Monday, October 1, 2012

વિસાવદરમાં વિવેકાનંદ યાત્રાનાં માર્ગ પર વૃક્ષ છેદન.


Bhaskar News, Visavadar | Oct 01, 2012, 00:36AM IST
- પીડબલ્યુડીનાં કર્મચારીઓ ઘાતકી કઠીયારા બની ગયા

વિસાવદરમાં આવતીકાલે વિવેકાનંદ યાત્રા આવી રહી હોય તમામ તંત્ર ઉંઘા માથે કામે લાગી ગયું છે. ત્યારે પીડબલ્યુડીનાં કર્મચારીઓએ ઘાતકી કઠીયારા બની યાત્રાનાં માર્ગ પર નડતરરૂપ વૃક્ષો કાપવામાં લાગી જતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે.

વિસાવદરમાં આવતીકાલ તા.૧નાં રોજ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા આવી રહી હોય તમામ તંત્ર ઊંધા માથે કામે લાગી ગયું છે. ત્યારે પીડબલ્યુડીનાં કર્મચારીઓ દ્વારા ઘાતકી કઠીયારા બની માંડાવડ રોડ પર અને મુખ્યમંત્રીનાં સભા સ્થળ આસપાસ યાત્રાનાં માર્ગ પર નડતરરૂપ વર્ષો પુરાણા ઘટાદાર વૃક્ષોને આડેધડ કાપવાનું શરૂ કરી દેતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત માર્ગમાં આવતા સ્પીડબ્રેકરોને તોડી ખાડા-ખડબા બુરવાનાં કામમાં પણ જોશ બતાવી રહ્યાં છે. આ ઉપરાંત પીજીવીસીએલનાં કર્મચારીઓએ પણ પોતાની આળસ ખંખેરી વારંવાર વીજકાપ રાખી સર્વીસ વાયરો અને પોલ વાયરોનું રીપેરિંગ કામ શરૂ કરતા લોકોમાં નારાજગી છવાઈ જવા પામી છે.

- ઉપવાસી ખેડૂતો યાત્રા સભાનો બહિષ્કાર કરશે

મુખ્યમંત્રીનાં આગમન પૂર્વે પાકવિમા મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલનની ઘોષણા કરી દીધી છે. સાત વ્યક્તિ આમરણાંત અને તેમનાં ટેકામાં ૧૦૦૦ લોકો પ્રતિક ઉપવાસમાં જોડાશે તેમજ યાત્રા અને સભાનો પણ બહિષ્કાર કરાશે તેમ જાબુંડીનાં સરપંચ લાલજીભાઈ કોટડીયાએ જણાવ્યું છે.

No comments: