Monday, October 1, 2012

શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, દીપડી રાતભર લટકતી રહી.


Bhaskar News, Amreli, Dhari | Oct 01, 2012, 00:58AM IST
- ધારી પંથકના દીતલા ગામની સીમમાં બનેલો અભૂતપૂર્વ બનાવ

ધારી તાલુકાના દીતલા ગામની સીમમાં ગઇરાત્રે આશરે ચાર વર્ષની ઉમરની એક દીપડી પક્ષીના શિકાર માટે વીજપોલ પર ચડી હતી ત્યારે ટ્રાંન્સફોર્મરમાં વીજશોક લાગતા દીપડીનું મોત થયું હતું. વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ દીપડીનો મૃતદેહ કબજે લીધો હતો. અહીંથી પોલીસને બે કબૂતર મરેલા પણ મળી આવ્યા હતાં.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓની જાણે માઠી દશા ચાલી રહી છે. અવારનવાર સિંહ કે દીપડાના અપમૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. ગઇરાત્રે ધારી તાલુકાના દીતલા ગામની સીમમાં વીજશોકથી દીપડીના મોતની ઘટના બની છે. વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ ઘટના ધારીના દીતલા ગામના ખોડાભાઇ ભુરાભાઇ ઝાલાની વાડીમાં બની હતી.

તેમની વાડીમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મમર પર ગઇરાત્રે એક દીપડી પક્ષીના શિકાર માટે ચડી હતી. અહીં મોર અને કબુતરની વસતી વધારે હોય તેના શિકાર માટે દીપડી અહીં ચડ્યાનુ મનાઇ રહ્યું છે. દીપડી વીજપોલ પર ચડતા જ વીજશોક લાગવાથી મોતને ભેંટી હતી. સવારે દીપડીનો મૃતદેહ વીજપોલ પર લટકતો મળી આવ્યો હતો.

બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા સરસીયા રેન્જના આરએફઓ સી પી રાણપરિયા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયાં હતાં. ઘટનાને પગલે ડીએફઓ અંશુમન શર્મા પણ દીતલા દોડી ગયાં હતાં. દીપડીની ઉંમર આશરે ચાર વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું દીપડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા ખસેડવામાં આવ્યો હતો. વનખાતાના સ્ટાફને થાંભલા નીચેથી કબુતરના બે મૃતદેહ પણ મળી આવ્યા હતાં.

No comments: