Friday, October 19, 2012

ગિરનાર અભયારણ્યમાં ૧પ નવા સિંહબાળનું આગમન.

જૂનાગઢ, તા.૧૧
સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ ચોમાસુ પુરૂ થતા જ ગીરની જેમ ગિરનાર અભયારણ્યમાં પણ નવા સિંહબાળનું આગમન થયું છે. વનવિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ વર્ષે ગિરનાર અભયારણ્યમાં પંદરેક જેટલા નવા સિંહબાળનો ઉમેરો થયો છે. કુદરતી અનમોલ ભેંટ સમાન ૧પ દિવસથી લઈને ત્રણ મહિના સુધીના બચ્ચાઓના કિલ્લોલથી હાલમાં ગિરનારની ગિરિકંદરાઓ જાણે કે જીવંત બની ઉઠી છે. વનવિભાગ પણ આ બચ્ચાઓનું ધ્યાન રાખવાની કામગીરીમાં લાગી ગયો છે. નવા બચ્ચાઓના આગમન સાથે જ ગિરનારમાં સિંહોની સંખ્યા ૩પ થી વધુ થઈ ગઈ છે. ખોરાક, પાણી અને સલામત આશ્રયસ્થાનની પાયાની જરૂરિયાતની પુરતી વ્યવસ્થાના કારણે ગિરનાર અભયારણ્યના જંગલમાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
  • ૧પ દિવસથી ત્રણ મહિના સુધીના બચ્ચાઓના કિલ્લોલથી ગિરિકંદરાઓ જીવંત બની ઉઠી
  • ખોરાક, પાણી અને સલામત આશ્રયસ્થાનની પાયાની જરૂરિયાતો પુરી થતી હોવાથી વધી રહેલી સિંહોની સંખ્યા : સિંહોનો પ્રિય રહેંણાક વિસ્તાર ઉત્તર રેન્જ
ચોમાસાની ઋતુ એટલે તમામ પ્રકારની વન્યસૃષ્ટિ માટે સંવનન અને સંવર્ધનનો સમય ગણાય છે. પ્રકૃત્તિની આહારકડીમાં સૌથી પહેલા આવતા ઘાસથી માંડીને સિંહો સુધીના પ્રાણીઓ માટે આ ઋતુમાં નવો ખોરાક તૈયાર થાય છે. સાથે સાથે જ તેની પ્રજાતિની સંખ્યામાં પણ વધારો થાય છે. અન્ય જીવો કરતા લુપ્ત થઈ રહેલા એશિયાઈ સિંહો ઉપર બધાનું ધ્યાન સૌથી વધુ કેન્દ્રિત થયેલું હોય છે.
ચોમાસાની સંવનનની ઋતુ દરમિયાન ગિરનાર અભયારણ્યમાં કેટલીક સિંહણો ગર્ભવતી બની હતી. હાલમાં બચ્ચાના જન્મ થવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર ગિરનાર અભયારણ્યમાં ૧પ નવા સિંહબાળનો ઉમેરો થયો છે.
૧પ દિવસ, એક મહિનો, બે મહિનાથી લઈને ત્રણ મહિના સુધીના નવા બચ્ચાઓના કિલ્લોલથી ગિરનારનું જંગલ જાણે કે જીવંત બની ગયું છે. આ ૧પ બચ્ચાઓમાંથી ૧ર જેટલા માદા અને બાકીના નર હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. નવા બચ્ચાઓના ઉમેરા સાથે ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યા ૩પ થી વધુ થઈ ગઈ છે. બચ્ચાઓ સાથે સિંહણો તેની ટેરેટરીમાં ફરતી જોવા મળી રહી છે. હાલમાં ડી.સી.એફ. આરાધના શાહૂના માર્ગદર્શન હેઠળ એ.સી.એફ. ગાંધી, આર.એફ.ઓ. પી.જે.મારૂ, પી.ટી.કનેરીયા વગેરે દ્વારા સિંહબાળ સહિતના વન્યપ્રાણીઓ તથા જંગલની કાળજી લેવામાં આવી રહી છે.
ગિરનાર જંગલમાં સિંહો માટે રહેવાનો સૌથી પ્રિય વિસ્તાર ઉત્તર રેન્જ ગણવામાં આવે છે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકા સાથે જોડાયેલા આ જંગલ વિસ્તારમાં કાયમીના ધોરણે સિંહોની વધુ સંખ્યા જોવા મળે છે. આ વિસ્તારમાં લોકોની ઓછી અવર-જવર અને પાણી સહિતની અન્ય અનુકૂળતાઓના કારણે સિંહો વધુ રહેવાનું પસંદ કરે છે. માનવીય ખલેલ સિંહોને સ્થળાંતર કરવા તરફ પ્રેરી રહ્યા છે. જો કે દક્ષિણ રેન્જમાં પણ સિંહોની અવર-જવર તો કાયમી હોય જ છે. પરંતુ આ વિસ્તારમાં રહેવાનું ઓછુ પસંદ કરે છે. દક્ષિણ રેન્જમાં ફક્ત આંટો મારીને સિંહો પરત જતા રહે છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ આપતા નિષ્ણાંતો જણાવે છે કે, અહી સિંહોની પાયાની જરૂરિયાત સરળતાથી પુરી થઈ રહી છે. સૌપ્રથમ તો અહીનું જંગલ રહેવાનું સલામત સ્થળ છે. તેમજ પાંખુ જંગલ હોવાથી સિંહો માટે ખુબ જ અનુકૂળ છે. જ્યારે જંગલમાં ખોરાક પણ સરળતાથી મળી જાય છે. આસપાસના વિસ્તારના પાલતુ પશુઓનો ખોરાક મળતો રહે છે. આ ઉપરાંત પાણી આખું વર્ષ મળતું રહે છે. આ ત્રણ મુખ્ય કારણોથી ગિરનાર અભયારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સિંહણ કેવી રીતે કરે છે બચ્ચાનો ઉછેર ??: પાંચ-સાત મહિનાનું સિંહબાળ શિકાર કરવા સક્ષમ બની જાય છે
જૂનાગઢ, તા.૧૧: સિંહબાળના જન્મબાદ સિંહણ તબક્કાવાર તેનો ઉછેર કરે છે. સિંહબાળની વૃદ્ધિ થોડી ઝડપથી થાય છે. જન્મથી લઈને શરૂઆતના ત્રણ મહિના સુધી સિંહણ બચ્ચાની ખુબ જ કાળજી રાખે છે. બચ્ચા આખો દિવસ સિંહણની સાથે જ હોય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન બચ્ચા ખાવાનું પણ શિખ્યા હોતા નથી. શરૂઆતના ત્રણ મહિના બચ્ચાને ખાવાનું શિખવવાની તાલિમ સિંહણ દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી બચ્ચા પાંચ-સાત મહિનાના થાય આ દરમિયાન સિંહણથી ધીમે ધીમે દૂર જવાનું શિખવા માંડે છે. આ સમયમાં બચ્ચાને શિકાર અંગેની તાલિમ આપવામાં આવે છે. ત્રણ-ચાર મહિનાની તાલિમ મેળવ્યા બાદ છ થી આઠ માસનું સિંહબાળ શિકાર કરતા શિખી ગયું હોય છે. નાના પ્રાણીઓનો તે એકલા જ શિકાર કરી શકે એટલું સક્ષમ બની ગયું હોય છે. સમય પસાર થતો જાય તેમ બચ્ચુ માતાથી વધુને વધુ દૂર જતા શિખી જાય છે. અને દોઢ-બે વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાં પહોંચી ગયેલા બચ્ચા પાલતું પશુઓનો શિકાર કરવા માટે પણ સક્ષમ બની ગયા હોય છે.

No comments: