્ર દ્વારા અહિ સ્ટાફ વધારવા પણ કવાયત શરૂ કરાઈ છે.
તળાજા પંથકમાં સિંહના શિકારની ઘટના બાદ હવે જંગલખાતાએ એ વાતની ગંભીરતા સમજાઈ છે કે લીલીયા પંથકમાં પણ ગમે ત્યારે સાવજનો શિકાર થઈ શકે છે. ‘દિવ્ય ભાસ્કર’માં આ વિસ્તાર કઈ રીતે ચારેય તરફથી ખુલ્લો છે અને શિકારીઓ કઈ રીતે શિકાર કરી કોઈ પણ દિશામાં નાસી જઈ શકે છે તે અંગે અહેવાલ છપાયા બાદ આજે વનતંત્ર હરક્તમાં આવ્યું હતું.
આજે આ વિસ્તારનાં આરએફઓ તુર્ક ઉપરાંત લાઠી, અમરેલી અને બગસરાના આરએફઓને બીટગાર્ડ ફોરેસ્ટ અને વનમિત્રો સહિતનાં સ્ટાફનાં જંગી કાફલા સાથે આ વિસ્તારમાં દોડાવાયા હતા. ૩૫ થી વધુ કર્મચારીઓનો જંગલખાતાનો આ સ્ટાફ સાવજોના રહેઠાંણ વિસ્તારમાં ઘુમી રહ્યો હતો. અહીં સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને સાવજોને કઈ રીતે સલામતી પૂરી પાડી શકાય તેની જાણકારી મેળવી હતીશ.
વનખાતાનાં કર્મચારીઓ દ્વારા અહિં ક્યા ક્યા ખેડૂતો દ્વારા તાર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. અને કોઈ ખેડૂત તારમાં વજપિ્રવાહ મુકવામાં આવે છે કે કેમ તેની જાણકારી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાંકચ, બવાડીથી લઈ ચાંદગઢ સુધીનાં વિસ્તારમાં દંગા નાખીને રહેતા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. વનતંત્ર દ્વારા આ વિસ્તારમાં શંકાસ્પદ અવર જવર કરતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. જંગલખાતાનાં અધિકારીઓ નાયબ વન સંરક્ષક એસ.જે.મકવાણા, મદદનીશ વન સંરક્ષક એમ.જે.મકવાણા મદદનીશ વન સરંક્ષક એમ.એમ.મુજા, વગેરેએ ક્રાંકચ .. કણકોટ, જૂના સાવર, કેરાળા, ખાલપર વગેરે ગામની બીટ વિસ્તારમાં વસતા સાવજોની રક્ષા કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરી હતી.
પાણીના પોઈન્ટ પણ ચેક કરાયા
વન અધિકારીઓએ આજે આ વિસ્તારમાં સાવજ માટેનાં પાણીનાં દરેક પોઈન્ટ પણ ચેક કર્યા હતા અને પાણીનાં પોઈન્ટ પર સાવજની સુરક્ષા કઈ રીતે વધારી શકાય તેની ચર્ચા કરી હતી.

No comments: